દેહધારી જીવન પ્રભુની દિવ્ય ચેતનાના આધારે જીવી શકાય છે. તે દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિનો સાત્ત્વિક ગુણોનો પ્રભાવ વિચાર-વર્તન રૂપે પ્રગટે, તેને કહેવાય જ્ઞાન-ભક્તિનું સદાચરણ, જિજ્ઞાસુ ભક્ત શાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરે અને અધ્યયન રૂપે સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરતો રહે. અધ્યયનની નિષ્ઠાના લીધે તન-મનની એકબીજાને આધારિત કિયાઓનો સંદર્ભ અને સમજાતો જાય.એવી સમજ રૂપે કે સ્વીકાર થાય, કે તન-મનની જીવંત સ્થિતિનો સંબંધ પ્રભુની આત્મીય ચેતના સાથે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત આત્મીય સંબંધની દિવ્યતાને માણવા માટે, આત્મીય સ્વાનુભૂતિનો આનંદ માણવા માટે, જ્ઞાન-ભકિતના સદ્ભાવથી જીવન જીવવાનો પુરુષાર્થ કરતો રહે. એવાં પુરુષાર્થ રૂપે તે અનુભવે કે, “પળે પળે બદલાતી પળ સ્વરૂપે આવિષ્કાર થાય છે પ્રભુની ચેતનાનો અને પ્રભુની ચેતનાનું ઊર્જા સ્વરૂપનું પ્રસરણ છે, એટલે તો હું છું અને જગતની વિવિધ કૃતિઓ છે.’’ આવી પ્રતીતિના લીધે જગતની દેહધારી આકૃતિઓની, કે પ્રકૃતિની વિવિધ કૃતિઓની મહત્તાનો સ્વીકાર થતો જાય.
પ્રકૃતિની મહત્તાના સ્વીકારમાં પ્રભુ સાથેની એકયતાનો સ્વીકાર હોય, અર્થાત્ સર્વે આકૃતિની હસ્તી પ્રભુની આત્મીય ચેતનાના લીધે જીવે છે એવાં વિશુદ્ધભાવની મનોદષ્ટિ જાગૃત થાય. જાગૃતિની પ્રસન્નતાને ભક્ત માણતો જાય અને અંતરાત્મા સાથેની સમીપતાને અનુભવતો જાય. એવી સમીપતામાં પ્રભુને વિનંતિ હોય તથા કરેલી, કે અજાણતાં થતી ભૂલોનો એકરાર હોય અને પ્રેમભાવથી સંવાદ પણ થતો હોય કે, “હે પ્રભુ! આપની ભગવત્ ભાવની શક્તિનું સંવેદન જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે જ્યારે જ્યારે અનુભવું છું, ત્યારે દેશમાં ઊર્જા તરંગોની શીતળતા પ્રસરી જાય છે. આપની ઊર્જા શક્તિની ચેતના પળે પળે શ્વાસ રૂપે અર્પણ થતી રહે છે. તે સંસારી રાગ-દ્વેષના વર્તનમાં વેડફાઇ ન જાય તે માટે સર્તક રહીને આત્મ નિરીક્ષણ કરતો રહું છું. જેથી મનના કોઈક ખૂણામાં સુષુપ્ત રહેલી અહંકારી વૃત્તિનો અંધકાર ન પ્રસરે, પણ આપના સાત્ત્વિકભાવની વિશુદ્ધતાનો ઉજાસ પ્રસરતો રહે. આપનો ભાવ એટલે જ નિઃસ્વાર્થી પ્રીતની ચેતના. તે દિવ્ય ચેતના મનના રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારોના લીધે પ્રસરી શકતી નથી. તેથી જ પળે પળે બદલાતી પરિસ્થિતિમાં જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવવાનો પુરુષાર્થ કરું છું. એવો પુરુષાર્થ પણ આપની સાક્ષાત્ હાજરીના લીધે થાય છે તે સત્ય મનમાં અંકિત થયું છે..
હે નાથ! આપની દિવ્ય પ્રીતનું સંવેદન પરમ સંતોષની શાંતિનો અનુભવ ધરે છે. અદશ્યને દૃશ્યમાન કરનારી આપની દિવ્ય ચેતના જ અભિાવની જાગૃતિનો ઉજાસ ધરે છે. તે ઉજાસમાં કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય છે કે નથી થતું એવા વિચારોમાં મન ફરતું નથી, કારણ હવે ભેદ નથી રહ્યો દશ્ય-અદશ્યનો. હવે સમજાયું કે અદશ્ય દશ્યમાન થાય છે અને જે દૃશ્યમાન છે એમાં અદશ્ય ચેતનાનું જ પ્રસરણ હોવાંથી દેહધારી કૃતિઓ, કે પદાર્થો દશ્યમાન રૂપે અનુભવાય છે, એટલે દૃશ્યમાન કૃતિઓ અદશ્ય થાય તેનું દુઃખ કે અજંપો નથી, પણ પળે પળે બદલાતી પરિસ્થિતિ રૂપે આપની દિવ્ય ચેતનાનું પ્રસરણ છે એવો જ્ઞાતાભાવ જાગૃત થાય છે. તે જ્ઞાતાભાવની સ્વાનુભૂતિ રૂપી કૃપાની મહેર સદા વરસતી રહે એવી યાચના કરું છું. હરક્ષેત્રે બદલાતી પરિસ્થિતિ રૂપે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય છે, જે ઇન્દ્રિયોથી ભલે અનુભવી ન શકાય, પણ તે સાત્ત્વિકભાવની જાગૃતિમાં, સમર્પણભાવની સમતોલનામાં પ્રકાશિત થતું રહે છે. એટલે ભાવની જાગૃતિમાં સ્થિત રાખજો, જેથી મનની મૌન સ્થિતિનો પ્રકાશ પ્રસરતો રહે. તેથી જ અંતરભક્તિમાં આપની કૃપા ધ્યાનસ્થ કરે છે, ત્યારે સ્વાનુભૂતિનો આનંદ માણી શકાય છે.—
…અંતર ભક્તિની પ્રસન્નતા માણવા માટે જ મનુષ્ય દેહનું દાન અર્પણ થયું છે. એ જાણીને તે દાનનો આશય પૂરો થાય એવી જાગૃતિનું જીવન આપની કૃપાથી જિવાય છે. હવે કાંટા અને ગુલાબની ભિન્નતા નથી જણાતી. કારણ કાંટા અને ગુલાબની એકરૂપતા હોવાથી ગુલાબના ફુલનું રંગીન, સુગંધી સૌંદર્ય પ્રગટે છે. એવી સત્ બોધની ધારામાં આપ તરાવો છો, એટલે તો હું તુંજમાં ઓગળતો જાઉ છું, સમાતો જાઉં છું. આપનો જ આધાર છે અને આપના આધારના લીધે આ જગતમાં કોઈ નિરાધાર નથી. એવા અહોભાવમાં ચિંતા, ભય, અસુરક્ષાના નકારાત્મક વિચારો વિલીન થઈ જાય છે. આપની સાક્ષાત્ પ્રતીતિ પાસની ક્રિયા રૂપે, પાસના સંગમાં થયાં કરે છે. ઘાસની ચેતના રૂપે આપની દિવ્ય પ્રીતની ધારા અર્પણ થાય છે. પરંતુ મનુષ્ય કર્મસંસ્કારોનું આવરણ આ પ્રીતની ધારાને પૂર્ણતાથી ઝીલી શકતું નથી...
..કર્મસંસ્કારોનું આવરણ એટલે જ અહંકારી રાગ-દ્વેષના વિચાર-વર્તનનો અવરોધ. તે આવરણનો પહાડ જેવો અવરોધ નિઃસ્વાર્થ પ્રેમના સદાચરણથી દૂર થઈ શકે છે. તેનું માર્ગદર્શન તમે શ્રીકૃષ્ણ લીલા દ્વારા ગોવર્ધન પહાડને આંગળી પર ઊંચકીને દર્શાવ્યું હતું. એ કૃષ્ણ લીલાનો સત્ બોધ હવે સમજાય છે, કે મનુષ્યના કર્મસંસ્કારોના પહાડનો ભાર એક આંગળી જેટલો ત્યારે ગણાય, જ્યારે ગોકુળવાસીઓની જેમ જ્ઞાન-ભક્તિના સદાચરણથી, નિઃસ્વાર્થ પ્રેમભાવથી માનવી જીવન જીવે. કૃષ્ણલીલાના બોધથી નચિંત થઈને ભક્તિભાવમાં ધ્યાનસ્થ થવાય છે અને આપના દિવ્ય ભાવનું સંવેદન પ્રકાશિત થતાં રોમેરોમ નિખાલસ આનંદથી ઊભરાઈ જાય છે. આમ છતાં પૂર્ણતાની આ અંતરયાત્રામાં પળે પળે બદલાતી પળમાં એવું લાગે છે, કે તું છે છતાં નથી. તુજના દર્શનનો આનંદ માણનાર હું છું તે પણ ભુલાતું જાય છે. જેમ જળના પ્રવાહને સ્પર્શીને નાવ આગળ વધે છે. કારણ જળ અને નાવનો અલિમભાવનો સ્પર્શ હોવાંથી, જળના પ્રવાહમાં નાવ સતત આગળ પ્રયાણ કરતી રહે છે; તેમ આ દેહધારી જીવન રૂપી નાવ આપનાં દિવ્ય ચેતનાના પ્રવાહમાં જ્ઞાન-ભક્તિના સદાચરણના લીધે આગળ પ્રયાણ કરે છે.
પળે પળે બદલાતી આ પળમાં, કહોને પ્રભુ કઈ પળે તું મળે મુજને;
પળે પળે શ્વાસ રૂપે મળે મુજને અને લાગે કે તુજને મેં પકડ્યો
પકડ્યો એમાં જ છૂટી જતો તું અને લાગતું કે તુજમાં સમાતો હું;
આવી પકડદાવમાં તે તો છોડાવ્યો અને અને પકડાયો હવે હું તુંજમાં!”
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા