પ્રીતની ઊર્જા છે સર્વત્ર
દિવ્ય પ્રીતનો આનંદ પ્રગટે નિઃસ્વાર્થ પ્રેમના સદાચરણથી અને તે પ્રીતની ઊર્જા છે સર્વત્ર; પ્રીતની ઊર્જાથી થાય છે સર્જન-વિર્સજનની ક્રિયા અને ઊર્જા છે પ્રભુભાવની આત્મીય ચેતના; તે દિવ્ય ચેતનાની પ્રતીતિમાં ભક્ત તરે નિઃસ્વાર્થ પ્રેમનાં સદાચરણથી, ત્યારે પ્રગટે અંતર કહેણની ધારા; અંતર કહેણના સાત્ત્વિક વિચારો રૂપે પ્રસરે આત્મીય પ્રીતની ચેતના, જે ધરે મનને જાગૃતિનું પોષણ,
વર્તમાન સમયની સ્પર્ધાત્મક જીવનની દોડધામમાં ઘણાને નિઃસ્વાર્થ પ્રેમનો અનુભવ અશક્ય લાગે છે. પરંતુ માનવીને પોતાની શિશુ અવસ્થાનું સ્મરણ જો થાય, તો નિઃસ્વાર્થ પ્રેમની નિર્દોષતાના અણસારા મળે, શિશુ અવસ્થામાં નિઃસ્વાર્થ પ્રેમની ધારામાં આપણે ઝૂલતાં હતાં. જેમ જેમ મોટા થતાં ગયાં, તેમ તેમ પ્રેમની નિઃસ્વાર્થતા ઘટતી ગઈ અને મારું-તારું-પરાયું એવાં સ્વાર્થી ભેદભાવમાં મન વીંટળાતું ગયું. તરુણવયની બુદ્ધિથી વિદ્યા અભ્યાસથી મન કેળવાતું ગયું, પણ યુવાનીમાં બુદ્ધિ પ્રતિભાનું ઘમંડ વધતાં પ્રેમની નિખાલસતા ખોવાઈ ગઈ. આમ છતાં દરેક માનવી જ્યારે માતા- પિતાનું પાત્ર ભજવે છે, ત્યારે પોતાના બાળકના ઉછેર રૂપે નિઃસ્વાર્થ પ્રેમને અનુભવે છે. પરંતુ જોઈએ એટલાં પ્રમાણમાં સ્વાર્થ વૃત્તિનું આવરણ વિલીન થતું નથી. તેથી પ્રભુએ રચના એવી કરી છે કે પૌઢ અવસ્થામાં અને વૃદ્ધ અવસ્થામાં માનવી પોતાના પૌત્ર કે પૌત્રી સાથે નિઃસ્વાર્થ પ્રેમની પ્રસન્નતાને માણી શકે. મનને જો નિઃસ્વાર્થ પ્રેમની પ્રસન્નતાનો અણસારો મળે, તો આત્મ સ્વરૂપની દિવ્ય પ્રીતનો આનંદ માણવાની જિજ્ઞાસા જાગી શકે,
મનુષ્ય જન્મ એટલે પ્રેમની નિઃસ્વાર્થતાનો અનુભવ કરવાનો અવસર. પોતાના આત્મ સ્વરૂપની દિવ્ય પ્રીતની ગુણિયલતાને નિખાલસ પ્રેમ રૂપે અનુભવવા માટે, આપણને મનુષ્ય દેહની સુવિધા પ્રાપ્ત થઈ છે. વિચાર-વર્તન રૂપે જો નિખાલસ પ્રેમનું નિવેદન થતું રહે, તો પ્રભુની દિવ્ય પ્રીતનું સંવેદન ધારણ થઈ શકે. જેમ એક ધાતુના તારમાંથી પ્રભુની ઊર્જા શક્તિનો વિદ્યુત પ્રવાહ(ઈલેકટ્રીસીટી) પસાર થાય છે, ત્યારે તે તાર વિદ્યુત પ્રવાહનું સંવેદન ઝીલે છે. તે તાર સંવાહક બને છે, તેથી તો વિદ્યુત શક્તિના આધારે ચાલતાં અવનવા યંત્રોની-ઉપકરણોની ઉપયોગી સુવિધાને આપણે ભોગવી શકીએ છીએ. આજનાં આધુનિક સમયમાં વિદ્યુત શક્તિના આધારે આરામદાયક સુવિધાવાળું જીવન સૌ જીવે છે, પણ તે શક્તિની હાજરીથી અજાણ રહીને માનવી જીવે છે. એટલે પોતે જ કર્તા હર્તા છે અને પોતાની બુદ્ધિથી બધુ પ્રાપ્ત થાય છે એવાં મિથ્યાભિમાનનાં સ્વાર્થી વર્તનમાં આળાટે છે. જો પ્રભુની ઊર્જા શક્તિ ક્ષણે ક્ષણે શ્વાસની ચેતના રૂપે પ્રામ ન થાય, તો મન-બુદ્ધિની ક્રિયાઓ, કે શરીરના અંગોની ક્રિયાઓ થઈ ન શકે. એ સત્યને માનવી કેમ ભૂલી જતો હશે?
ભૂલવાની ભૂલને સુધારી શકાય, જો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સદાચારથી મન કેળવાતું જાય. કેળવણી રૂપે તન-મનનાં દેહ રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય, ત્યારે મિથ્યાભિમાનનો અહંકાર ઘટતો જાય. સાંનિધ્ય રૂપે જિજ્ઞાસુ મન કેળવાય, ત્યારે તે દિવ્ય પ્રીતના સ્પંદનોને, અંતરાત્માની પ્રસન્નતાને જ્ઞાની ભક્તના નિઃસ્વાર્થ પ્રેમ રૂપે અનુભવે છે. એવાં અનુભવોથી જિજ્ઞાસુ મનને સત્યનું દર્શન થાય છે. સત્ય દર્શનથી દેહધારી જીવંત જીવન રૂપે પ્રભુની અણમોલ કૃપાની છત્રછાયા અનુભવાય. પાસની ચેતનાનું પ્રસરણ પૂર્ણ દેહમાં પ્રસરે છે, ત્યારે ચેતનવંત ઊર્જાના વિદ્યુતિ તરંગોને મગજના જ્ઞાનતંતુઓ ઝીલે છે. દેશની દરેક પ્રકારની ક્રિયાઓ જ્ઞાનતંતુઓનાં સહયોગથી થતી રહે છે. અર્થાત્ જ્ઞાનતંતુઓ પ્રભુની ઊર્જા શક્તિનું સંવેદન ઝીલે છે, એટલે જ દેહધારી જીવંત જીવન જિવાય છે. આ સત્યના સ્વીકારથી જિજ્ઞાસુ ભક્ત નિશ્ચય કરે છે કે,“ પ્રભુની ઊર્જા ધન ક્ષણે ક્ષણે ધારણ થાય છે, તો મારા વિચાર-વર્તનથી પ્રભુની ઊર્જાનું દિવ્ય પ્રીતનું નિવેદન થવું જોઇએ.’’ એવું નિવેદન પ્રગટે તે છે જ્ઞાની ભક્તનું નિઃસ્વાર્થભાવનું સદાચરણ. કોઈ પણ કારણ વગર બીજાને સંતોષ, આનંદ સહજ અર્પણ થાય એવું નિખાલસ પ્રેમાળ વર્તન એટલે જ નિઃસ્વાર્થભાવનું સદાચરણ.
દરેક મનુષ્ય નિઃસ્વાર્થ પ્રેમનું નિવેદન કરી શકે છે. પરંતુ માનવી મન મોટેભાગે સ્વયંના સ્વ સ્વરૂપથી અજાણ રહે છે. એટલે મારું-તારુંના અહંકારી રાગ-દ્વેષમાં વીંટળાયેલું રહે છે. એવું નથી કે માનવીને નિખાલસ પ્રેમની ભાળ નથી. તે જાણે છે કે સ્વાર્થી વર્તનના લીધે જ ખુદ પોતે પ્રેમની નિખાલસતાને માણી શકતો નથી. જાણવા છતાં પોતાની ભૂલોને ઢાંકવી, તે છે ઢોંગી મન. જે અહંકારી સ્વભાવથી પોતે બીજા કરતાં શ્રેષ્ઠ છે એવી સરખામણી કરતું રહે છે. કીર્તિ, સન્માન કે પદવી મેળવવાની ઈચ્છાઓમાં બંધાઈને પોતે આકારિત શરીર છે એવી અજ્ઞાનતામાં ડૂબેલું રહે છે. જ્યાં સુધી મન પ્રભુની સાક્ષાત્ હાજરીને અનુભવતું નથી, ત્યાં સુધી અહંકારી સ્વભાવનું પરિવર્તન થતું નથી. સ્વભાવનું પરિવર્તન થાય જ્ઞાન-ભક્તિના સત્સંગથી, ત્યારે કરેલી ભૂલોનો પસ્તાવો થાય અને અંતર યાત્રા તરફ પ્રયાણ થતું જાય.
અંતર યાત્રા રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થાય અને અંતર કહેણનું સંવેદન ધારણ થાય. એવાં સંવેદન રૂપે આત્મીય દિવ્ય પ્રીતની અભિવ્યક્તિ અનુભવાય, ત્યારે ‘હું ભક્તિ કરું છું’ એવાં વૃત્તિ-વિચારો ઓગળી જાય. કારણ જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ પોતે જ જણાવનાર દિવ્ય મતિને ધારણ કરે, જે અંતર કહેણ રૂપે પ્રગટે. પછી જાણવાનું ન હોય, પણ જગાવનાર દિવ્ય મતિની ચેતના જે અભિવ્યક્તિ ધરે તેને માણવાની હોય. આવી સ્વયંને માણવાની એકમની સ્થિતિ સ્વયંભૂ આપમેળે પ્રગટે છે. એટલે હું પદની અહંકારી વૃત્તિ જો પ્રભુને શોધે તો પ્રભુને મળી ન શકે, અહંકારી વૃત્તિની જાગૃતિમાં પ્રભુ પ્રીતની પ્રસ્તુતિ સુષુપ્ત રહે છે. પ્રભુને વિનંતિ કરતાં રહીએ કે અહંકારી વૃત્તિ-વિચારોને ઓગાળતું જ્ઞાન-ભક્તિનું સાત્ત્વિકભાવનું પોષણ ધારણ થતું રહે, જેથી નિઃસ્વાર્થ પ્રેમનું સંવેદન માણી શકાય.
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા