હું જીવંત છું કે જીવું છું એની પ્રત્યક્ષ સાબિતી એટલે જ શ્વાસની પાન-અપાનની ક્રિયા. આ અનન્ય અણમોલ ક્રિયા કરવાની સમર્થતા માનવી અથવા કોઈ પણ દેહધારી જીવ પાસે નથી. એ ક્રિયા તો પ્રભુની આત્મીય ચેતનાનાં ઊર્જા પ્રસરણથી સ્વયંભૂ થતી રહે છે. શ્વાસની દિવ્ય ક્રિયાને પ્રણામ કરવા એટલે જ પ્રાણાયમમાં મનને સ્થિત કરવું. પરંતુ પ્રાણાયમ કોઈ શારીરિક કસરતની પ્રક્રિયાની જેમ ન થાય. પરંતુ જ્ઞાન-ભક્તિનું પ્રાણાયમ જો થાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિથી મન છલકાતું જાય. એવી સાત્ત્વિકભાવની છાલકથી અંગેઅંગની પ્રક્રિયાઓને નિરોગી આરોગ્યનું પોષણ મળતું જાય. એટલે શ્વાસને પ્રણામ બે આંખો બંધ કરીને હાથ જોડવાથી ન થાય. પ્રણામ સ્વરૂપે અહોભાવની પૂજનીયતા, કે શરણભાવની નમ્રતા જાગૃત થવી જોઈએ. ભાવની એવી જાગૃતિમાં વિચારોની આવનજાવન ઘટતી જાય અને શાંતિની પ્રસન્નતાનાં તરંગો પ્રકાશિત થતાં, મનનો સાત્ત્વિકભાવનો પ્રભાવ અંતરધ્યાનસ્થ થાય.
શ્વાસ સ્વરૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીનો અનુભવ જિજ્ઞાસુ ભક્ત કરે, તે છે ભક્તિભાવનું આચરણ. એવી ભક્તિની ધારામાં સ્નાન કરતાં રહેવાંથી વિવેકી દ્રષ્ટાભાવથી મનોમંથન થતું જાય કે, જે અનન્ય ક્રિયાના લીધે મારી જીવંત સ્થિતિની જ્યોત પ્રગટેલી રહે છે, જે અદશ્ય ક્રિયાના લીધે અતૃપ્ત ઈચ્છાઓના કર્મસંસ્કારોને તૃપ્ત કરાવતું જીવન જીવી શકાય છે, જે અમૂલ્ય ક્રિયાના લીધે મગજ-ઈન્દ્રિયોના સહારે ઉપભોગી જીવનનો આનંદ માણી શકાય છે, જે અલંઘનીય(ઉલ્લંઘન ન થઈ શકે એવી) ક્રિયાના લીધે વૃદ્ધિ-વિકાસની ગતિથી નવું નવું સર્જાતું રહે છે, જે અવિચ્છિન્ન(સતત) ક્રિયાનાં લીધે સર્જાયેલી કૃતિઓ સ્વયંની મહત્તાને જાણી શકે છે તથા સ્વયંની ગુણિયલતાને સાત્ત્વિક વર્તન રૂપે પ્રગટાવી શકે છે; જે અનુપમ ક્રિયાના લીધે માનવી એકબીજા સાથેના સંબંધોને પ્રેમભાવથી માણી શકે છે તથા પ્રેમભાવથી સંબંધ રૂપી પુષ્પોની સુગંધને પ્રસરાવી શકે છે, જે અદ્વિતીય(અજોડ) ક્રિયાના લીધે પ્રકૃતિ જગત સાથે હળીમળીને જીવી શકાય છે અને હવા, પાણી, સૂર્ય-ચન્દ્ર પ્રકાશ, ધરતી પર ઉછરતી વનસ્પતિ-વૃક્ષો, ધરતીની ભીતરમાં સૂતેલી ધાતુઓ વગેરે સાથેનાં પરસ્પર સંબંધનું સુખ ભોગવી શકાયછે.
જે અમૂર્ત(નિરાકાર) ક્રિયાનાં લીધે અત્યારે આ ક્ષણે ‘જન્મભૂમિ પ્રવાસી’ની મધુવન પૂર્તિને હાથમાં
પકડી શકાય છે, છપાયેલાં શબ્દોનાં જુદાં જુદાં લેખ વાંચી શકાય છે, શબ્દોનાં અર્થ સમજી શકાય છે,
તે સમજ અનુસાર વર્તન કરવાનો નિર્ણય પણ થાય છે, તો એવી અતુલ્ય ક્રિયાના સંગમાં રહીએ છીએ
છતાં પણ તે સાત્ત્વિક સમર્પણભાવથી થતી પાન-અપાનની ક્રિયાને પ્રણામ કરવાનું મન કેમ થતું નથી?
શ્વાસ રૂપે પ્રભુનું સાક્ષાત્ આલિંગન થતું હોય છે. છતાં મંદિરની મૂર્તિમાં કે છબીમાં જ પ્રભુને શોધવું,
તે છે મનની અજ્ઞાનતા. જિજ્ઞાસુ ભક્તની જેમ દ્રષ્ટાભાવથી શ્વાસ રૂપે પ્રભુના આલિંગનને માણવાનું મન
થાય, ત્યારે સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરવાની તત્પરતા જાગે. જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિકભાવની જાગૃતિ
માટે જ્ઞાની ભક્તનાં પૂજનીય સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિની પાવન સરિતામાં તરતો રહે અને અહંકારી વૃત્તિ-
વિચારોનાં વર્તનથી પરિચિત થતો જાય. પરિચિત રૂપે મનોમંથનથી પ્રગટેલી સૂક્ષ્મ સમજનો ભાવાર્થ ગ્રહણ ઘતો જાય. ભાવાર્થ જેમ જેમ ગ્રહણ થતો જાય, તેમ તેમ સાત્ત્વિકભાવની જાગૃતિના દ્વારને ખોલાવતી હૃદયભાવની પારદર્શકતા પ્રગટતી જાય. જિજ્ઞાસુ ભક્ત પછી આત્મનિરીક્ષણથી સ્વમય ચિંતનમાં સ્થિત થતો જાય. ચિંતનની ભાવભીની ધારામાં સ્વ ઓળખનો ઉજાગર થાય ત્યારે અનુભવાય, કે અવિરત થતી શ્વાસની પાન-અપાનની ક્રિયા દ્વારા પ્રભુ તો નિઃસ્વાર્થ પ્રેમભાવથી મહોર મારે છે અને સર્વે દેહધારી કૃતિઓને જણાવે છે કે, “હું જીવ તું એકલો નથી, હું સતત તારી સાથે જ છું અને શ્વાસ રૂપે મારી દિવ્ય ગુણોની પૂર્ણતાની સંપત્તિ તને અર્પણ કરવા માંગુ છું. પરંતુ તું માત્ર તારી લૌકિક ઈચ્છાપૂર્તિના વિચારોમાં ઓતપ્રોત રહીને જીવે છે. તેથી મારી પૂર્ણતાની સંપત્તિનું પ્રભુત્વ શ્વાસ રૂપે તું ધારણ કરી શકતો નથી. તે પ્રભુત્વ પ્રસ્તુતિને તું કોઈક ક્ષણે ભક્તિભાવથી સ્વીકારશે, નિઃસ્વાર્થ પ્રેમભાવથી ઝીલશે એવી મારી અમર આશા, એટલે જ શ્વાસની પાન-અપાનની અવિરત ક્રિયાની સેવા. એ સેવાની સંપત્તિને તું ભોગવી શકે જો અજ્ઞાની તું સંકુચિત માનસથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે.. ક…હું જાણું છું કે તું ઘણીવાર તારા કર્મસંસ્કારોના આવરણથી અકળાય છે. ન ગમતી પરિસ્થિતિનો સ્વીકાર કરીને પણ વ્યવહારિક કાર્યો તને કરવાં પડે છે, ત્યારે તું ભક્તિભાવની નિર્મળતામાં સહજતાથી તરી શકતો નથી. આમ છતાં એક હકીકતનો સદા સ્વીકાર કરજે, કે તે કરેલાં કર્મોના પરિણામ રૂપે વર્તમાનની અણગમતી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરંતુ ભક્તિભાવથી તું પસાર થતો રહેશે તો કર્મસંસ્કારોનો ભાર હળવો થતો જશે. કર્મસંસ્કારોનો સામાન પોતે જ ઊચકવો પડે. છતાં ઘણીવાર તું બીજાના સામાનનો ભાર ઊંચકીને જીવે છે. તે છે બીજાના દોષ જોવાં, ઈર્ષ્યા કરવી, બીજાની ભૂલોને સુધારવા સલાહસૂચનો આપવા. અર્થાત્ તને જેટલી સમજ પડે છે તેટલી બીજી વ્યક્તિને પડતી નથી એવાં બુદ્ધિ ચાતુર્યના અભિમાનમાં તું બીજાનો સામાન તારા મનમાં ભરી રાખે છે. જો બાળકનું મન હોય તો એને માતા, પિતા, કે શિક્ષકનો સહારો મળે છે. બાકી દરેકના મનમાં સમજ શક્તિના બીજ છે. તે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાથી ખીલે છે. જેમ નાનું બાળક ચાલવાનું, દોડવાનું, ધીમે ધીમે શીખે છે, તેમ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું તું શીખી જશે. પછી સમજ શક્તિના બીજ આપમેળે ખીલશે.'' આમ શ્વાસ રૂપે પ્રભુની સેવાનું જેમ જેમ સેવન થતું જાય, તેમ તેમ અંતર કર્ણેન્દ્રિય પાસે શ્વાસે સોહમ્(તે હું છું) સૂરને ઝીલે, ત્યારે અંતરના ઊંડાણથી એકરાર થાય કે.... આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી, અરે! હર ઘડી અમે જીવીએ પ્રભુ આપના થકી... અમે જન્મ લીધો શ્વાસ મૂક્યો કૃપા એ આપની, હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપની... અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપની, હવે અમી દૃષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપનો... અમે આવીને ઘણાં પાપો કર્યાં પ્રભુ વહાલથી સ્વીકારજો, t હવે ચરણમાં અમને રાખજો પ્રભુ વિનંતિ છે બસ આટલી…
સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા