Article Details

જ્ઞાન ભક્તિની સરિતામાં મનની નાવ વહેતી રહે

જીવંત જીવનની મહત્તાથી જેમ જેમ મન જાણકાર થતું જાય, તેમ તેમ નકારાત્મક સ્વાર્થી સ્વભાવનું પરિવર્તન થતું જાય. માનવ આકારના શરીરની રચના વિશે જેટલું પણ જાણીએ તેટલું ઓછું છે. કારણ આકારિત શરીર સાથે જોડાયેલાં નિરાકારિત મનની વિચારવાની, કે અનુભવ કરવાની ક્રિયા વિશે પૂર્ણતાથી જાણી શકાય એમ નથી. એટલે જિજ્ઞાસુ ભક્ત દેહધારી જીવનની વાસ્તવિકતાને સ્વીકારી, ગુણિયલ સ્વભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થાય એવાં જ્ઞાન-ભક્તિના સદાચરણથી જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે. પોતાના શરીરની પ્રકૃતિ કે મનના સ્વભાવ વિશે જાણવાનો કે વિશ્વલેષણ કરવાનો માત્ર પ્રયત્ન કરવાનો ન હોય. પરંતુ એવાં પ્રયત્નથી જાણ્યાં પછી માનવતાનું સંસ્કારી વર્તન જાગૃત થવું જોઈએ. સંસ્કારી વર્તન રૂપે અહંકારી માનસનું મિથ્યાભિમાન ઓછું ન થાય તો દેહધારી જીવનની મહત્તાને જાણી નથી, પણ માત્ર વિચારોને ભેગાં કર્યા છે. જાણવું એટલે જ જાગૃત થવું. જે મન પોતાના સ્વ સ્વરૂપથી જાણકાર થાય, અજ્ઞાનની નિદ્રામાંથી જાગી જાય, એવું જાણ સ્વરૂપે જાગેલું મન સાવચેત થાય. જેમ અગ્નિ વિશે જાણ્યું કે ચામડીને અગ્નિનો સ્પર્શ થાય તો બળી જાય. એટલે જાણ્યાં પછી દાઝી ન જવાય એની સાવચેતી રાખીએ, તેમ માનવ જીવનની મહત્તા જાણ્યાં પછી અહંકારી વિચારોમાં મન મટકે નહિ તેની સાવચેતી રાખવી જોઈએ.

 

સાત્ત્વિક ગુણોની મન રૂપી જાજમ(બેસવા માટેનું પાથરણું) પ્રભુએ માનવીને અર્પણ કરી છે. એનાં પર જો ક્રોધ કે ઇર્ષ્યા જેવી વૃત્તિ-વિચારોના ડાઘા હોય, વેર કે બદલો લેવાના તિરસ્કારી વિચારોના કાણાં હોય, રૂપિયાની સમૃદ્ધિથી સંબંધોને તોલવાનો તથા નીચલા વર્ગને નકામા માનવાનો ભેદભાવનો કચરો હોય, તો તે સાત્ત્વિક ગુણોના દોરાથી ગૂંથાયેલી જાજમ ગૂણપાટના થેલામાં ફેરવાઈ જાય છે. એવાં ગુણપાટના ઘેલામાં માનવતાના સંસ્કારોને બદલે દુન્યવી કર્મસંસ્કારોનો સામાન વધતો જાય છે. ગુણપાટ જેવા કર્મસંસ્કારોની અશુદ્ધિ મન પર આવરણની જેમ પથરાયેલી રહે છે. એવી અશુદ્ધિનું આવરણ પણ વિલીન થઈ શકે જો જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ ઢળવાનો પુરુષાર્થ થાય. વાસ્તવમાં માનવી જીવન રૂપે આપણને કર્મસંસ્કારોનું શુદ્ધિકરણ કરવાની તક મળી છે. અર્થાત્ જન્મથી મૃત્યુ વચ્ચેનો સમય એટલે માનવ જીવન રૂપે સ્વયંથી પરિચિત કરાવતો અવસર. જિજ્ઞાસુ ભક્ત માટે એ અવસર એટલે જ પ્રભુ સાથેની એક્યતાને માણવાનો અનેરો પ્રસંગ. તેથી જ્ઞાન મક્તિથી જીવવાનો પુરુષાર્થ તે કરતો રહે છે. એવાં પુરુષાર્થ રૂપે મનની જાજમ પર પથરાયેલો કચરો દૂર થતો જાય અને સાત્ત્વિક ગુણોના દોરાનું ભરતકામ સદાચરણ રૂપે વ્યકત થતું જાય.

 

સદાચરણનું ભરતકામ વ્યક્ત ત્યારે થાય, જ્યારે મનનો હૃદયભાવ જાગૃત થાય. હૃદયભાવની સાત્ત્વિકતાથી, મન જે પ્રભુની આત્મીય ચેતનાનો અંશ છે તેની પ્રતીતિ થાય. પ્રતીતિ રૂપે જ્ઞાતાભાવનું સંવેદન ધારણ થતું જાય. ભક્તનું અસ્તિત્વ તે પ્રતીતિમાં ભક્તિભાવથી તરબોળ જેમ જેમ થાય, તેમ તેમ કર્મસંસ્કારોનું આવરણ છેદાતું જાય. ભક્ત પછી દિવ્ય પ્રીતના સ્પંદનોને, પ્રકાશિત જ્યોતના સંવેદનને માણે. આત્મીય ચેતનાની દિવ્યતાને મનુષ્ય જીવન રૂપે માણવાની છે. તેથી મનુષ્ય જન્મની શ્રેષ્ઠતાનો, મહત્તાનો નિર્દેશ પ્રાચીન કાળથી ઋષિઓએ અક્ષર શબ્દોના કહેણથી દર્શાવ્યો છે. ઋષિવાણી એટલે જ સ્વાનુભૂતિની વાણી. ઋષિ મતિનું સૌમ્ય સમતોલ ગતિનું આચરણ, એટલે મનની જાજમ પર થયેલું દિવ્ય ગુણોનું ભરતકામ, જે બીજા જિજ્ઞાસુ ભક્તોને અર્પણ કરે નિઃસ્વાર્થ પ્રેમભાવની સુંવાળપ, કે સમર્પણભાવ રૂપી સુવર્ણ રંગની નમ્રતા. તેથી જ્ઞાની ભકતની ઋષિ મતિના સાંનિધ્યમાં જિજ્ઞાસુ ભકતના વિચારો અંતરયાત્રાથી પરિચિત થતાં જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિનું પોષણ અનાયાસે ધારણ થતું જાય,

 

અંતરયાત્રા વિચારોથી ન થાય પણ ભાવથી થાય. ભક્તના ભાવની નિષ્કામ નિરપેક્ષતા જ અંતરની સૂક્ષ્મતામાં- વિશાળતામાં ઓતપ્રોત થતી જાય. એ ભક્તનું અસ્તિત્વ પછી ભાવની વિશુદ્ધ ધારા બની જાય અને આત્મીય ચેતનાની ગતિમાં ગતિમાન થતું જાય. તેથી જ જિજ્ઞાસુ ભકત સાત્ત્વિકભાવની જાગૃતિ માટેનું પોપણ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં આદરભાવની નમ્રતાથી ગ્રહણ કરતો રહે. જેથી સાત્ત્વિક વિચારોમાં સમાયેલી સૂક્ષ્મ સમજ આત્મમંથન રૂપે ધારણ થઈ શકે. આત્મમંથન રૂપે મનને સૂક્ષ્મ-સ્થૂળ, નિરાકાર-આકાર વગેરે બે સ્થિતિના જોડાણમાં સમાયેલી પ્રભુની ચેતનાના અણસારા મળતાં જાય. એવાં અણસારા રૂપે સ્થૂળ આકારિત કૃતિઓની આસક્તિથી મુક્ત કરાવતી જ્ઞાન- ભક્તિમાં મન વધુ દઢતાથી લીન થતું જાય.

 

આમ આધ્યાત્મિક પ્રવૃત્તિ સ્વરૂપે જો સાત્ત્વિક વિચારોનું પોષણ ધારણ થતું જાય તો આત્મમંથન સહજ થતું જાય. સહજ એટલે રોજિંદા જીવનની ક્રિયાઓમાં સ્વાભાવિક રીતે સૂક્ષ્મ સમજની બુદ્ધિથી સમજાતું જાય, કે જેમ મનુષ્ય આકારની રચના પ્રભુએ કરી છે, તેમ પ્રભુએ બીજા વિવિધ પ્રાણીઓના આકારની રચના પણ કરી છે. તે દરેક માકારની રચના રૂપે પ્રભુના દિવ્ય ગુણોનું પ્રભુત્વ જ પ્રદર્શિત થાય છે, તેથી પ્રકૃતિની દરેક આકૃતિ કે પદાર્થની વિવિઘતાનો જો મહિમા સમજાય તો પ્રભુની ગુણિયલ ચેતનાનું દર્શન થાય. એવાં દર્શનની જાગૃતિમાં મનની ગુણિયલતા જાગૃત થતી જાય. અર્થાત્ ગુણિયલ સ્થિતિને ધારણ કરાવતું અધ્યયન કે આત્મમંધન કરવું, તે જ છે ભક્તિભાવનું આચરણ, તેથી જિજ્ઞાસુ ભક્ત અશાની વૃત્તિઓનું આવરણ, જે ભવોના કર્મસંસ્કારોનું છે, તેની નિવૃત્તિ માટે પ્રભુ કૃપાની યાચના કરતો રહે અને વિનંતિભાવથી એકરાર કરતો રહે કે

 

“હે પ્રભુ! ખૂલતાં ગયાં મનનાં દરવાજા ભક્તિભાવથી અને અંતરગમનનો રાહ સુદર્શિત થયો;

સમજાયું કે સંકુચિત માનસથી, મારું-તારુંના વ્યવહારમાં મનની ગુણિયલતા ષુપ્ત રહી;

 આપનો સંગ માણવાની તક મળી અને જ્ઞાન ભક્તિની સરિતામાં મનની નાવ વહેતી રહી;

 અંતર ઊંડાણમાં ભાવની ધારામાં ઓતપ્રોત થવાય, એવી અનન્ય કૃપાનો ધોધ વરસાવતાં રહેજો.’’

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા