Article Details

૨૩-૦૪-૨૦૨૩

 

 

જીવંત જીવન જિવાડે પ્રભુ અને શ્વાસની પૂર્તિમાં છે પ્રભુની દિવ્ય ચેતનાનું વહાલ; પ્રભુ તો દરેક જીવ રૂપી બાળકને, શ્વાસની ચેતનાથી માતૃત્વભાવનું ધરે છે વહાલ; માતૃત્વભાવનું પોષણ મળે એમાં જડતાનું દૂષણ ન રહે, પણ ચેતનવંત સ્થિતિ રહે; પ્રભુના વહાલને ભક્ત તો માણે ભક્તિભાવથી અને ચેતનવંત જીવનને સાત્ત્વિકભાવથી શણગારે.

 

પ્રભુ ક્ષણે ક્ષણે શ્વાસનું અમૃત ધન અર્પણ કરવાની સેવા કરે છે અને માતાની જેમ વહાલથી ઉછેરે છે, જે મન પ્રભુના હર ક્ષણના સંગાથને અનુભવે, તે છે ભક્તનું મન. તે પ્રભુના સેવાભાવને, માતૃત્વભાવને અનુભવી સમર્પણભાવમાં સ્થિત રહે છે. સમર્પણ રૂપે અહમ્ વૃત્તિઓ અર્પણ થાય, ત્યારે પ્રભુના સંગાથની પ્રતીતિ થતી જાય. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાથી સમર્પણભાવની જાગૃતિ આપમેળે થાય છે. પ્રભુના અંગત સંગાથની પ્રતીતિ જેમ જેમ થતી જાય, તેમ તેમ શ્વાસનો મહિમા સમજાતો જાય, કે પ્રભુનો શ્વાસ રૂપે જો સહવાસ નથી, તો દેહની જીવંત સ્થિતિ નથી. જીવંત સ્વરૂપની ચેતનવંત પરિસ્થિતિ જ્યાં નથી, ત્યાં છે નશ્વરતાની, કે જડતાની સ્થિતિ અને જડ સ્થિતિ વિકાસ વગર ક્ષીણ થતાં નાશ પામે છે. માનવી જીવન નથી જડતાનું, કે વિકાસ વગરનું કે નશ્વર સ્થિતિનું. એ તો પળે પળે નવીન શ્વાસની ચેતનાના સહારે વિકાસશીલ વૃદ્ધિની ક્રિયાઓથી પાંગરતું રહે છે. એવું વૃદ્ધિની ક્રિયાઓનું સાત્ત્વિક જીવન એટલે જ ભક્તિભાવનું સદાચરણ. ભક્તિભાવ સ્વરૂપે ભક્ત તો પ્રકૃતિના પાંદડે પાંદડે સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય નિહાળે અને આસપાસની સર્વે જીવંત કૃતિઓમાં પ્રભુની ચેતનાનાં દર્શન કરે.

 

ભક્તિભાવની સાત્ત્વિકતા વિચાર-વર્તન રૂપે પ્રગટતી હોય, ત્યારે ભક્તના મનમાં હંકારી રાગ-દ્વેષાત્મક વર્તનનાં ખાડાંઓ ન હોય. એનાં મન રૂપી રસ્તા પરથી નવાં નવાં સાત્ત્વિક વિચારો રૂપી વાહનો ગતિમાન રહે છે અને સાત્ત્વિક વિચારોનું ગુણિયલ સત્ત્વ વર્તન રૂપે પ્રગટતું રહે છે. સામાન્ય માનવીના મન રૂપી રસ્તા પર સાત્ત્વિક વિચાર રૂપી વાહન ગતિમાન થઈ શકતું નથી. કારણ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ, મોહ વગેરે અહંકારી વૃત્તિઓનાં ખાડાંઓના લીધે સાત્ત્વિક વિચારો ગતિમાન થઈ શકતાં નથી, એટલે કે સાત્ત્વિક વિચારોનું ચિંતન થઈ શકતું નથી અથવા સાત્ત્વિક ભાવાર્થ ગ્રહણ થતો નથી. જેવી વૃત્તિ તેવાં વિચારોનું વર્તન. અહંકારી વૃત્તિના વિચારોનું માનસ સંકુચિત ભેદભાવવાળું હોય. મારું-તારું-પરાયું એવા ભેદભાવમાં ફરતાં અજ્ઞાની મનને પ્રભુના અમૃત ધનની સાત્ત્વિકતાનો સ્પર્શ થતો નથી. તેઓને જીવંત જીવન જીવવાં જેટલું શ્વાસનું ધન મળે, પણ શ્વાસમાં સમાયેલું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ અજ્ઞાનતાના લીધે પ્રગટતું નથી. અજ્ઞાની વૃત્તિ-વિચારોના આવરણને લીધે શ્વાસમાં સમાયેલું પ્રભુત્વ પ્રકાશિત થતું નથી. જેમ ગાઢ વાદળોના આવરણને લીધે સૂર્ય પ્રકાશને જોઈ ન શકાય તેમ અજ્ઞાની વૃત્તિ- વિચારોનાં આવરણને લીધે પ્રભુત્વનું ગુણિયલ ધન સુષુપ્ત રહે છે.

 

પ્રભુનું અમૃત ધન શ્વાસ રૂપે અર્પણ કરે છે. છતાં અજ્ઞાની મન તેને સાત્ત્વિક વર્તન રૂપે ભોગવી શકતું નથી. એટલે ક્ષણે ક્ષણે અર્પણ થતી પ્રભુની શ્વાસની નિર્મળતાનો, નિરપેક્ષતાનો કે પ્રીતની દિવ્યતાનો સ્વીકાર થતો નથી. પ્રભુ ધનનો અસ્વીકાર થવાથી આજુબાજુના વાતાવરણમાં, વાયુ-જળની પ્રકૃતિમાં અશુદ્ધિનું પ્રદૂષણ વધે છે અને એકબીજા સાથેના સંબંધોમાં નિઃસ્વાર્થ પ્રેમની ખોટ વધતી જાય છે. અજ્ઞાની મન જો પાસની મહત્તાને જાણે, તો ભક્તિભાવથી જીવવાનો રાહ મળી શકે. પોતાના મિત્રો, સ્વજનો, કે અંગત કુટુંબીજનોની ખોટ જ્યારે શરીરના મૃત્યુ રૂપે અનુભવાય, ત્યારે શ્વાસની મહત્તા જો પરખાય, તો જ્ઞાન ભક્તિના માર્ગે પ્રયાણ કરવાની ઈચ્છા પ્રબળ થઈ શકે.

જ્ઞાન-ભક્તિના માર્ગનું દર્શન જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ધારણ થાય, ત્યારે જીવંત જીવનનો પથાર્થ મહિમા સમજાય અને દેહધારી જીવનનો આશય પરખાય.

 

જ્ઞાની ભક્તનું સાંનિધ્ય એટલે જ્ઞાન-ભક્તિની સાત્ત્વિકતાનું ધામ. જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે પ્રભુની દિવ્ય ચેતનાનું ગુણિયલ પ્રભુત્વ ભક્ત દ્વારા પ્રકાશિત થતું રહે, જે બીજા જિજ્ઞાસુ ભક્તોને ઊર્ધ્વગતિની ઉન્નતિનું માર્ગદર્શન ધરે છે, એવા માર્ગદર્શન રૂપે અજ્ઞાની વૃત્તિ-વિચારોનું આવરણ ઓગળતું જાય અને સદુપયોગી જીવંત જીવનનો મહિમા ગ્રહણ થાય કે,“ પ્રભુનું શ્વાસનું ધન છે, તો મારું તન-મનનું જીવન છે. હું એટલે કે મન રહે છે માનવ આકારના શરીરમાં. એટલે હું જીવું છું પ્રભુના સહારે. મારા દેહને અર્પણ થતું પાસનું ધન એટલે જ માનવી જીવન રૂપે પ્રભુને સાક્ષાત્ મળવાનો મોકો. પ્રભુને મળવાનો મોકો ખુદ પ્રભુ પોતે શ્વાસના સેવાધનથી અર્પે છે. તેની અજ્ઞાનવશ મેં અવગણના કરી. પરંતુ જ્ઞાની ભક્તનાં સાંનિધ્યથી પરખાતું ગયું, કે હું જે પણ ક્રિયા કે પ્રતિક્રિયા કરું છું, જે પણ વિચાર વર્તન કરી શકું છું તથા અનુભવી શકું છું, કે સાર અસારનો ભેદ જાણી શકું છું, વિદ્યા મેળવી શકું છું, રૂપિયાની કમાણી કરાવતાં આજીવિકાના કાર્યો કરી શકું છું, કે શરીરની દરેક અવસ્થાનું સંસારી જીવન ભોગવી શકું છું, કે જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી અંતરધ્યાનસ્થ થઈ શકું છું, વગેરે સર્વે ક્રિયાઓનું જીવન જેનાં સહારે જિવાય છે તેને જ ભૂલીને ક્રિયાઓ કરતો રહ્યો!!’ આ ભૂલી જવાની ભૂલોની માફી માંગીએ અને પ્રભુના અંગત સંગાથને માણી શકાય એવું ભક્તિભાવની જાગૃતિનું જીવન જીવીએ. He

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા