પ્રભુ શ્વાસે શ્વાસે આપની હાજરી અનુભવું….
જ્ઞાની ભક્તનું સાંનિધ્ય જો મળી જાય, તો સંસારી વિષયોની આસક્તિથી મુક્ત થવાનો માર્ગ મળી જાય. પરંતુ સાંનિધ્યની અલભ્યતાનો સ્વીકાર મનોમન થવો જરૂરી છે. જ્યાં સુધી પોતાના મનની સીમિત જાગૃતિ અને જ્ઞાની ભક્તની આત્મ સ્થિત નિરપેક્ષભાવની વિશાળતાનો ભેદ નહિ સમજાય, ત્યાં સુધી મન માત્ર સાંનિધ્ય રૂપે સાત્ત્વિક વિચારોને સાંભળવાનો કે સમજવાનો પ્રયત્ન કરે છે. સમજીને આચરણની જિજ્ઞાસા જાગૃત થાય, તો સાંનિધ્ય રૂપે પ્રકાશિત સ્પંદનોની પૂર્તિ પ્રેમભાવથી થતી જાય. જેમ માતા પિતાના પ્રેમને બાળક અનુભવે, તેમ પ્રકાશિત ચેતનાની પૂર્તિ નિઃસ્વાર્થ પ્રેમ સ્વરૂપે થાય છે, જે આપણાં મનમાં જિજ્ઞાસુભાવનો અગ્નિ જગાડે છે. એકવાર જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રગટે, પછી સ્વયંની ઓળખ રૂપે અહંકારી સ્વભાવની ભૂલોનું દર્શન થતું જાય. તન-મનનાં દેહધારી જીવનનો આશય સમજાય અને આશષ અનુસાર જ્ઞાન-ભક્તિથી જીવન જીવવાનો સંકલ્પ દેઢ થતો જાય. જિજ્ઞાસુ મનને આકારિત વસ્તુઓનું કે પદાર્થોનું નાવંત મૂલ્ય જેમ જેમ પરખાતું જાય, તેમ તેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય. ભાવાર્થના સ્વીકારમાં દુન્યવી પદાર્થોની આસક્તિ ઓછી થતાં, આત્મીય સાત્ત્વિક ગુણોને જાગૃત કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન સહજ લીન થતું જાય.
જિજ્ઞાસુ ભક્ત માત્ર નામ સ્મરણના જપ કરતો નથી, પણ શ્વાસે શ્વાસે પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરાવતી સ્મરણ ભક્તિમાં લીન રહે છે. એવી સ્મરણ ભક્તિનો યજ્ઞ એના મનમાં પ્રગટ્યો હોવાથી, એ કદી સમયની મર્યાદામાં બંધાઈને પ્રભુ સ્મરણ કે ચિંતન ન કરે. એવાં સ્મરણ ભક્તિનાં યજ્ઞમાં અહમ્ વૃત્તિની આહુતિ આપમેળે અપાતી જાય અને રાગ-દ્વેષાત્મક સંકુચિત માનસનો સ્વભાવ ઓગળતો જાય. આમ સ્વભાવનું પરિવર્તન જ્ઞાની ભક્તનાં સાનિધ્યમાં સરળતાથી થાય. પછી સુષુપ્ત રહેલું મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થાય, ત્યારે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય. ભક્ત એટલે જ ભાવની નિઃસ્વાર્થતા, નિરપેક્ષ પ્રેમની સાત્ત્વિકતા, પ્રભુ સાથેની એક્યતામાં એકરૂપ થવાની તન્મયતા. નિઃસ્વાર્થભાવની તન્મયતા પ્રભુની દિવ્ય પ્રીતની આસક્તિમાં વીંટળાઈ જાય. પ્રભુ મીતની આસક્તિમાં વીંટળાયેલા ભક્તને પ્રારબ્ધગત જીવનની ઘટનાઓ આશીર્વાદ સમાન લાગે છે. કારણ પોતે કરેલાં કર્મોના પરિણામ રૂપે આપણને સૌને વર્તમાનનું જીવન મળ્યું છે. એ જીવનનો જો અનાદર કરીએ, કે સંસારી કર્તવ્યનો તિરસ્કાર કરીએ, તો કરેલાં કર્મોની ગાંઠો છૂટતી નથી અને કર્મસંસ્કારોનું આવરણ વિલીન થતું નથી.
આવરણ વિલીન કરવા માટે જ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. જો ભક્તિભાવથી જીવન જીવીએ, તો ભક્તની જેમ અંતર ભક્તિમાં ધ્યાનસ્થ કરાવતી ભક્તિની આસક્તિ જાગૃત થઈ શકે. ભક્ત તો કર્મ-ફળની પ્રક્રિયાનું જીવન પ્રેમભાવની નિઃસ્વાર્થતાથી જીવે અને ભક્તિની આસક્તિમાં એનાં કર્મસંસ્કારોની ગાંઠો આપમેળે છૂટી જતાં અંતર ભક્તિમાં તે ધ્યાનસ્થ રહે. પ્રભુ ભક્તિની આસક્તિ એવી તીવ્ર હોય છે કે લૌકિક કર્મસંસ્કારોના વૃત્તિ-વિચારો પ્રગટે, ત્યારે ભક્તિના પ્રભાવધી કર્મસંસ્કારો ભાવ સંસ્કારમાં ફેરવાઈ જાય. આમ કર્મસંસ્કારો નિરાધાર થઈ જતાં ભાવ સંસ્કારોના વૃત્તિ-વિચારો ભક્તિમાં તલ્લીન કરાવતાં જાય. ભક્તિની તલ્લીનતામાં અંતરભાવની નિઃસ્વાર્થના પ્રગટતી જાય, જે અંતર ભક્તિ સ્વરૂપે સ્વાનુભૂતિના પ્રકાશમાં ઓતપ્રોત કરાવે. સ્વાનુભૂતિનાં પ્રકાશમાં સ્વયંભૂ એકરૂપ થવાય. એમાં ભક્તનો કોઈ પુરુષાર્થ ન હોય, પણ જ્ઞાન-ભક્તિની આસક્તિનું, નિઃસ્વાર્થ પ્રેમભાવનું, સમર્પણભાવનું પ્રેરક બળ હોય, જે વૃત્તિ-વિચારોનું માન કરાવે, ત્યારે આત્મીય ચેતનાની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાય. તેથી ભક્ત સદા પ્રભુને વિનંતિ કરતો રહે કે, ભક્તિની આસક્તિથી આપની પ્રકાશિત ચેતનામાં અનાસક્તભાવની જાગૃતિને ગતિમાન રાખજો.
“હે પ્રભુ! શ્વાસે શ્વાસે આપની હાજરી અનુભવું, એટલે સ્મરણ કરવાનું યાદ કરવું પડતું નથી; સ્મરણ ભક્તિના યજ્ઞમાં આહુતિ પદની અર્પણ થતી રહે છે અને શ્વાસનો સોહમ્ નાદ પ્રગટે છે; સોહમ્ નાદનો સૂર કાનથી નથી સંભળાતો, પણ અનાસક્ત ભાવના સ્પંદનોચી અનુભવાય છે; કૃપા કરી અંતર ભક્તિની પ્રકાશિત ગતિમાં, અનાસક્ત ભાવની સ્થિરતાથી ગતિમાન રાખજો...’
આસક્તિનું બળ અતિ તીવ્ર હોય છે. જેને માટે આસક્તિ જાગે, તેને પ્રાપ્ત કરવાનું કે મેળવવાનું મનને અશક્ય ન લાગે. આસક્તિનો આવો તીવ્ર પ્રભાવ હોવાંથી, દુન્યવી વસ્તુઓની, કે પદાર્થોની, કે વ્યક્તિની આસક્તિમાં માનવી તેની પ્રાપ્તિ માટે થાક્યાં વગર કે આળસ વગર મહેનત કરતો રહે છે. એવી મહેનતનું જીવન સંસારી વિચારોમાં બંધાઈને પસાર થતું રહે છે. તેથી જ્ઞાની ભક્તનું સાંનિધ્ય જો મળે, તો ભક્તિની આસક્તિ જાગૃત થાય અને જીવનનો હેતુ સાર્થક થાય. પછી અનાસક્તભાવની જાગૃતિ સ્વયંભૂ થાય, અનાસક્તભાવ એટલે આસક્તિ વગરની સ્થિતિ એવો સીમિત અર્થ નથી. પરંતુ જીવંત જીવનની વાસ્તવિકતા જણાય, ત્યારે પ્રભુની આત્મીય ચેતના સાથેની એક્યતાનો સ્વીકાર થાય. પછી જીવનની દરેક પ્રક્રિયામાં કે પ્રવૃત્તિમાં પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય. ત્યારે ચેતના સાથે એકરૂપ કરાવતી જ્ઞાન-ભક્તિની આસક્તિ જાગૃત થાય. એવી જાગૃતિ છે મનનો અનાસક્તભાવ. જેને દુન્યવી સીમિત પરિસ્થિતિનું આકર્ષણ નથી, ઘર્ષણ નથી, કે તિરસ્કાર પણ નથી. એ તો ભક્તિભાવની તલ્લીનતાથી દરેક પરિસ્થિતિમાં સમાયેલી પ્રભુની ચેતનાની પ્રતીતિથી જીવન જીવે અને સ્વાનુભૂતિની ઊર્ધ્વગતિમાં ખોવાઈ જાય. સ્વયંનું અસ્તિત્વ પ્રભુની ચેતનામાં એકરૂપ થાય, એટલે કે ખોવાઈ જાય, તે છે અહમ્ વૃત્તિઓનું સમર્પણ થયું. પછી જ સ્થિતપ્રજ્ઞ મતિની સ્થિરતા જાગે, જે આત્માની વિશાળતામાં વિહાર કરતી રહે અને આત્મીય ગુણોનું પ્રભુત્વ સ્વયંભૂ વિચાર-વર્તન રૂપે પ્રકાશિત થાય, તે છે જ્ઞાની ભક્તનો નિરપેક્ષ સ્વભાવ. એવાં જ્ઞાની ભક્તોને શત શત કોટિ તે કોટિ પ્રણામ.
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા