Article Details

મને શા કાજે લાગી આ ધૂન...

જિજ્ઞાસુ ભક્તના મનમાં જ્ઞાન-ભક્તિના રંગોથી રંગાઈ જવાની આતુરતા સહજ વધતી જાય, કારણ એનાં મનમાં સતત ઘુંટાયા કરતું હોય, કે પ્રભુની અસીમ કૃપાનાં લીધે જ ભક્તિના અલભ્ય રંગોમાં રંગાઈ જવાની ઈચ્છા જાગૃત રહે છે. એ કૃપા સ્વરૂપે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળે છે અને સાંનિધ્યમાં રહીને સત્સંગ કરવાની અણમોલ તક મળે છે. જેમ સંસારી પ્રવૃત્તિના કાર્યો કરવા માટે, કાર્ય સંબંધિત વિચારોની માળા ગૂંથવાની મહેનત કરવી પડે છે. જેથી કાર્ય કરતાં પહેલાં અને કાર્ય કરતી વખતે વિચારોની યોગ્ય ગૂંથણી થાય, તો મનનું બુદ્ધિ સ્વરૂપ સહાય કરે અને કાર્ય કરવાનો ઉત્સાહ વધે, યોગ્ય પરિણામની પ્રાપ્તિ માટેની સકારાત્મકતા રહે તથા શ્રદ્ધાને અડગ(ડગે નહિ એવું – સ્ટેબલ) રાખી શકે; એ જ રીતે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં બુદ્ધિપૂર્વક મનની અડગતા જરૂરી છે. જેથી સાત્ત્વિક વિચારોની માળા ગૂંથવાનો પુરુષાર્થ સહજતાથી થઈ શકે. જિજ્ઞાસુ ભક્તનું મન દઢ શ્રદ્ધા રૂપી દીપકની વાટ છે અને એમાં ઘી પૂરાતું રહે છે શરણભાવનું, દાસત્વભાવનું, જ્ઞાતાભાવનું, પ્રેમભાવનું. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને આત્મ નિરીક્ષણ કરવાની, અધ્યયન કરવાની, સ્વમય ચિંતન કરવાની કળા જેમ જેમ ધારણ થતી જાય, તેમ તેમ ભાવ રૂપી ઘીની જાગૃતિ મનોમન ધારણ થતી જાય.

 

સાત્ત્વિક વિચારોની માળા ગૂંથવામાં, એનો ભાવાર્થ સમજવામાં જ્યારે સત્ દર્શનનો બોધ જિજ્ઞાસુ ભક્તના મનમાં સ્થપાતો જાય, ત્યારે મનોમન અંતરાત્મા સાથે સંવાદ થાય કે, “હે પ્રભુ! આ જગતમાં અનેક જીવ જીવે છે. પશુ, પંખી, જંતુઓ, જળચર વગેરે અનેક પ્રકારની જાતિ છે. એમાં મનુષ્યની જાતિ રૂપે શ્રેષ્ઠ સર્જન પ્રગટ થયું છે. શ્રેષ્ઠતા એટલે કે વિચારોનાં સહારે પોતાના જન્મનો આશય મનુષ્ય જાણી શકે છે, તથા આશય અનુસાર જીવવાનો પુરુષાર્થ કરી શકે છે. મુજને મનુષ્ય જન્મની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) ધરી અને આપની અસીમ કૃપાની પ્રતીતિ કરાવતું જીવન ભક્તિ ભાવથી જિવાડો છો. સત્સંગથી કેળવાયેલાં મનમાં હવે સૂક્ષ્મ રહસ્યને ગ્રહણ કરાવતી સમજણ ખીલી છે, કે એક બીજમાં જેમ વટવૃક્ષ થવાનું સામર્થ્ય સમાયેલું છે; તેમ અંતર આત્મામાં સમાયેલું આપનું જે પ્રભુત્વ છે, તેને પ્રકાશિત કરવાનું સામર્થ્ય દરેક મનુષ્યમાં છે. આપનું આત્મીય પ્રભુત્વ છે અનંત તત્ત્વગુણોનું. એ તત્ત્વગુણો રૂપી બીજ જ્યારે જ્ઞાન-ભક્તિના સદાચરણથી ખીલશે, ત્યારે જ્ઞાની ભક્તની જેમ મારા મનનું ઉપવન(નાની વાડી) બની જશે આપના પ્રભુત્વને દર્શાવતું ઉદ્યાન(વિશાળ બગીચો)...

 

. પરંતુ હે પ્રભુ! જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં હું પદના અહંકારી વૃત્તિ વિચારો રૂપી કાંટાઓ હજુ પણ પથરાયેલાં છે. જે સાત્ત્વિક ગુણોના આચરણને ખીલવામાં અવરોધક બને છે. જ્ઞાન-ભક્તિના રંગોથી પૂર્ણ રૂપે રંગાઈ જવાની તીવ્ર આકાંક્ષા છે, પણ ક્યારેક સંસારી જવાબદારીઓને નિભાવતા કાર્યો કરવામાં સમય પસાર થઈ જાય છે. સંસારી જવાબદારીનાં કાર્યો કરતી વખતે ઘણીવાર આપનું સ્મરણ તન્મયતાથી થતું નથી, એટલે કે સ્થૂળ આકારો સાથે જે પણ વ્યવહારિક કાર્યો થાય ત્યારે મનમાં આકારોની જ વાતો ઊભરાતી રહે છે. તે ક્ષણે નિરાકારની વાસ્તવિકતા ભૂલાઈ જાય છે, એટલે ખૂબ મુંઝવણ અનુભવાય છે. કે વીતી ગયેલો સમય પાછો નથી આવવાનો અને સંસારી કોયડાં ઉકેલવામાં જ સમય પસાર થઈ જાય છે. જેમ છોડ પરથી ખરી પડેલું ફૂલ કે ફળ પાછું છોડની ડાળી સાથે જોડાઈ શકતું નથી, તેમ વીતી ગયેલા સમય રૂપી ડાળીને પાછું પકડી શકાય એમ નથી. એ જાણીને ખૂબ અફસોસ થાય છે. તેથી મનની મૂંઝવણોથી, દ્વિધાઓથી મુક્ત થવા માટે ભજનોનું ગુંજન કરતો રહું છું. ભજનોનો ભાવાર્થ તથા સાત્ત્વિક સૂરનો ધ્વનિ મનમાં શ્રદ્ધા રૂપી દીપકના પ્રકાશને વધુ પ્રજ્વલિત કરે છે.

 

શ્યામની શ્યામની સ્યામની રે, મને શા કાજે લાગી આ ધૂન...

કોઈ કહેશે ઘેલછા લાગી આ માનવીને, કોઈ કહેશે પરભવનાં પુન...

જાણવું નથી કે લાગી આ ધૂન કૈમ, મારે માણવો છે આનંદ શ્યામનો રે;

સંસારી વાતોનાં કોયડા ઉકેલવામાં, ચાહ્યો જાય અણમોલ આનંદ;

આપના ચરણોમાં જીવન વિતાવવું છે, માર્ગમાં ન મૂકો વિકલ્પ,”

 

વારંવાર ભજનોનું જો ગુંજન થાય, તો ભાવિક સૂર મનને આશ્વાસન ધરી ઉત્સાહથી પ્રેરિત કરતું જાય કે જ્ઞાની ભક્તો, યોગીઓ, મહાત્માઓ, ઋષિઓ કે ફરિશ્તાઓ જો આ જગતમાં જીવતાં જ પરમાત્મા સાથેની એક્યતાનો આનંદ માણી શક્યાં છે અને માણતા રહે છે; તો અંતર ભક્તિ સ્વરૂપે મન જેમ જેમ સાત્ત્વિકભાવમાં તરતું જાય, તેમ તેમ ભીતરના દ્વાર ખૂલતાં પ્રકાશિત પ્રભુ દર્શનનો આનંદ અનુભવી શકાય. વાસ્તવમાં આ દ્વારની કોઈ દુન્યવી બારણાં જેવી સ્થિતિ નથી. દ્વાર એટલે જ દ્રવ્યની ધારા, તે દિવ્ય ચેતનાનું દ્રવ્ય ઊર્જા શક્તિ રૂપે પ્રકાશિત થાય છે. એ દિવ્ય દ્રવ્યનો ઉપભોગ અંતરધ્યાનની સ્થિરતામાં, ભક્ત નિઃસ્વાર્થભાવથી ભોગવે છે. જ્યાં સુધી મનની નિઃસ્વાર્થભાવની, કે અકર્તાભાવની, કે સમર્પણભાવની જાગૃતિ નથી, ત્યાં સુધી દિવ્ય ચેતનાના દ્રવ્યની પ્રકાશિત ગતિમાં એકરૂપ થવાતું નથી.

 

જિજ્ઞાસુ ભક્ત અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવા માટે પ્રભુને વિનંતિ કરતો રહે કે,“ મારે તો આપના ચરણોમાં જીવન વિતાવવું છે, તેથી સંસારી ઘટનાઓનો વિકલ્પ ન આપો. મારો સંકલ્પ તો વિકલ્પ રહિત છે, કે જીવતાં જ આપની દિવ્ય ચેતનામાં એકરૂપ થવું છે અને બીજા અધિકારી પાત્રો સાથે જ્ઞાન-ભક્તિનું દ્રવ્ય વહેંચતા રહેવું છે. તેથી સાત્ત્વિક બુદ્ધિની સ્થિરતા ધરો. બુદ્ધિની સ્થિરતાથી ભાવનું ઘી શ્રદ્ધા રૂપી દીપકની વાટને પ્રજ્વલિત રાખશે. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં સાત્ત્વિક વિચારોના ચિંતનથી બુદ્ધિની સ્થિરતા વધે છે. સ્વમય ચિંતનની નિષ્ઠામાં સમજાયું કે સાત્ત્વિકભાવની જાગૃતિ થાય તો તે મનને સંસારી વાતોથી કે વિષયોને ભોગવવાના આકર્ષણથી વિચલિત કરતું નથી. કારણ સત્સંગની પળોમાં મન શ્રદ્ધાપૂર્વક એકાગ્ર રહે છે. છતાં કે નાય, આ તો હજી શરૂઆત છે, અંતર યાત્રા અનંત સ્વરૂપની છે. તેથી આપની અણમોલ કૃપાના સહારે નિઃસ્વાર્થભાવથી યાત્રા કરાવજો. ’’

 

સંકલનકર્તા -મનસ્વિની કોટવાલા