મૂકી દે ને તારું બધું પ્રભુના શરણે...
સુખ ભરી હોડી કિનારે આવી, છતાં દુઃખ ભરીને કિનારે જ કરતી રહી; કપરાં સમયની યાદો એમાં ભરાતી રહી અને સાગરમાં તરવાનું ભુલાઈ ગયું; હું મન! મૂકી દેને તારું બધું પ્રભુના શરણે અને જાણ પ્રભુ સાથેનાં સંબંધને સમાઈ જા નિઃસ્વાર્થ પ્રેમના આત્મીય સંબંધથી, પછી તરશે તું પ્રભુભાવની સાત્ત્વિકતામાં.
મન રૂપી હોડીનો સંબંધ દેહધારી જીવન રૂપી કિનારા સાથે થાય અને શરૂ થાય મનુષ્ય જીવનની લૌકિક ગાથા. અતૃમ ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો છે મનનું અથવા જીવનું સ્વરૂપ. એટલે મન રૂપી હોડીમાં ઈન્દ્રિગમ્ય ભોગ ભોગવવાની ઈચ્છાઓ ભરેલી હોય છે. તે ઈચ્છાઓની તૃપ્તિ માટે જ મનુષ્ય દેહનો આધાર જીવન(મનને) લેવો પડે છે. મનુષ્ય દેહ રૂપે દસ ઈન્દ્રિયો અને મગજના જ્ઞાનતંતુઓની કૌશલ્યભરી સુવિધા પ્રાપ્ત થવાથી, સંસારી વિષયોને ભોગવવાની ઇચ્છાઓ તો પૂરી થાય, પણ સાથે સાથે બીજી નવી ઈચ્છાઓ પણ જનમતી જાય. એટલે મન રૂપી હોડીમાં કર્મસંસ્કારોનો સામાન ભરાતો રહે છે અને હોડી લૌકિક જીવન રૂપી કિનારે જ ફરતી રહે છે. કિનારે કરતાં કરતાં તે બીજી મન રૂપી હોડીનાં સંગમાં રહે છે, એટલે કે પરિવારના વ્યવહારિક કાર્યોમાં, કે આજીવિકા રળવાના કાર્યોમાં, કે સામાજિક કાર્યો કરવામાં માનવી વ્યસ્ત રહે છે અને ઇચ્છિત વસ્તુઓની કે વ્યક્તિગત સંબંધોની આસક્તિમાં બંધાઈને જીવે છે. લોકિક પદાર્થો કે સંબંધોની આસક્તિમાં બંધાયેલું મન સંસારી વિચારોમાં જ ફરતું રહે છે. તેથી તે પ્રભુ રૂપી સાગરમાં તરવાનું ભૂલી જાય છે. એટલે સાગર સાથેના આત્મીય સંબંધનું સ્મરણ થતું નથી, કે સાગરના પાણીની મહત્તા સમજાતી નથી.
મન રૂપી હોડીને પ્રભુ રૂપી સાગરની અથવા સાગરના પાણી રૂપી આત્મીય ચેતનાની મહત્તા જણાતી નથી. એટલે એ ભૂલી જાય છે, કે હોડી કિનારે પણ સાગરના પાણીના લીધે જ તરી શકે છે. હોડી કદી રેતી કે માટીમાં તરી ન શકે. કિનારાના છીછરાં પાણીમાં તરતી હોડીને સાગરના ઊંડાણનો કે વિશાળતાનો ખ્યાલ નથી, કે વાસ્તવિકતા એને નથી સમજાતી કે કિનારો છોડીને સાગરમાં તરવા માટે જ મનુષ્ય શરીરની સુવિધા પ્રાપ્ત થઈ છે. જેમ લખવા માટે બોલપેનનો ઉપયોગ થાય. બોલપેનને કાન ખોતરવા માટે નથી બનાવી; તેમ મનનાં કર્મસંસ્કારોનો સામાન ઓછો કરવા માટે પ્રભુ રૂપી સાગરમાં તરાવતું માનવ દેહધારી જીવન સર્જાયું છે. સાગરના લીધે કિનારો છે, સાગરના આધારે કિનારાની રચના થાય છે, જેથી કિનારે તરતી હોડીઓ સાગરમાં સહજ તરી શકે. આ વાસ્તવિક સત્યનો સ્વીકાર કરીને જીવન જીવીએ, તો પ્રારબ્ધગત કપરાં(મુશ્કેલ) સંજોગોમાંથી પસાર થવાનું અઘરું નહિ લાગે, કિનારે તરતી મન રૂપી હોડીને જેમ જેમ સાગરના પાણીની મહત્તા સમજાતી જાય, તેમ તેમ તે કિનારાની રેતી કે માટીમાં સ્થગિત થઈને(થંભીને) નહિ રહે, એટલેકે સંસારી વિષયોના આકર્ષણથી મુક્ત થવા માટે, સાગરમાં તરવાની તત્પરતા પછી વધતી જાય.
જેના આધારે જીવીએ છીએ તેનો સંગ હર ક્ષણે પાસ રૂપે થાય છે. એવી અનુભૂતિથી મન રૂપી હોડી કિનારો છોડીને સાગરમાં તરવાની કેળવણી ધારણ કરે, તે છે જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ ઢળવું. પછી સ્વાનુભૂતિ રૂપે અનુભવાય, કે પ્રભુની આત્મીય ચેતનાના વહેણ શ્વાસ રૂપે સતત પ્રાપ્ત થાય છે, એમાં મનથી કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી અને તે ચેતનાની ઊર્જાના લીધે જ મગજના જ્ઞાનતંતુઓ સક્રિય રહે છે. મગજની સક્રિયતા એટલે જ વિચારવાની, સમજવાની, ક્રિયા-પ્રતિક્રિયા કરવાની, કે પરિણામને અનુભવવાની સહજતા. મગજની સહજ સક્રિય સ્થિતિનો સથવારો શરીરની વૃદ્ધ અવસ્થામાં નથી મળતો. કારણ મન રૂપી હોડીનું માત્ર કિનારે જ તરતાં રહેવાંથી, કિનારાની બીજી હોડીઓનાં સંગમાં, સંબંધોને સાચવવાના સંઘર્ષમાં, અહંકારી સ્વભાવની અથડામણમાં મગજનું રચનાત્મક વિચારોનું અને સ્મરણ શક્તિનું કૌશલ્ય ઓછું થતું જાય છે. મગજની એવી શ્રીણ થયેલી સ્થિતિના લીધે મનને પ્રભુ રૂપી સાગરમાં તરવાનું, એટલે કે જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં ધ્યાનસ્થ થવું મુશ્કેલ લાગે છે. જ્ઞાન- ભક્તિની અંતર યાત્રા રૂપે પોતે આકારિત શરીર છે એવાં અજ્ઞાનથી મુક્ત કરાવતાં, સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન જો તરબોળ થતું જાય, તો ચિંતનની નિષ્ઠામાં રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનનો પરિચય થાય. એવા વર્તનનો પછી પસ્તાવો થાય, ત્યારે જે જ્ઞાન સ્વરૂપ આત્મીય ચેતના છે તેની પ્રતીતિ કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.
પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ જ્યારે દરરોજના કાર્ય કે પ્રવૃત્તિ રૂપે થાય, ત્યારે આકાર અને નિરાકારના સંબંધમાં પ્રભુનું આત્મીય ચેતનાનું સંવેદન અનુભવાય. જેમકે ભોગ્ય પદાર્થના આકારને જોઈએ, ત્યારે જોતી વખતે પ્રતીતિ થાય કે આંખોની સૃષ્ટિનો કોઈ આકાર નથી અને દૃષ્ટિનો જ્ઞાતાભાવ પ્રભુની આત્મીય ચેતનાના લીધે છે. આમ આકાર-નિરાકારના જોડાણનું, તનમનનાં જોડાણનું રહસ્ય સમજાય કે દરેક સ્તરના જોડાણ રૂપે પ્રભુની ચેતનાનો યોગ છે. ઊર્જાની ચેતનાને મેળવવાનો કે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. એ તો દરેક દેહધારી જીવને સર્વકાળે પ્રાપ્ત જ હોય છે. તે ઊર્જાની ચેતનાને ઝીલનાર મન તથા તેની અભિવ્યક્તિને ઝીલનાર મગજની અને ઇન્દ્રિયોની ક્રિયાનું સ્વરૂપ પણ નિરાકારિત છે. તે ક્વિાને આંખોથી જોઈ ન શકાય, પણ તે ક્રિયાના પરિણામ રૂપે આકારિત પદાર્થોના ભોગને ભોગવી શકાય છે. આવો આકાર-નિરાકારના જોડાણનો મર્મ સમજીને જે જિજ્ઞાસુ ભક્ત જીવે, તે જ્ઞાન-ભક્તિના સાગરમાં તરતો જાય. મન રૂપી હોડીને જો જ્ઞાની ભકત રૂપી નાવિકનો સહારો મળી જાય, તો કિનારાના વળગણથી, આર્ષણથી છૂટવાની, એટલે કે સાગરમાં તરવાની લગની પ્રબળ થતી જાય. જેમ જેમ દેહધારી જીવન રૂપી કિનારાના મોહથી મુક્ત થતાં જવાય, તેમ તેમ જ્ઞાન-ભક્તિના સદાચરણથી પ્રભુ રૂપી આત્મીય સાગરમાં સહજતાથી સહેલ પતી જાય. એવી સહેલ રૂપે કર્મસંસ્કારોનો સામાન ઓછો થતો જાય અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતાં પ્રભુના સાગરનું, દિવ્ય ગુણોની સાત્ત્વિકતાનું ધન ધારણ થતું જાય. આવું દિવ્ય જીવન જીવવા માટે જ આપણે મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તો પ્રભુમય જીવનની દિવ્યતા કેમ ન માણીએ ??
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા