Article Details

હું બીજા બધા કરતાં હોંશિયાર છું

“હું બીજા બધા કરતાં હોશિયાર છું, મારા જેવી સચોટ નિર્ણય કરવાની બુદ્ધિ બહુ ઓછા લોકોમાં હોય, હું સમજળપૂર્વક વિચારીને કાર્ય કરું છું.’’ વગેરે અનેક પ્રકારે માનવી એકબીજા સાથે સરખામણી કરતો રહે છે અને પોતે સાચો છે એવી પોતાની મહત્ત્વતાને પુરવાર કરાવતાં જીવનમાં, એને સાત્ત્વિકભાવની જાગૃતિનું-ભક્તિભાવનું જીવન મુશ્કેલ લાગે છે. દરેક માનવીને પોતાની પ્રશંસા સાંભળવાનું બહુ ગમે. રૂપિયાની કમાણીથી, કે ભણતરની પદવીથી મેળવેલી સુખદાયક પરિસ્થિતિની જ્યારે બધા વાહ વાહ કરે, ત્યારે એ પ્રશંસા સાંભળીને મન વધુ ને વધુ તે સુખદાયક સ્થિતિની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતું રહે છે અથવા પ્રાપ્ત કરેલી તે પરિસ્થિતિને માલિકીભાવથી જાળવવાની મહેનત કરતું રહે છે. આમ દુન્યવી સીમિત વસ્તુ સ્થિતિની પ્રાપ્તિ માટે મન સતત એમાં જ ડૂબેલું રહે છે. એટલે એવું મન સાય અને શંકાથી વિચારે કે સાત્ત્વિકભાવની જાગૃતિ કે સમર્પણભાવની જાગૃતિ શું શક્ય છે?? એવાં હું કેન્દ્રિત મનના સ્વાર્થી વિચારોની ગૂંધણીમાં સાત્ત્વિક વિચારો ટકી શકતાં નથી.

 

આમ છતાં સત્યનો સ્વીકાર તો કરવો જ રહ્યો, કે અશક્ય લાગતી સાત્ત્વિકભાવની જાગૃતિને દરેક માનવી ધારણ કરી શકે છે. કારણ મનની ભીતરમાં તે પુપ્ત રૂપે સમાયેલી છે. માનવી જો દૃઢ સંકલ્પથી સ્વયંને જાણવાનો નિર્ધાર કરે અને કીર્તિ, સન્માન, કે પ્રશંસા મેળવવાની અહમ્ કેન્દ્રિત દિશામાં ફરવાનું છોડે, તો સ્વયંની સાત્ત્વિક ગુણોની સંપત્તિને જાગૃતિના સદાચરણથી ભોગવી શકે. આજના યાંત્રિક જમાનામાં ચિંતા છોડીને શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવનું જીવન, એટલે કે એકબીજા સાથે હળીમળીને પ્રેમની પૂર્તિનું જીવન જીવી શકાય છે. પરંતુ તે માટે એકબીજા સાથે સરખામણી કર્યા કરતી, ચડસાચડસી(ઉગ્ર હરીફાઈ) જેવાં વ્યવહારથી મુક્ત થવું પડે. ભણતરની પદવીઓ હોય, કે રૂપિયાની રેલમછેલ હોય, કે વેભવી ઘરમાં વસ્તુઓની સજાવટ હોય, કે આજીવિકાના કાર્યથી મળેલી સફળતા હોય, દરેક સ્તરે માનવીને સરખામણી કરી પોતે બીજા બધા કરતાં ચડિયાતો છે એવી માન્યતામાં બંધાઈને જીવવું ગમે છે. મન જો પોતાના અહંકારી સ્વભાવની ચડસાચડસીથી જાણકાર થવાનો પ્રયત્ન કરે તો એટલું સમજાય, કે તન-મનનું આરોગ્ય બગાડનાર અહંકારી સ્વભાવની તોછડાઈ છે.

 

આરોગ્ય બગડવું એટલે મનને વૃદ્ધ કરવું. મન વૃદ્ધ થવાથી સ્મરણ શક્તિ ઘટતી જાય, સમજ શક્તિ ક્ષીણ થતી જાય, આંખ, કાન, કંઠ વગેરે ઈન્દ્રિયોની પોતાના વિષયોને ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થતી જાય, તથા હતાશા સાથે નકારાત્મક વૃત્તિ-વિચારોમાં મન ઘેરાઈ જાય, ત્યારે વદ્ધ મનની સંગમાં શરીરના અંગોની પ્રક્રિયાઓ પણ વૃદ્ધ થતી જાય છે. ચડસાચડસીના સંકુચિત માનસની જડતા જો ઓગળે, તો વિશાળ મનની નિર્મળતાનું પ્રેમભાવની નિખાલસતાનું માનસ ખીલતું જાય. તે માટે આપણે એક બાળવાર્તાનો આધાર લઈએ. એક વખતે બે ફળ પેરુ અને દાડમ વચ્ચે પોતાના રૂપ રંગની, સુંદર આકારની, મીઠારાની ચર્ચા થઈ, દાડમ પેરુને કહે કે, “મારામાં તો રસથી ભરેલાં કેટલાં બધા દાણા છે. મારો પૂર્ણ આકાર ઉપર-નીચે બધે જ રસભર્યા દાણાનો બનેલો છે. મારી પાસે લાલ રંગનું સૌંદર્ય છે, હું ખરેખર સુંદર છું’’. દાડમની વાતો સાંભળીને પેરુને ગમ્યું નહિ. ગુસ્સાના આવેશથી બોલ્યું કે, “તારી સુંદરતાના ખોટા વખાણ બંધ કર. તું મારું રૂપ-રંગ જો, મારા આકારની સુંદરતા જો, કેટલી સુંદર રેખાઓ છે. તારા દાણાને છૂટા પાડવા મહેનત કરવી પડે અને મારો ભોગ કરવા માટે માનવીને મહેનત કરવી પડતી નથી’‘.

 

બન્ને ફળ વચ્ચે પોતે વધુ ઉપયોગી અને શ્રેષ્ઠ છે એવી સરખામણીની ચડસાચડસી થઈ. એટલે બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ છે તે સાબિત કરવા માટે ન્યાયાધીશ રૂપે પાયનેપલની નિમણૂક થઈ. પાયનેપલ(અનાનસ) તો ખુશ થઈ ગયું કે મને ન્યાયાધીશ બનવા મળ્યું. એ તો ઉછાળા મારતું કહેવા લાગ્યું કે, “ ફિકર ન કરો, હું યોગ્ય ન્યાય કરીશ, જો કે

વાસ્તવમાં તમારા બન્ને પાસે કોઈ સુંદરતા નથી. તમે બન્ને મને જુઓ. મારી ત્વચા ઉપર તમને કાંટા દેખાય છે, પણ ભીતરમાં જે મીઠાશ ભરેલી છે, તે કોઈની સાથે સરખાવી શકાય એમ નથી. મારો ઉપયોગ માનવી વિવિધ રીતે કરે છે. રસ બનાવીને પીએ, શાકભાજી સાથે મેળવીને પણ ખાય. માનવી માટે હું અતિ પ્રિય ફળ છું. તેથી મારો ઉપયોગ બારે માસ ગમે ત્યારે, ગમે તે સ્થળે કરવા માટે તેઓ મારા ટુકડાં કરી એને ડબ્બામાં ભરી સીલ મારીને સાચવે છે. પાયનેપલ તો ન્યાય કરવાનું ભૂલીને પોતાની સ્તુતિ-પ્રશંસા કરવા લાગ્યું અને ત્રણે વચ્ચે રસાકસીભરી ચડસાચડસી થતી રહી.

 

આવી જ રીતે માનવી એકબીજા સાથે ચડસાચડસી કરતો રહે છે એટલે ભક્તિભાવથી જીવવાનું એને અશક્ય લાગે છે. માનવીનું મન હંમેશા પોતે ઉત્તમ છે એવું સિદ્ધ કરવાની મહેનત કરતું રહે છે. એટલે ખો લાગણીને દર્શાવે, ત્યારે પ્રેમની નિર્મળતા ઓછી હોય અને અહંકાર વધુ હોય કે પોતાના જેવો કોઈ મનમાં સમર્પણભાવની સાત્ત્વિકતા સુષુપ્ત જ રહે છે, જાગૃત થતી નથી. પેરુ-દાડમની ચર્ચા એટલે ભેદભાવનું, ઉચ્ચ-નિમ્ન કક્ષાની સરખામણી કરતું સંકુચિત અહંકારી માનસ. પાયનેપલ એટલે સત્સંગા ના. સાત્ત્વિક વિચારોની માહિતી રાખે અને ન્યાયાધીશ બની બીજાને સલાહસૂચન આપે. એમાં પણ પોતાની જ પ્રશંસા કરે કે,‘હું તો સવારે પાંચ વાગે ઊઠી જાઉં, પછી ધ્યાન કરું, કસરત કરું, શાસ્ત્રોનો અભ્યાસ કરું, દિવસમાં વીસ મિનિટ વાણીનું મૌન રાખું’. વાસ્તવમાં ભક્ત કદી જણાવે નહિ કે પોતે ભક્ત છે અથવા ભક્તિભાવથી જીવે છે. કારણ જણાવનાર મનનું સમર્પણ થયું હોવાંધી તે એવું પણ ન કહે કે બધું પ્રભુ કરાવે છે. સમર્પણભાવ કે અકર્તાભાવની જાગૃતિમાં મનનું મૌન થયું હોવાથી આત્મીય ચેતનાના સ્પંદનો ભક્તમાંથી પ્રગટતાં રહે છે. જેમ વાયુ કે જળ જણાવે નહિ કે હું છું એટલે જીવંત જીવન જીવી શકાય છે, તેમ જ્ઞાની ભક્ત જણાવે નહિ પણ પોતાની સાથે ભક્તિભાવથી તરવા માટે જિજ્ઞાસુ માનવીમાં પ્રેમની પૂર્તિ કરતા રહે. એવાં જ્ઞાની ભક્તોને શત શત કોટિ પ્રણામ.

 

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા