Article Details

સ્વયંને જાણવાની પ્રવૃત્તિ જીવનભર કરવાની ન હોય

સામાન્ય રૂપે માનવીને શરીરના મૃત્યુનો ડર લાગે છે. કારણકે શરીરના જન્મ-મૃત્યુની વાસ્તવિકતાથી, એટલે કે જે જન્મે છે, ખીલે છે, તે અંતે કરમાઈ જાય છે એવી સમજણથી મન અજાણ રહે છે. એટલે જેમ જેમ શરીરની ઉંમર વધતી જાય, આંખ-કાન વગેરે ઈન્દ્રિયોની કાર્ય કરવાની તેમ જ શારીરિક કાર્યો કરવાની ક્ષમતા ઘટતી જાય, તેમ તેમ મૃત્યુના ડરથી માનવી જાણવા મથે છે કે મૃત્યુ એટલે શું? મૃત્યુ પછી શું? ભય પ્રેરિત મન ધાર્મિક ગ્રંધોનો, સાત્ત્વિક વિચારોનો, કે સત્સંગની પ્રવૃત્તિઓનો સહારો લે, એવાં સહારા રૂપે એટલું જણાય કે શરીરનું મૃત્યુ નિશ્ચિત છે અને મનનાં મૃત્યુ રૂપે મોક્ષની ગતિ જીવતાં જ ધારણ કરવી જોઈએ. એટલે મોક્ષ વિશે મન વિચારતું થાય કે મોક્ષ ક્યારે મળે? શું શરીરનું મૃત્યુ થતાં જો સત્સંગ કર્યો હોય તો મોક્ષની ગતિ ધારણ થઈ જાય..? જ્ઞાની ભક્ત જેવા મહાત્માઓ જેઓ મોક્ષની મુક્ત ગતિને માણે છે, તેઓ જિજ્ઞાસુ ભક્તોને જણાવે કે, ‘મોક્ષનો અંતર પથ છે નિરાળો, ગતિ તેની છે અવનવી અને ભક્તિભાવથી ધારણ કરવી છે સહેલ..’

 

જિજ્ઞાસુ મન સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મોક્ષની નિરાળી ગતિ વિશે સમજવાનો પુરુષાર્થ કરતો રહે છે. મોક્ષ સ્વરૂપે મન અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ તથા વિચારોના બંધનમાંથી મુક્ત થાય. મોક્ષની મુક્ત ગતિ છે. આત્માની અક્ષર સ્વરૂપની અવિનાશી ગતિ. આવી અક્ષય સ્વરૂપની મુક્ત ગતિમાં મન ત્યારે ગતિમાન થાય, જ્યારે મન પર પથરાયેલાં અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારોનું આવરણ ઓગળી જાય. તેથી માનવીએ એટલું તો સમજવાનો પુરુષાર્થ કરવો પડે, કે આ શરીરમાં મન(જીવ) વસવાટ કરે છે અને મનને આત્મીય ચેતનાનો સહારો હોવાંથી દેહધારી જીવંત જીવન જીવી શકાય છે. આવી સમજણ માટે આરંભમાં સત્સંગની પ્રવૃત્તિઓ અતિ આવશ્યક હોય છે. પરંતુ જીવનભર સત્સંગ રૂપે સમજણના કિનારે બેસી નથી રહેવાનું. કિનારો છોડીને જો જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય, તો મન પર પથરાયેલું કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય.

 

જેમ બાળકને શરૂઆતમાં ગુજરાતી ભાષાની ક ખ ગની બારાખડીનું અથવા અંગ્રેજીભાષાની એ બી સીનું શિક્ષણ આપવામાં આવે છે. તે બાળમંદિરનું(નર્સરીનું) શિક્ષણ બાળક કેટલાં વરસ સુધી લે છે? શું પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતી વખતે બારાખડીનું શિક્ષણ અપાય છે? બસ, એ જ રીતે સ્વયંને જાણવાની સત્સંગની પ્રવૃત્તિઓ જીવનભર કરવાની ન હોય. સત્સંગ રૂપે સમજણની સપાટી એટલી વિશાળ કરવાની હોય, કે અજ્ઞાની મનની અસ્થિરતા અથવા અજાણ મનની સંદિગ્ધતા(સંદેહયુક્સ અસ્પષ્ટતા) વિલીન થાય. મનની સ્થિરતા સ્વરૂપે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતી તન્મયતા(એકાગ્રતા) વધતી જાય. જ્ઞાન-ભક્તિની સરિતામાં જે તરે, તે સમજણ રૂપી કિનારે બેસી ન રહે, પણ કિનારા પરથી જ સરિતામાં કૂદકો મારીને તરવાની મોજ માણે છે. એવી મોજ માણનારો ભક્ત કદી શંકા, સંદેહ, કે વહેમ રૂપી છીછરાં પાણીમાં છબછબિયાં ન કરે. એ તો સાત્ત્વિક વિચારોના ચિંતનથી પ્રકૃતિ જગતમાં સમર્પણભાવથી થતી પ્રક્રિયાઓનો મર્મ ગ્રહણ કરતો જાય, કે પહાડ પરથી નદી વહે છે અને તે વહેતી નદી પછી કિનારા જોડે બંધાઈને રહેતી નથી, પણ કિનારાને સ્પર્શીને જેમ આગળ ને આગળ સાગર તરફ વહી જાય છે; તેમ સત્સંગની પ્રવૃત્તિ રૂપી કિનારા પર જ્યાં સુધી મન બેસી રહેશે, ત્યાં સુધી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરી શકશે નહિ.

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં તરતાં અંતરની વિશાળતામાં એકરૂપ થવાય અને સ્વાનુભૂતિના ઊંડાણમાં સ્થિત થવાય. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં તરવાની સ્થિરતા ધારણ થતી જાય અને સ્વાનુભૂતિના સાત્ત્વિક આચરણ રૂપે હું પદની વૃત્તિઓ ઓગળતી જાય. સમજણની સપાટી પર બેસી રહેવાથી, એટલે કે આધ્યાત્મિક શબ્દોના અર્થ સમજીને માત્ર ચર્ચા વિચારણા કર્યા કરવાથી, કર્મસંસ્કારોનું આવરણ વિલીન નહિ થાય. જીવનમાં પ્રારબ્ધ અનુસાર બધું મળે છે, પણ સ્વાનુભૂતિની અંતરયાત્રાનો મોકો જો મળતો હોય, તો એને સંસારી વાતોના કોયડા ઉકેલવામાં ગુમાવી ન દેવાય. આવી સ્પષ્ટ સમજના કિનારા પરથી જિજ્ઞાસુભા જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતાં સ્વમય ચિંતનમાં ખોવાઈ(એકરૂપ) જાય છે.

 

કિનારાનો મોહ ત્યારે જ છૂટે જ્યારે તીવ્ર અફસોસ થાય, કે વીતી ગયેલી પળ પાછી નથી આવતી. રાગ-દ્વેષાત્મક સંસારી વાતોનાં ખારા પાણીથી પછી મનની આંખો બળે, ત્યારે પસ્તાવો એવો થાય કે પ્રભુ મિલનની પળને હું ગુમાવી દઉં છું. રાગ-દ્વેષના અહંકારી સ્વભાવની બળતરાથી સાત્ત્વિક ગુણોનાં સૌંદર્યનો ઉજાગર થતો નથી. અર્થાત્ અફસોસ રૂપે મનને પોતાની ભૂલોનું દર્શન થાય, કે સવારથી રાત સુધી ઘાંચીના બળદની જેમ સંસારી કાર્યોમાં રાગ-દ્વેષથી ફરતાં રહેવાથી, સાત્ત્વિકભાવનું મનનું કૌશલ્ય કુંઠિત થઈ ગયું! જિજ્ઞાસુ ભક્તમાં પછી પશ્ચાતાપ રૂપી અગ્નિ એટલો પ્રજવલિત થાય, કે સંસારી માયા રૂપી ખારા પાણીનું બાષ્પીભવન થતું જાય અને સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન સ્થિત થતું જાય. ભક્તની અહમ વૃત્તિઓ સ્વમય ચિંતનમાં ખોવાઈ જાય, એટલે કે અહમ્ વૃત્તિઓનું સમર્પણ થતાં કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય. સમર્પણભાવની જાગૃતિ જ સ્વાનુભૂતિની અંતરયાત્રામાં સ્થિત થાય અને સ્વયંની આત્મીય ચેતનાની એકમ લયમાં એકરૂપ થાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ, કે અંતર પાત્રાનો આનંદ જીવતાં જ માણવા મળે.

 

સર્વેમાં પ્રભુ સમાયેલો છે, સર્વત્ર કણકણમાં તે ખોવાઈને પ્રસરેલો છે; તે ખોવાયેલા પ્રભુમાં ખોવાઈ જવાં માટે હું ખોવાઈ ગયો અંતરની વિશાળતામાં; સ્વયંની વિશાળતામાં ખુદ ખોવાઈ ગયો અને હું સમર્પિત થઈ ગયો; એના થી મારી તહીન ક નીતી હવે ખોવાયેલો હું ઝૂલે છે સર્વત્ર પ્રસરેલી પ્રભુની પ્રકાશિત લયમાં.

 

 

સંકલનકર્તા-મનસ્વિની કોટવાલા