Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
તું કોણ છે?

ભગવત્ ભાવની ચેતના કહો, કે ઊર્જા શક્તિનો પ્રાણ કહો, કે પ્રભુ શક્તિ કહો, જે પણ સાંપ્રદાયિક ધર્મનું અનુસરણ કરનારા લોકો છે, તેઓ આ ભાવભીની શક્તિને વિવિધ નામથી સંબોધે છે. સંબોધન મહત્ત્વનું નથી, પણ તે પરમ શક્તિની ચેતનાના પ્રભાવને જાણવો તથા જાણીને એની દિવ્યતાને માણવા માટે એનાં સાત્ત્વિક સદ્ગુણોને પરમાર્થી કર્મની ક્રિયાથી પ્રગટાવવા તે જ મહત્ત્વનું છે. એવાં પરમાર્થી કર્મને જ ધર્મનું આચરણ કહેવાય. ધર્મ એટલે જે સાત્ત્વિક ગુણોની ચેતનાને ધારણ કરી છે, તેના પરમાર્થી મર્મને કર્મ સ્વરૂપે પ્રગટ કરવો. પરમાર્થી કર્મ રૂપે ભગવત્ ભાવની ચેતનાના ગુણો જે મન દ્વારા પ્રગટે, તે છે ભક્ત સ્વરૂપનું વર્તન. મનનું એવું ભક્ત સ્વરૂપ આત્મીય ચેતનાના આશ્રયે રહીને સ્વાનુભૂતિની અંતર યાત્રા કરે, તેને કહેવાય અંતર ભક્તિનું સદાચરણ. આમ ભક્તનો હૃદયભાવ પરમાર્થી કર્મ કરે, એટલે કે અકર્તાભાવથી કર્મ કરવાના પ્રયત્નમાં એનો સમર્પણભાવ જાગૃત થતો જાય. આમ મનની સ્વયંને જાણવાની અંતર યાત્રા અકર્તાભાવથી થતી જાય. એટલે પ્રારબ્ધગત કર્મ કરતાં કરતાં જ સ્વયંનો પરિચય થાય એવું ભક્તિભાવનું આચરણ આપમેળે ધારણ થતું જાય. એવાં આચરણથી જીવને જ્યાં સ્થિત થવાનું છે, તે આત્મ સ્થિત અંતર જીવન જીવી શકાય.

 

         મનમાં બીજ પ્રગટાવો ભક્તિનું, જે જિજ્ઞાસુ વૃત્તિને જગાડી સ્વ જ્ઞાનમાં તરાવશે;

         ભગવત્ ભાવની શક્તિનું જ્ઞાન પ્રાણમાં છે, તે જ્ઞાનમાં તરવા કરો આત્મ નિવેદન ભક્તિ;

         વિવેકી દૃષ્ટિના મનોમંથનથી સ્વમય ચિંતન થાય, તે છે માનવીનું ભૂમિ પરનું ખરું રટણ;

         સ્વ જ્ઞાનની ભક્તિ રૂપે અંતરગમન થાય, પછી અંતર ભક્તિ રૂપે દિવ્ય ગુણો પ્રકાશિત થાય.

 

         સૌને એટલી તો જાણ હોય છે કે કોઈક શક્તિ છે ભીતરમાં, જેનાં લીધે જીવન જિવાય છે. તેને જાણવાનો પુરુષાર્થ થાય, ત્યારે સમજાય કે આત્મીય ચેતનાનો ગુણિયલ પ્રભાવ છે, જે સૃષ્ટિની વિવિધ કૃતિઓ રૂપે અભિવ્યક્ત થાય છે. તે દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિને જોવાની નથી પણ એની ગુણિયલ પ્રતિભાને અનુભવવાની છે. એવાં અનુભવ રૂપે મનનું સંકુચિત અહંકારી માનસ વિલીન થતું જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ થાય. ચેતનાનો પ્રભાવ જાણવા માટે આપણાં દેહના અંગોની પ્રક્રિયાનો જો ભાવાર્થ ગ્રહણ થાય તો અહંકારી માનસની જડતા ઘટતી જશે. કારણ અંગેઅંગની ક્રમબદ્ધ થતી પ્રક્રિયાનો સારાંશ જ્યારે સમજાય, ત્યારે મનની અહમ્ વૃત્તિને પોતાની પામરતાનો અહેસાસ થાય છે. જેમકે લોહીની અખંડ ગતિની ક્રિયા વિશે અલ્પ પ્રમાણમાં પણ જો સમજાય, તો મન આશ્ર્ચર્યભાવમાં ધ્યાનસ્થ થઈ જશે. લોહીની ક્રિયા વિશે પૂર્ણ રૂપે સમજી શકાય એમ નથી. છતાં વૈજ્ઞાનિક જ્ઞાનના સહારે સમજવામાં આશ્ર્ચર્ય થશે કે ‘આટલી વિશાળ સ્વરૂપની ક્રિયાઓ મારા શરીરમાં થાય છે છતાં તે વિશાળતાને હું અનુભવી શકતો નથી અને મારું-તારુંના રાગ-દ્વેષથી દેહની સમર્પણભાવથી થતી પ્રક્રિયામાં અવરોધક બનું છું!’

         પ્રભુએ કોઈ પણ ભેદભાવ વગર માનવ શરીરની રચના કરી છે. અર્થાત્ દરેકના શરીરમાં પ્રાણ શક્તિના સત્ત્વને લોહી પ્રસરાવે છે. રાય-રંકના ભેદભાવ વગર શ્ર્વાસ રૂપે પ્રાપ્ત થતું પ્રાણનું સત્ત્વ ફેફસા દ્વારા ઝીલીને લોહી પૂર્ણ દેહમાં પ્રસરાવે છે. લોહીની આ સતત થતી ક્રિયામાં કોઈ આડંબર નથી, કે પ્રભુનું સત્ત્વ ઝીલવાનો અહંકાર પણ નથી. માનવ દેહમાં લોહીના પરિવહનનો પ્રવાસ માર્ગ લગભગ એક લાખ બાર હજાર કિલોમીટર જેટલો છે. આટલો પ્રવાસ લોહી માત્ર ૬૦ સેક્ધડમાં જ પસાર કરે છે. અર્થાત્ પ્રાણનું સત્ત્વ ધારણ કરેલું શુદ્ધ લોહી આખા શરીરમાં એક મિનિટમાં ફરીને શરીરના બીજા અંગો પાસેથી મેળવેલી અશુદ્ધિ  સાથે પાછું હૃદયમાં આવે. લોહીમાં ઉમેરાયેલી તે અશુદ્ધિ પછી મૂત્રપિંડની ક્રિયાથી શરીરમાંથી બહાર નીકળી જાય અને અશુદ્ધિથી મુક્ત થયેલું લોહી પાછું ફેફસા પાસે જઈ પ્રભુનું સત્ત્વ ધારણ કરીને શરીરના અંગોને અર્પણ કરી દે. આ બધી ક્રિયામાં મનનો પુરુષાર્થ નથી, પણ ભગવત્ ભાવની ચેતનાનું એટલે કે ઊર્જા શક્તિનું સંચાલન છે.

         અખંડ ક્રિયાનું આવું સંચાલન જાણીને જે મનની અહમ્ વૃત્તિ નમે, તે છે ભક્તનું સ્વરૂપ. ભજન-કીર્તન ગાય એટલું સીમિત વર્તન ભક્તનું ન હોય. એ તો ભગવત્ ભાવની ચેતનાનાં સાત્ત્વિક ગુણોને પ્રગટાવતી જ્ઞાતા વૃત્તિનું આસન છે. જ્ઞાતા વૃત્તિનું ભક્તિભાવનું આચરણ એટલું મુશ્કેલ નથી. માનવીને તે મુશ્કેલ લાગે છે કારણ સ્વયંને જાણવાની, કે સ્વયંની ગુણિયલતાને અનુભવવાની તરસ જાગતી નથી. જ્ઞાતા વૃત્તિને ખીલવવા માટે સદ્વિચારોનું અધ્યયન જરૂરી છે. અધ્યયનને જીવનમાં અગ્ર સ્થાને રાખીએ તો મનનો સાત્ત્વિકભાવ જાગૃત થાય. ભાવની જાગૃતિથી જ સ્વયંને અનુભવવાની અંતર યાત્રા થઈ શકે. એટલે જિજ્ઞાસુ ભક્ત તન-મનની ક્રિયાનો ભાવાર્થ તથા પ્રકૃતિમાં થતી સર્જન-વિસર્જનની ક્રિયાનો સંદર્ભ સમજવાનો પુરુષાર્થ કરે. જેથી પ્રભુની ચેતનવંત ઊર્જાથી થતી ક્રિયાઓને જાણીને અહમ્ વૃત્તિનું સમર્પણ થાય અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની પ્રતીતિ સાત્ત્વિકભાવથી થતી જાય. સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતાં આ અક્ષર શબ્દોમાં સ્નાન કરીએ.

 

         મનની અંદરના માહ્યરામાં રોજ રોજ ડોકિયાં કરો અને પૂછજો કે આ તું કોણ છે?

         અંગોની વિવિધ પ્રક્રિયા સતત થાય છે, ઊંઘતા કે જાગતાં કોણ કરે છે આ નોકરી?

         માનવી રૂપે જન્મ લીધો, પણ શ્ર્વાસ અંદર અને બહાર કાઢતાં કોણ આવી શીખવાડે છે?

         આંખોમાં તેજ પૂરી અંધારામાં દેખાડે, કોણ છે આ અંધકાર અને પ્રકાશનો અધિપતિ?

         જીભના સ્વાદ રોજ બદલાય છતાં જૂનાની યાદ ત્વરિત આપે, કોણ છે આ સ્વાદ ધરનાર?

         વિશાળતાના આવા વિચારો મન જો કરતું રહે, તો સ્વ આવી સ્વયં આપશે ઓળખાણ. (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
ત્યારે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય

જિજ્ઞાસુ ભક્તો મોટેભાગે પોતાના સંસારી જીવનના નિયત કાર્યોને, કે પ્રવૃત્તિઓને નક્કી કરેલાં સમયમાં તથા અમુક પદ્ધતિથી કરે. જેથી સત્સંગની પ્રવૃત્તિ માટે, કે અભ્યાસ-વાંચન માટે વધારે સમય ફાળવી શકાય. પરંતુ મનથી જે કરવાનું વિચાર્યુ હોય અથવા નિશ્ર્ચિત સમયની મર્યાદામાં કાર્ય પૂરું કરવાનું નક્કી કર્યું હોય, ત્યારે ઘણીવાર ન ધારેલી ઘટના ઘટે અને જે રીતે વિચાર્યું હોય એ રીતે કાર્ય થાય નહિ. એટલે વધારે સમય સંસારી કાર્યો પાછળ વપરાઈ (વેડફાઈ) જાય, ત્યારે જિજ્ઞાસુ ભક્તની મુંઝવણ કે અકળામણ ક્યારેક ગુસ્સા રૂપે પ્રગટ થાય. એનો ગુસ્સો થોડી ક્ષણોનો હોય, પણ ગુસ્સાની પ્રતિક્રિયાથી પરિવારના સભ્યો કે બીજા સત્સંગીઓ ભક્તના અકળાયેલાં મનના ગુસ્સા જેવા અગ્નિમાં ઘી હોમવા જેવું બોલે કે, "આટલાં વર્ષોથી સત્સંગ કરો છો, આધ્યાત્મિક અધ્યયન કરો છો છતાં મન પર કાબૂ નથી?” આવી ટકોરથી મન વધુ બેચેન થઈ મુંઝવણમાં આળોટે. કારણ સ્વયંને જાણવાની અંતર યાત્રામાં મનની પ્રતિક્રિયા ઓછી થાય એવો સંયમ કે તટસ્થભાવ જાગૃત થવો જોઈએ. પરંતુ વૃત્તિ-વિચારોને અંતરની સૂક્ષ્મતા તરફ ઢાળવા, કે તટસ્થતા કેળવવી જેટલી સહેલી વાત નથી. મનના વૃત્તિ-વિચારોનું સ્વરૂપ આપણે પોતે કરેલાં કર્મના ફળ રૂપે ઘડાય છે. જેવાં અતૃપ્ત ઈચ્છાઓના સંસ્કારો તે મુજબ વૃત્તિ-વિચારોનું સ્વરૂપ ઘડાય અને તે છે માનવીના સ્વભાવનું ઘડતર. એટલે ઘડાયેલા સ્વભાવ અનુસાર ક્રિયા કે પ્રતિક્રિયાનું વર્તન ધારણ થાય છે.

         ઘડાઈ ગયેલા આવા સ્વભાવનું પરિવર્તન કરવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગનો પુરુષાર્થ કરવો પડે, પણ પુરુષાર્થ માટેનો પ્રયાસ થાય ત્યારે સ્વભાવ તરત બદલાતો નથી. નીતિ-નિયમો અનુસાર સ્વ અધ્યયનથી મનને કેળવવા છતાં પોતાનાં મનને અંતર યાત્રા તરફ ઢાળવાની કેટલી મુશ્કેલી અનુભવાય અથવા કેટલું સરળ લાગે, તે દરેક ભક્ત પોતે જ જાણે છે. આટલાં શબ્દોથી મનની પ્રતિક્રિયાની અકળામણ વિશે જાણ્યાં પછી એટલું સમજવું જોઈએ કે, જે માનવી જ્ઞાન-ભક્તિના સત્સંગથી અંતર યાત્રા કરવાનો પુરુષાર્થ કરતો હોય, તેની ભૂલો વિશે બીજા સત્સંગીઓએ કે પરિવારના સભ્યોએ કદી વારંવાર હાલતાં ને ચાલતાં ટોકવું ન જોઈએ. સંસારી જવાબદારીના કાર્યો કરવાની સાથે અંતરની સૂક્ષ્મ યાત્રા માટે મનને કેળવવા પાછળ બીજા ઘણાં પરિબળોની અસર હોય છે. તે પરિબળોનો ઘણીવાર સહયોગ મળે અથવા ન પણ મળે, તેનાં વિશે જાણી નથી શકાતું, પણ ગુરુ જેવા જ્ઞાની ભક્તો જાણકાર હોય છે. તેથી ઘણીવાર જિજ્ઞાસુ ભક્તોની મૂંઝવણને તેઓ આશ્ર્વાસન આપીને મનના પુરુષાર્થને પ્રોત્સાહિત કરે છે. તેથી મનોમન એટલું સાંત્વન આપણે પોતે જ ધરવું જોઈએ કે, સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવ જો આ જીવનમાં જાગૃત થયો છે, તો એની સાત્ત્વિક વૃત્તિના સંસ્કારો મનમાં સમાયેલાં જ છે. તે વૃત્તિઓનાં લીધે જ સાત્ત્વિક વિચારોનું અધ્યયન કે અભ્યાસ કરવાનું મનને ગમે છે.

         એવા સાંત્ત્વન રૂપે એટલી સ્પષ્ટતા જરૂરી છે કે, મનમાં લૌકિક સંસારની વૃત્તિઓનાં સંસ્કારો પણ છે. એટલે લૌકિક વસ્તુ, વ્યક્તિ, કે વાતાવરણ સાથેના સંબંધોને માણવાની કે ભોગવવાની ઈચ્છા વૃત્તિઓના જે સંસ્કારો મનમાં સ્થપાયેલાં છે, તે વિચાર-વાણીના વર્તનથી પ્રગટ થાય એવી ઘટનાઓ ઉદ્ભવતી રહેશે. તેથી આકસ્મિક ઘટનાઓના પ્રતિકૂળ સંજોગોમાં મન મૂંઝાઈ જાય તે સ્વભાવિક છે. મૂંઝવણના લીધે અણગમો  દર્શાવતું નકારાત્મક વર્તન થાય, ત્યારે પોતાના મનને કર્મ-ફળના સિદ્ધાંતની હકીકતથી સમજાવવું જોઈએ. જેથી ઉદ્વેગ કે આક્રોશની પ્રતિક્રિયામાં મન સતત વીંટળાયેલું ન રહે. પ્રતિક્રિયામાં મન જો વીંટળાયેલું રહે તો સાત્ત્વિકભાવને જાગૃત કરાવતી અંતર યાત્રા નિષ્ક્રિય થઈ જાય. મનની સૂક્ષ્મતાને, કે વિશાળતાને, કે સાત્ત્વિકતાને જાગૃત કરાવતી સ્વમય ચિંતનની અંતર યાત્રાની એક સહજ ક્રિયા હોય છે. તે ક્રિયાને મનનો દૃઢ નિશ્ર્ચય, શ્રદ્ધા, જિજ્ઞાસા તથા નિ:સ્વાર્થ પ્રેમભાવનું વર્તન વેગવંત રાખે છે. તેથી જ્યારે પણ ચિંતનના બદલે ઉદ્વેગભર્યા વિચારોમાં મન ફરે, ત્યારે એક બાળકને પ્રેમભાવથી સમજાવીએ તે રીતે પોતાના મનને વાળવું જોઈએ. આજુબાજુવાળા જે પણ ટકોર કરે તે સાંભળીને પોતાની ભૂલ નથી એવો નિર્ણય જો કરતાં રહીશું, તો પ્રતિક્રિયા થશે અને ભૂલ છે કે નથી, તે દર્શાવતી સમીક્ષા થયાં કરશે.

         ભૂલ થઈ છે કે નથી અથવા અમુક ઘટના કે સંજોગોના લીધે ભૂલ થઈ છે એવી સમીક્ષા કરવામાં મનની અહમ્ વૃત્તિ વધુ દૃઢ થાય છે. એનાં કરતાં સંજોગો કે ટકોર કરનાર વ્યક્તિનો આભાર મનોમન માનવો જોઈએ. મનની ભીતરમાં છૂપાયેલી અહમ્ વૃત્તિ જ પ્રતિક્રિયા રૂપે પ્રગટે છે. એટલે પોતાની અહમ્ વૃત્તિનું દર્શન કરાવનાર સ્થિતિ જિજ્ઞાસુ ભક્ત માટે પથ દર્શક સમાન છે. જ્યાં સુધી અહમ્ વૃત્તિની હસ્તી છે, ત્યાં સુધી સ્વયંની ગુણિયલ સાત્ત્વિકતા સુષુપ્ત રહે છે. એટલે જાગૃતિની અંતર યાત્રામાં જિજ્ઞાસુ ભક્ત શરણભાવની ભક્તિથી સજાગતા કેળવે છે. તેથી અહમ્ વૃત્તિના ડોકિયાં થાય ત્યારે જે પણ પ્રતિક્રિયા મનથી પ્રદર્શિત થાય તેને સ્વાભાવિકતાથી સ્વીકારી, ભૂલના એકરાર સાથે મનને સમતોલ રાખવાનો પ્રયત્ન કરવો. જેથી અહમ્ વૃત્તિને વિલીન કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન લીન થઈ શકે. અંતે એક વધુ સ્પષ્ટતા કે, ‘હું આત્મ સ્વરૂપ છું અને સ્વ અનુભવની અંતર યાત્રા કરું છું’, એવી સૂક્ષ્મ અહમ્ વૃત્તિ કદી પોતાના પુરુષાર્થથી ઓગળતી નથી. એ તો અંતરધ્યાન રૂપે પ્રકાશિત દિવ્યતામાં વૃત્તિઓ ઓગળતી જાય. પછી હું છું એવું અસ્તિત્વ એકમની ગતિમાં સ્થિત થાય, ત્યારે અહમ્ વૃત્તિની નિવૃત્તિ આપમેળે થાય.

 

         સ્વમય જાગૃતિના ઝબકારા જેણે અનુભવ્યાં, તેણે જીવતાં જ અંતર જીવનના જવાબ મળ્યાં;

         અંતરની શાંતિમાં જેને સુખની ચાવી જડી, તેને ભગવત્ ભાવની પ્રીતના અણસારા મળ્યાં;

         અંતરધ્યાન રૂપે જે અનુભવે ભગવત્ ભાવની પ્રીતને, તે અંતરની પ્રકાશિત ગતિમાં ભળી જાય;

         ભળી જવાની એકમની ગતિમાં એકરૂપ થવાય, ત્યારે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય.  (ક્રમશ:)

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રાણ પૂરો ત્યારે પ્રેમની પ્રસાદી આપજો

માનવ જન્મની શ્રેષ્ઠતાને ત્યારે જ અનુભવી શકાય, જ્યારે તન-મનનાં જોડાણવાળો જે વિશિષ્ટ દેહ મળ્યો છે, તે દેહ રૂપી સાધનના સહારે જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણમાં મન તરબોળ થાય. આપણને સૌને આ સાધન પ્રાપ્ત થયેલું છે. એની પ્રાપ્તિ રૂપિયા ખર્ચીને થઈ નથી, પરંતુ સાત્ત્વિક ભાવ રૂપી ધનથી તેની પ્રાપ્તિ થઈ છે. માનવી જો ભાવ રૂપી ધનની મહત્તાને સમજે, તો મારું-તારુંના ભેદભાવમાં એને ફરવું ગમશે નહિ. જેમ ઘરનું કામ કરવા માટે નોકર રાખવાની સુવિધા પ્રાપ્ત થઈ હોય, તો ઘરનું કામ કરવામાં આપણે સમય નહિ બગાડીએ, પણ મનનો વિકાસ થાય એવાં બીજા કાર્યોની પ્રવૃત્તિ કરીશું. એ જ રીતે માનવીને પોતાના દેહ રૂપી સાધનની શ્રેષ્ઠતાનો સંકેત જો મળી જાય અને તે સંકેત-જ્ઞાનની સમજ પણ ગ્રહણ થઈ જાય, તો પોતાના સાધનનો સદુપયોગ થાય એવાં સાત્ત્વિક આચરણ તરફ મન ઢળતું જશે. આટલું વાંચ્યા પછી આપને થશે કે સંકેત-જ્ઞાન મુજબની સમજ તો છે, છતાં મન સાત્ત્વિકતા તરફ ઢળતું નથી. એનું કારણ એ છે, કે સ્વભાવની નબળાઈના લીધે પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠતાનો સદુપયોગ યથાર્થ રૂપે થતો નથી. આ વાક્ય વાંચીને આપ પાછું વિચારશો કે એમાં નવું શું જણાવ્યું. કારણ દરેક માનવી પોતાના સ્વભાવના લીધે જ સફળતા કે નિષ્ફળતાને પામે છે. એટલે મુખ્ય પ્રશ્ર્ન છે પોતાના સ્વભાવનું પરિવર્તન થાય એવા સાત્ત્વિક વર્તન તરફ મનને ઢાળવાનો.

         સ્વભાવનું પરિવર્તન કંઈ થોડાં દિવસ માટે ગુરુનાં સાંનિધ્યમાં રહેવાથી, કે સત્સંગ-અભ્યાસ કરવાથી થતું નથી. વળી ઘણાં માનવીઓને પોતાનો સ્વભાવ બદલવાનું રુચિકર લાગતું નથી. તેઓ માને છે કે, ‘બીજાઓએ તેઓનો સ્વભાવ બદલવો જોઈએ. મારો સ્વભાવ તો યોગ્ય જ છે.’ એવા લોકોનું માનસ બીજાના સ્વભાવની ભૂલોનું દર્શન વારંવાર કરશે અને પોતાની ભૂલોને છાવરવાનો પ્રયત્ન કરશે. એવાં સંકુચિત માનસવાળા લોકો બીજાના સ્વભાવને વખોડ્યાં કરશે અને જેઓ સાત્ત્વિકભાવ તરફ ઢળવાનો પ્રયત્ન કરતાં હોય તેઓની હાંસી ઉડાવશે. કારણ એ લોકો પોતાને અનુભવી વ્યવહારકુશળ(પ્રેકટીકલ) માને છે. એટલે નકારાત્મક દૃષ્ટિકોણથી જણાવે, કે કૂતરાની પૂંછડી જેમ વાંકી જ રહે છે તેમ સ્વભાવ બદલાતો નથી. પરંતુ એવું માનનારાઓ જાણતાં નથી કે, ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’. અર્થાત્ દૃઢ નિશ્ર્ચયથી જો કીડી જેવો અથાગ પ્રયત્ન થાય તો મનનું પરિવર્તન થઈ શકે છે. જરૂરત છે કીડીની જેમ નિષ્ઠાપૂર્વક વારંવાર પ્રયત્ન કરવાની. ઘણી બધી કીડીઓનું બળ ભેગું થતાં જેમ મરેલા સાપને કીડીઓ પોતાના દર તરફ ખેંચી શકે છે, તેમ મનનો જિજ્ઞાસુભાવ સ્વને જાણવાનો પુરુષાર્થ સતત કરે તો એવાં સતત થતાં પુરુષાર્થી બળથી સ્વભાવમાં ચોક્કસ પરિવર્તન આવે છે.

         એક હકીકતને ભૂલવી ન જોઈએ કે કૂતરાની પૂંછડી તો વાંકી જ રહે. કારણ તે એનાં શરીરના અવયવનો આકાર છે. કોઈ પણ શરીરના આકારના ઘાટને બદલી ન શકાય. પરંતુ મનનું સ્વરૂપ જે નિરાકારિત છે તેને સાત્ત્વિક વિચારોના અધ્યયનથી ચોક્કસ બદલી શકાય છે. જે મન માત્ર રાગ-દ્વેષ-ક્રોધ-ઈર્ષ્યા વગેરે ભેદભાવના વર્તનમાં જ ફરતું રહે છે, તે જો આકાર અને નિરાકારના અજોડ સંબંધની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરે, તો મન સાત્ત્વિકભાવની દિશામાં કોઈ પણ સંશય વગર પ્રયાણ કરતું રહેશે. સત્સંગની યાત્રા નિરાકારિત સ્વરૂપની હોવાંથી ઘણીવાર જિજ્ઞાસુ ભક્તના મનમાં સંશય જાગે છે. કારણકે જો કોઈક તીર્થધામના સ્થળે જવાનું હોય, તો તે સ્થળનું સ્થાન ભૂમિ પર હોવાંથી ત્યાં પહોંચી શકાય છે. પરંતુ સત્ ભાવનો સંગ કરાવતી સત્સંગની યાત્રાથી કોઈ આકારિત સ્થળે પહોંચવાનું નથી. એટલે જિજ્ઞાસુ મનથી પ્રયત્ન ઘણાં થાય, પણ સ્વભાવનું પરિવર્તન જોઈએ એટલાં પ્રમાણમાં ન થાય ત્યારે મન મુંઝાય. કોઈકવાર પ્રભુ કૃપા રૂપે સ્વ અનુભૂતિમાં સ્થિત થવાય અને પ્રકાશિત દર્શનની ઝાંખી પણ થાય અથવા કેટલીવાર પ્રારબ્ધગત જીવનની દુ:ખદ ઘટનામાં મન વિહ્વળ થઈ જાય ત્યારે સંશય જાગે કે, પોતે જે અંતર યાત્રાનો પુરુષાર્થ કરે છે તે યોગ્ય છે કે નહિ, અથવા ઘણીવાર પોતાના ગુરુના માર્ગદર્શન માટે પણ સંશય જાગે.

         સંશય કે સંદેહ પાછળ અહંકારી માનસ કારણભૂત છે. જ્યાં સુધી હું પદની આહુતિ અર્પણ નથી થતી ત્યાં સુધી વૃત્તિ-વિચારોમાં સ્વાર્થ હોય છે. હું આધ્યાત્મિક યાત્રા કરું છું એટલે મને યાત્રાનું ફળ મળવું જ જોઈએ. આવી માન્યતાની જડતામાં અહંકારી અજ્ઞાનતા જડાયેલી છે. હકીકતમાં આધ્યાત્મિક યાત્રા એટલે જ હું પદનું સમર્પણ થવું, એટલે યાત્રા રૂપે ચિંતન જો થાય અને સ્વ જ્ઞાનમાં મન સ્થિત થાય તો સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય. એવી જાગૃતિમાં હુંની વ્યક્તિગત સીમિત વૃત્તિઓ વિલીન થતી જાય. પાણીનું ટીપું પોતાને ટીપું માને, એવી છે મનની હું પદની વૃત્તિ. પરંતુ ટીપું પોતે પાણી છે એ રીતે મન સ્વ જ્ઞાનથી જીવે તે છે હું પદનું સમર્પણ. પછી સંશય કે સંદેહ ન રહે, પણ આકારમાં સમાયેલી નિરાકારિત ચેતનાના પ્રભાવને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગે. તે જિજ્ઞાસાનો અગ્નિ ભક્તિભાવથી પ્રબળ થાય, તો કીડી કરતાં પણ અધિક દૃઢ નિશ્ર્ચયના પુરુષાર્થથી હુંનું સમર્પણ થાય એવી ભક્તિમાં તલ્લીન રહેવાય. એવી ભક્તિના સ્વમય ચિંતનમાં ઈન્દ્રિયોની માધ્યમ સ્વરૂપની મહત્તા પરખાય, ત્યારે અંતર ઈન્દ્રિયોને જાગૃત કરવાની વિનંતિ થાય. જેથી અંતર ભક્તિ રૂપે વૃત્તિઓ અંતરધ્યાનસ્થ રહે અને પ્રકાશિત દર્શનમાં નકારાત્મક સ્વભાવની વૃત્તિઓ ઓગળતી જાય.

 

         પ્રાણ પૂરો ત્યારે પ્રેમની પ્રસાદી આપજો હરિ, કદી પ્રસાદી આપને ધરું તો કામ લાગશે હરિ;

         આંખો આપો ત્યારે દિવ્ય તેજ આપજો હરિ,

ક્યારેક અવતાર તમે લ્યો તો જોવાને કામ લાગશે હરિ;

         કાન આપો ત્યારે વેદ-શ્રુતિનો નિચોડ આપજો હરિ, સ્વ જ્ઞાનમાં તરતાં એની યાદ આવશે હરિ;

         નાક આપો ત્યારે એમાં આપનો શ્ર્વાસ પૂરજો હરિ,

શ્ર્વાસ જશે ત્યારે આપનું નામ યાદ આવશે હરિ;

         હાથ આપો ત્યારે આપનો સહારો આપજો હરિ, ક્યારેક સંતોનો ભેટો થાય તો યાદ આવશો હરિ;

         પગ આપો તો સાથે ઝાંઝરની એવી ગતિ આપજો હરિ,

ગોપી મળશે તો તમારી યાદ આપશું હરિ.

(ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
ભક્તની ભક્તિ એટલે પ્રભુ સાથેના ઐક્યની પ્રતીતિ

જીવન સૌ જીવે, પણ પ્રભુ સ્મરણના શુભ સમયનો ખ્યાલ કોઈને આવતો નથી;

ઈન્દ્રિય ભોગ ભોગવે, પણ પ્રભુ ભક્તિમાં સ્થિત થવાનો ખ્યાલ કોઈને આવતો નથી;

માનવી ભેદભાવમાં રહે, સ્વાર્થની મહેલાતો ઘડતો રહે અને નિર્મળ પ્રેમને ઝંખે;

ભાડાની આ દુનિયામાં રહીને, ભવભવના ભાડા ભરવા જોઈશે અંતર ભાવનું ધન.

 

         જીવંત જીવન એટલે અટક્યા વગર થતી અનેક પ્રકારની ક્રિયાઓ. આપણાં શરીર રૂપે થતી ક્રિયાઓ, મન રૂપે થતી ક્રિયાઓ તથા બાહ્ય જગતની પ્રકૃતિ રૂપે થતી ક્રિયાઓ. આ અસંખ્ય ક્રિયાઓને આંખોથી જોઈ ન શકાય. આ ક્રિયાઓ પ્રભુની ઊર્જા શક્તિના આધારે થાય છે. આપણાં શરીરની રચના અણગીન જીવકોશના(સેલ) સંગઠનથી થઈ છે. આ જીવકોશ એટલે જ નિરંતર થતી અનેક ક્રિયાઓનું સ્થાન અને માનવ શરીરમાં લગભગ સો લાખ કરોડ જેટલાં જીવકોશ છે. આ હકીકતને વૈજ્ઞાનિકોએ કરેલાં સંશોધનથી આપણે સ્વીકારીએ છીએ. તેથી એટલું સમજી શકાય છે કે શરીરની ક્રિયા જો ઊર્જાની ચેતનાથી થતી હોય, તો મનની ક્રિયાઓ પણ તે જ ઊર્જાની ચેતનાથી થતી રહે છે. ચેતનાના આધારે મન વિચારી શકે છે, સમજી શકે છે અને ઈન્દ્રિયોના સહારે પદાર્થો કે વિષયોને ભોગવવાનો આનંદ પણ માણી શકે છે. આમ તન-મનની જીવંત સ્થિતિ રૂપે હું જીવું છું, પણ તે જીવંત સ્વરૂપની ક્રિયાઓને હું જોઈ શકતો નથી, કે એને બુદ્ધિથી પૂર્ણ રૂપે સમજી શકતો નથી. સામાન્ય રૂપે માનવી પોતાના તન-મનની ક્રિયાત્મક સ્થિતિ વિશે વિચારતો નથી. કારણ માનવી એટલું જ જાણે છે કે શરીરને અન્ન, પાણી જોઈએ, પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે ઘર જોઈએ તથા મનને વિષય ભોગની મજા જોઈએ. એટલે શિક્ષણની પદવી મેળવીને પોતાને ગમે એવાં અન્ન, વસ્ત્ર, ઘરની પ્રાપ્તિ માટે કમાણી કરવાનો પુરુષાર્થ સૌ કરતાં રહે છે. આવી પ્રાપ્તિનો ધ્યેય સામાન્ય દૃષ્ટિએ આ પૃથ્વી પર વસવાટ કરનારા દરેક માનવીનો હોય છે.

         ખાવું, પીવું, વૈભવી સુખ સગવડોથી જીવવું અને ઉપભોગી પદાર્થોનાં સંગમાં મોજ મસ્તીનું જીવન સૌ જીવે છે. તેની નિંદા કરવાનો આશય નથી. પરંતુ માનવીને મન રૂપી શ્રેષ્ઠ વાહન મળ્યું છે, તે વાહનનો ઉપયોગ રાગ-દ્વેષાદિ વર્તનથી કરતાં રહીએ, તો વાહનની કળાત્મક વિચારોની સાત્ત્વિકતા, રચનાત્મક વિચારોની સૂક્ષ્મતા, કે સમજવાની કૌશલ્યતા કુંઠિત થાય છે. જે લોકોને ઉત્તમ પેન વાપરવાનો શોખ હોય તેઓ મોબ્લાં કે વોટરમેન કંપનીની મોંઘી પેન વાપરે. આવી મોંઘી પેનનો ઉપયોગ નાનું બાળક રમકડાંની જેમ રમે એ રીતે ન થાય. મોંઘી પેન હોય કે કિંમતી દાગીના હોય, તેની કિંમત જાણનારા, કે તેની ઉત્તમતાને જાણનારા, એનો ઉપયોગ કદી અણસમજુ બાળકની જેમ નહિ કરે. એ જ રીતે પ્રભુની ચેતનાના અંશ રૂપે પ્રાપ્ત થયેલાં મનની શ્રેષ્ઠતાને જે જિજ્ઞાસુ ભક્ત જાણે છે, તે પોતાના મનનું કૌશલ્ય કુંઠિત થાય એવા રાગ-દ્વેષના સ્વાર્થી વર્તનથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે. એવાં પુરુષાર્થ રૂપે સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મનને સ્થિત રાખે, જેથી સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થાય. વાહનની શ્રેષ્ઠતાને પ્રથમ જાણવી જોઈએ. એવી જાણ માટે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં મનને સ્થિત રાખવું જોઈએ.

         વાસ્તવમાં માનવી અથવા જીવંત દેહધારી સર્વે કૃતિઓ ભક્ત સ્વરૂપની છે. કારણ પ્રભુની ચેતનાનું ઊર્જા ધન દરેકને શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે પ્રાપ્ત થતું રહે છે. એટલે પ્રભુની ચેતનાથી હું વિભક્ત(જુદો) નથી, એ સત્યને જે અનુભવે, તે છે ભક્તનું સ્વરૂપ. ભક્તની ભક્તિ એટલે પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવતું સાત્ત્વિક આચરણ. એવા આચરણમાં કર્મોની ગાંઠીઓનું બંધન છૂટતું જાય. ભક્ત દ્વારા જ્યારે ભજન, સ્તુતિ, કે કીર્તનનું સ્ફુરણ પ્રગટ થાય, ત્યારે તે પ્રગટ થયેલાં અક્ષરોમાં પ્રભુ સાથેની અભિન્નતાનું દર્શન હોય અથવા પ્રભુ સાથેની ઐક્યતામાં જે અહંકારી અવરોધક વર્તન છે તેનાંથી મુક્ત થવાંની વિનંતિ હોય અથવા પ્રભુની આત્મીય ચેતનાના દર્શનની અભિલાષા હોય અથવા સ્વ જ્ઞાનનું નિરૂપણ હોય. આમ ભક્ત એટલે જેની પાસે જીવંત જીવન જીવવાની સ્પષ્ટ સમજ છે. જીવવાનો હેતુ તે જાણે છે કે, પ્રભુ સાથેની ઐક્યતાને માણવા માટે મનનું શ્રેષ્ઠ વાહન મળ્યું છે એટલે તન રૂપી ઘરમાં પોતે વસવાટ કરી રહ્યો છે. શરીર રૂપી ઘરમાં રહેવાનું ભાડું તે ભક્તિ ભાવથી, સ્વમય ચિંતનની અંતર યાત્રાથી અર્પણ કરતો રહે છે.

         ઈંટ-સિમેન્ટથી બનેલાં મકાનમાં આપણે સૌ રહીએ છીએ. મકાન કે ફ્લેટને ખરીદવા માટે અથવા એમાં ભાડેથી રહેવા માટે કાગળની નોટનું-રૂપિયાનું ધન જોઈએ. રૂપિયાના ધન વગર શરીરને રહેવાનું ઘર ન મળે, કે ખાવાનું અન્ન ન મળે, કે શરીરને ઢાંકવા માટે વસ્ત્રો પણ ન મળે. આ હકીકતનો ખ્યાલ જેમ આપણે મોટા થતાં ગયાં તેમ સ્પષ્ટતાથી આવ્યો તથા રૂપિયાની કમાણી કરતાં કરતાં આ હકીકત મનમાં કેન્દ્ર સ્થાને રહી. એટલે ઘર, અન્ન, વસ્ત્રની પ્રાપ્તિમાં જ મન ફરતું રહ્યું. વ્યવહારિક જીવન જીવવા માટે ઘર-અન્ન-વસ્ત્રની પ્રાપ્તિ જેટલી જરૂરી છે, તેટલી જીવંત જીવન જિવાડનાર પ્રભુની ચેતનાનો આભાર માની, તે ચેતનાની દિવ્યતા કે સાત્ત્વિકતા પ્રગટે એવાં વર્તનમાં સ્થિત થવું પણ એટલું જ જરૂરી છે. સાત્ત્વિક વર્તનના પ્રેમભાવથી ભવોનું ભાડું ભરવા માટે ભક્ત સદા વિનંતિપૂર્વક અહોભાવ પ્રગટાવતો રહે.

 

આ સૃષ્ટિમાં અમે શ્ર્વાસ લઈએ આપના થકી,

હર ઘડી અમે જીવીએ પ્રભુ આપનાં થકી;

અમે જન્મ લીધો શ્ર્વાસ મૂક્યો કૃપા એ આપની,

હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપની;

         અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપની,

         હવે અમીદૃષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપનો;

         અમે આવીને ઘણાં પાપો કર્યા, પ્રભુ વહાલથી સ્વીકારજો,

         હવે ચરણમાં અમને રાખજો, પ્રભુ વિનંતિ છે બસ આટલી.  (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
વ્યથાની કથા ભુલાય ત્યારે ભગવાન સાથે સંબંધની સ્મૃતિ થાય

ભગવત્ ભાવ રૂપી તીર્થ છે ભક્તનો સમર્પણ ભાવ, તે તીર્થમાં જ્ઞાન-ભક્તિનાં નીર વહે;

તે નીર પ્રસરાવે પ્રેમ ભાવનાં ઊર્જા સ્ત્રાવને અને સમતોલ દૃષ્ટિની જાગૃતિને;

તે નીરની આચમની જેને મળે, તે મન સંસારી વ્યથાઓના ભારથી મુક્ત થાય;

વ્યથાની કથા પછી ભુલાતી જાય અને ભગવાન સાથેના આત્મીય સંબંધની સ્મૃતિ થાય.

 

         ભક્તિ એટલે કોઈક પ્રવૃત્તિ કરવાનું કાર્ય નથી. કારણ ભક્તિનું સ્વરૂપ ભગવાનની ભગવત્ ભાવની શક્તિનું છે. તે શક્તિ સર્વેમાં ઊર્જાની ચેતના સ્વરૂપે પ્રસરતી રહે છે. એટલે ભગવાનની શક્તિનું ભક્તિ સ્વરૂપ દરેક જીવંત કૃતિઓની ભીતરમાં સમાયેલું છે. તેથી કોઈ કાર્ય કરીને પરિણામ રૂપે મેળવવાની તે પ્રવૃત્તિ નથી. જે સૌની ભીતરમાં છે, જેનાં સૂક્ષ્મ તરંગો સર્વત્ર પ્રસરતાં રહે છે, તે ભગવાનની ઊર્જાની ચેતનાનો જો અહોભાવની શરણાગતિથી સ્વીકાર થાય, તો ભગવાનનો ભગવત્ ભાવ મનમાં નિ:સ્વાર્થ ભાવની ભક્તિ રૂપે જાગૃત થાય. જેમ રાત્રિના અંધકારમાં સૂર્યનો પ્રકાશ નથી જણાતો, એટલે એવું નથી કે સૂર્યની ગેરહાજરી છે. એ તો પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિનાં લીધે દિવસ-રાતનો અનુભવ પૃથ્વીવાસીઓને થાય છે. તેમ સૂર્ય રૂપી ભગવાનની ભગવત્ ભાવની શક્તિ દરેકના મનની ભીતરમાં સમાયેલી છે. પૃથ્વી રૂપી મન બાહ્ય જગતનાં વિચારોમાં ફરતું રહે છે. એટલે ભગવાનની શક્તિનો અહેસાસ થતો નથી અથવા ભગવત્ શક્તિનો દિવ્ય ભાવ મનથી અનુભવાતો નથી. ભીતરમાં સમાયેલાં ભગવત્ ભાવની પ્રતીતિ જો સ્વ જ્ઞાન રૂપે થાય, તો અહોભાવથી ભગવાનની હાજરીનો સ્વીકાર દરેક કાર્યમાં થાય. પછી પ્રતીતિ રૂપે ઊર્જાની ચેતનાના વિદ્યુતિ સ્પંદનોનું સંવેદન ઝીલી શકાય અને વ્યવહારિક કાર્યો નિષ્કામ ભાવથી થતાં જાય.

         જ્ઞાની ભક્તમાં ભગવત્ ભાવનું સંવેદન ધારણ થાય, તેને કહેવાય ભક્તિનું સદાચરણ. એવાં સંવેદનથી સ્વ જ્ઞાનમાં સ્નાન થતું જાય અને વિચારવાની રીતિ પછી બદલાતી જાય. અર્થાત્ પહેલાં જે વિચારોમાં કામ, ક્રોધ, રાગ-દ્વેષ વગેરે અજ્ઞાની સ્વભાવનો અહંકાર હતો, તે વિચારોમાં ભક્તિના આચરણથી ભગવત્ ભાવની સાત્ત્વિકતા પરોવાતી જાય. આમ માનવીએ માત્ર જાણવાનું છે કે, સર્વવ્યાપક ભગવાનની શક્તિ સર્વેમાં સમાયેલી છે. જાણકાર મનમાં ભગવાનના ભગવત્ ભાવને જાગૃત કરવાની જિજ્ઞાસા જાગે. સ્વયંમાં સુષુપ્ત રહેલાં ભગવત્ ભાવને જાગૃત કરવાની જિજ્ઞાસા ગુરુના સાંનિધ્યમાં શ્રવણ, અભ્યાસ, અધ્યયનથી તૃપ્ત થાય ત્યારે ભગવત્ ભાવની ચેતનાનો અહેસાસ થાય. જે મનને સૂક્ષ્મ સૃષ્ટિની સમજમાં તરાવે અને મનની અજ્ઞાનતા વિલીન થતી જાય. તેથી ભીતરમાં સુષુપ્ત રહેલાં ભગવત્ ભાવને જાગૃત કરવાની તડપ એટલે કે સ્વ અનુભૂતિની તરસ જિજ્ઞાસુ ભક્તમાં સદા રહે છે. એવી અંતર જાગૃતિ માટે એનું મન તડપે કે, ‘મારી ભીતરમાં જ ભગવાનનો અમૂલ્ય ભગવત્ ભાવનો સ્ત્રોત છે. તે સુષુપ્ત હોવાં છતાં અલ્પ અંશમાં ઊર્જાની ચેતના રૂપે તન-મનમાં પ્રગટતો રહે છે. આ ચેતનાના લીધે જ હું જીવંત જીવન જીવી શકું છું. તે સુષુપ્ત ભગવત્ ભાવ જો જાગૃત થાય, તો મારું મન જે ભગવત્ ભાવની ચેતનાનો અંશ છે, તે પોતે જ ભગવત્ ભાવનું એટલે કે ભક્તિનું આસન બની જાય.’

         મન જો ભક્તિનું આસન બની જાય તો ઈંટ-સિમેન્ટના મંદિરોમાં ભગવાનના દર્શન કરવા જવું નહિ પડે. કારણ ભગવાનનો ભગવત્ ભાવ જાગૃત થતાં મન પોતે જ ભગવાનનું મંદિર બની જાય. આવી જાગૃતિની તરસને તૃપ્ત કરાવતાં જ્ઞાન-ભક્તિનાં આચરણમાં, કે સ્વમય ચિંતનમાં મન લીન થાય પછી અહંકારી વૃત્તિઓનું પરિવર્તન થતું જાય. આકારિત કૃતિઓના બાહ્ય દેખાવનો તોલમાપ કરવાનું પછી મનને ગમશે નહિ. પરંતુ આકારોની ભીતરમાં સમાયેલી નિરાકારિત ચેતનાની હાજરીનો અહેસાસ થતો જાય. એવાં અહેસાસ રૂપે મનમાં સાત્ત્વિક વિચારોની પુરવણી થતી જાય અને ભગવાન સાથેની અભિન્નતા કે ઐક્યતાની પ્રતીતિ કરાવતો ભગવત્ ભાવ જાગૃત થતો જાય. આવી ભક્તિ ભાવની સાત્ત્વિકતામાં અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનો ભાર હળવો થતો જાય. કારણ ભગવત્ ભાવની જાગૃતિના લીધે લૌકિક ઈચ્છાઓની તૃપ્તિનો સંતોષ મળે છે. ભાવની સાત્ત્વિકતામાં પ્રેમની પરિભાષાનો ભાવાર્થ હોય, જે અતૃપ્તિને, ઊણપને, ખોટને સંતોષમાં સમાવી દે છે.

         ભગવત્ ભાવની જાગૃતિમાં ભક્ત રૂપી પંખી જ્યારે ભક્તિની પાંખોથી અંતરની વિશાળતામાં વિહાર કરે, ત્યારે સત્ ભાવની સૂક્ષ્મ આંખોનું દાન ધારણ થાય. સત્ ભાવ એટલે સમતોલ ભાવની દૃષ્ટિ, જે દ્વૈત જગતની ઘટનાઓની આવનજાવનમાં વિચલિત ન થાય. તે નિષ્ફળતાથી અકળાઈ ન જાય, પણ ભાવની સૂક્ષ્મતાનું ફળ ધારણ થાય એવી જાગૃતિની સફળતામાં સ્થિત રહેવાનો પુરુષાર્થ કરે. ભાવની જાગૃતિના લીધે ભક્તના કાર્યો પરમાર્થી વૃત્તિથી થતાં જાય અને સૂક્ષ્મ અહમ્ વૃત્તિ વિલીન થતી જાય. જ્યાં સુધી સૂક્ષ્મ અહમ્ વૃત્તિનું હું પદ વિલીન થતું નથી, ત્યાં સુધી અંતરની વિશાળતામાં પ્રભુની પ્રકાશિત ગતિ સાથે એકરૂપ થવાતું નથી. એટલે ભગવત્ ભાવની જાગૃતિ માટે ભક્ત પોતાના હું પદનું સમર્પણ થાય એવી જ્ઞાન-ભક્તિમાં સ્થિત રહે છે. આમ જ્ઞાની ભક્તનું અનન્ય સાંનિધ્ય મહત્ત્વનું છે. એવાં સાંનિધ્યમાં જો જ્ઞાન-ભક્તિથી સત્સંગ થાય, તો આપણાં મનની અજ્ઞાનતાને, અસમતોલતાને, અતૃપ્તિને વિલીન કરાવતી ભક્તિની પાંખો ધારણ થતી જાય.

        

         ભક્તિની પાંખો લઈ પ્રભુ પાસે જઈએ, તો રાગ-દ્વેષના વિચારોમાં પ્રેમ ભાવ પરોવાતો જશે;

         વિચારવાની મનની રીતિ પછી બદલાતી જશે અને પ્રેમની પરિભાષાથી સંસારી પ્રશ્ર્નો ઉકેલાશે;

         મનનાં મંદિરમાં થશે પછી પ્રભુની આરતી અને સેવા પરોપકારનો પરમાર્થી પ્રસાદ વહેંચાશે;

         ભક્તિનો આનંદ ધરશે પ્રેમની સુવાસ અને પ્રભુના આત્મીય નિવાસનો થશે ભીતરમાં અહેસાસ.

 (ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વયંના શાંત સ્વરૂપમાં સ્થિરતા : ભક્તિ

આપણે એટલું તો જાણીએ છીએ કે શાંત સ્થિતિનો અનુભવ થાય ત્યારે વિરોધી વિચારોનું ઘર્ષણ ન હોય, અથવા એકબીજા સાથે તુલના કરવાની હુંસાતુંસી ન હોય, અથવા પોતે જે પ્રમાણે વિચાર્યું હોય એવું પોતાની ઈચ્છા અનુસાર કાર્ય થાય અને ઈચ્છિત પરિણામ મેળવી શકાય. પરંતુ એવી શાંત સ્થિતિ ક્યારેક જ અનુભવી શકાય છે. કારણ રોજિંદા જીવનનાં કાર્યો પરિવારના સભ્યો સાથે, કે નોકરી-ધંધામાં સહકાર્યકરો સાથે જોડાઈને થાય છે. એટલે એકબીજા સાથે કાર્ય કરતી વખતે પોતાનો અભિપ્રાય રજૂ કરવાની, કે પોતે જે વિચારે છે તે જ સાચું છે એવી દલીલો રજૂ કરવાની ખેંચતાણ રહે છે. તેથી દલીલ કે આક્ષેપ કરવાનો આક્રોશ અથવા દલીલ કરવાનું ના છૂટકે સ્વીકારી લેવાનો ઉશ્કેરાટ મનમાં ધુમાડાની જેમ ફેલાય, ત્યારે અશાંત મન પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકતું નથી. પોતાની ઈચ્છા મુજબના વિચારોનું પરિણામ મેળવવું અને પોતાની મરજી મુજબ એને ભોગવવામાં શાંતિ અનુભવાય એવી માન્યતા સામાન્ય રૂપે માનવીની હોય છે. આવી મરજી મુજબ વર્તન કરવાની સ્વતંત્રતાને સૌ કોઈ ઝંખે, જ્યાં બીજા કોઈની દખલગીરી ન હોય. પરંતુ એવી શાંતિનો અનુભવ જવલ્લે જ મળે અને જો મળે તો તે શાંતિ થોડી ક્ષણો માટે જ રહે છે. કારણ માનવી મન લૌકિક વિચારોની એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતું જ રહે છે. એવાં વિચારોમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ધિક્કાર, વેરઝેર વગેરે નકારાત્મક વૃત્તિ હોવાંથી શાંત સ્થિતિનો મનમાં ઉદ્ભવ થતાંની સાથમાં જ વિલીન થઈ જાય છે.

         વર્તમાન સમયમાં શહેરી જીવનની વ્યસ્તતામાં શાંતિથી પોતાનું કાર્ય કરવા માટે સમય ઓછો પડે છે. એટલે મનની અકળામણને દૂર કરવા મોબાઈલ ફોનનો સહારો લે છે. મોબાઈલ વગર જીવવાનું અટકી જાય એટલી હદે માનવી મોબાઈલમાં ગૂંથાઈ ગયો છે. શહેરમાં અનેક પ્રકારે રૂપિયા રળવાની સુવિધા હોય તથા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ માટેના સાધનોની પણ સગવડતા હોય છે. એટલે જ શહેરમાં નોકરી-ધંધો કરવા માટે ગામની શાંત સ્થિતિના વાતાવરણને છોડીને માનવીને શહેરમાં રહેવાનું ગમે છે. શહેરી જીવનની સુવિધાઓથી મન એટલું ટેવાઈ જાય છે કે, ટ્રાફિકના ઘોંઘાટભર્યા વાતાવરણથી પણ અકળાતું નથી. મન અકળામણ ત્યારે અનુભવે જ્યારે અને પોતાની ઈચ્છા મુજબ વર્તન કે કાર્ય કરવાની સ્વતંત્રતા ન મળે. આવી અકળામણને મોટેભાગે મધ્યમ વર્ગના માનવીઓ વ્યવહારિક કાર્યો કરતી વખતે અનુભવે છે. કારણ મુખ્યત્વે રૂપિયાની કમાણી કરતાં ખર્ચા વધુ હોય છે. ઘરખર્ચ ઉપરાંત જો કોઈ વ્યવહારિક પ્રસંગના ખર્ચા હોય, અથવા માંદગીમાં ડોકટરની દવાના ખર્ચા હોય, ત્યારે ખૂબ મહેનતથી કરેલી બચત વપરાય જાય, તેની અકળામણનું બયાન શબ્દોથી કરી ન શકાય. એવી અકળામણને કે મુંઝવણને માનવી મોટેભાગે  બીજા સમક્ષ દર્શાવવાનું ટાળે છે. એટલે મનમાં એવો ઉશ્કેરાટ કે અજંપો રહે જે ન સહેવાય અને ન કોઈને કહેવાય. આજકાલ તો સ્કુલની ફી એકીસાથે છ મહિનાની ભરવાની હોય. એટલે બે-ત્રણ છોકરાંઓ જો હોય, તો ફી ભરવાની મથામણમાં મધ્યમ વર્ગના માનવીઓ અછતની તાણમાં પીસાતાં રહે છે.

         રૂપિયાની જ્યાં અછત નથી તે ધનિક વર્ગનું માનસ પણ શાંત સ્થિતિને ઝંખે છે. એટલે શાંતિના અનુભવ માટે શહેરના ઘોંઘાટભર્યા કલબલાટથી દૂર થોડા સમય માટે કોઈક હીલ સ્ટેશન પર જઈને રહે છે. થોડા સમય માટે એવી શાંતિના અનુભવમાં મનનાં રાગદ્વેષભર્યા સ્વભાવનો અવરોધ હોવાંથી, શાંત વાતાવરણમાં પણ મન શાંતિને અનુભવી શકતું નથી. આમ બાહ્ય વાતાવરણની શાંતિ હોય, કે અધિક રૂપિયાથી મેળવાતી સગવડોની શાંતિ હોય, કે ઘરમાં વૈભવી વસ્તુઓના સંગાથની શાંતિ હોય. તે છતાં મન શાંત સ્થિતિમાં સ્થિત થઈ શકતું નથી. કારણ જ્યાં સુધી સ્પર્ધાત્મક વિચારોની રસાકસી હોય, અથવા તુલનાત્મક વિચારોથી ઉદ્ભવતી પીડા હોય, ત્યાં સુધી શાંત સ્થિતિ મનની થતી નથી. તેથી મન જો પોતાના સ્વ સ્વરૂપની મહેલાતથી જાણકાર થાય તો ભીતરમાં સમાયેલી શાંતિને અનુભવવાની જિજ્ઞાસા જાગી શકે. પ્રભુની આત્મીય ચેતનાના લીધે આપણાં સૌના તન-મનની ક્રિયાઓ થાય છે. તે વાસ્તવિકતાને સ્વીકારીને જીવીએ તો રાગ-દ્વેષના ભેદભાવ ઓગળતાં જાય. જે ચેતનાના લીધે હું જીવું છું, તેજ બીજાને પણ જિવાડે છે અને તેજ ચેતનાની ઊર્જા જગતમાં સર્વત્ર પ્રસરેલી છે. એવી સમજથી જીવન જિવાય તો મારું-તારું-પરાયુંના વિચારોથી મન મોકળું થતું જાય. પછી નિષ્કામ ભાવથી, સહકાર ભાવથી વ્યવહાર થાય અને પ્રેમાળ સંબંધોની પ્રસન્નતામાં મનની શાંત સ્થિતિ જાગૃત થાય.

         ભક્ત માટે શાંત સ્થિતિ એટલે રાગ-દ્વેષભર્યા વિચારોની આવનજાવન ન હોય, પણ પ્રેમ ભાવની નિ:સ્વાર્થતાથી જીવવાની પ્રસન્નતા હોય. ભક્તના મનની શાંત સ્થિતિમાં, અતૃપ્ત ઈચ્છા વૃત્તિના વિચારોનો અંત કરાવતું ભક્તિ ભાવનું આસન હોય. વિષયોને ભોગવવાની અતૃપ્તિ જેમ જેમ ઓછી થતી જાય, તેમ તેમ મન સ્વયંની સાત્ત્વિક ગુણોની મહેલાતનો ભોગ કરાવતી અંતર ભક્તિમાં સ્થિત થતું જાય. અંતર ભક્તિ એટલે નિ:સ્વાર્થ ભાવનું સમતોલ વર્તન. હું પદનો અહંકાર એવાં સમતોલ ભાવમાં ‘હું તે છું’ એવાં સોઽહમ્ ભાવની જાગૃતિમાં ફેરવાઈ જાય. પ્રભુની ચેતનાનો અંશ હું છું, એવી મનની જાગૃતિમાં સમતોલ વર્તનની સમદૃષ્ટિથી ભક્ત જીવન જીવે. ભક્ત માટે ભક્તિ એટલે સ્વયંના શાંત સ્વરૂપની ગુણિયલતામાં સ્થિત કરાવતું નિ:સ્વાર્થ પ્રેમ ભાવનું વર્તન. તેથી બીજા માનવીના અયોગ્ય સ્વભાવને બદલવાની તે કોશિષ ન કરે, પણ તેને જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક વર્તનની પ્રેરણા ધરવાનો અને વર્તનમાં ઢાળવાનો પુરુષાર્થ પોતે કરે. જેથી તે માનવી સમતોલ સ્વભાવની શાંતિને અનુભવી શકે. એટલે ભક્ત હંમેશા અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રહેવાની વિનંતિ પ્રભુને કરતો રહે કે,

 

"મારી ભક્તિના ભાવમાં શાંતિની ધારા વહેતી મૂકો અને તે શાંતિમાં વૃત્તિઓને વીંટાળી દો;

મારી ભક્તિમાં અહમ્ના વાદળાં વરસી જાય, એવાં પ્રકાશિત જ્ઞાનમાં મનને સ્થિત રાખો;

હે પ્રભુ, સંસારનું માંગવાનું કંઈ રહ્યું નથી, માંગુ પ્રભુ તારો ભાવ અંતર યાત્રાના પગલે પગલે;

અંતર ભાવની જાગૃતિથી અંતર ધ્યાનસ્થ રહેવાય, એવી અંતર ભક્તિમાં તલ્લીન રાખજો.”

(ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વયંને જાણો અને પ્રભુ સાથેની ઐક્યતાને માણો

સ્વયંને જાણવાની લગની અથવા જ્ઞાન-ભક્તિના સાત્ત્વિક આચરણથી જીવવાની લગની લાગે, ત્યારે સંસ્કારી વર્તનની કેળવણી કે સદ્ગુણી સ્વભાવનું ઘડતર સહજતાથી થતું જાય. મોટે ભાગે ભૌતિક જગતના વિચારોમાં કે વસ્તુઓનાં ભોગમાં મન ઝડપથી પરોવાઈ જાય છે. એટલે સ્વયંને જાણવાની કે સત્સંગની વાત આવે ત્યારે એવું મન તર્કબદ્ધ દલીલ વધુ કરે કે, "એ બધું તો માત્ર વિચારોમાં રહે છે, જવલ્લે જ સાત્ત્વિક વર્તનમાં મન સ્થિત થાય અને સત્સંગ એ તો નવરાં કે રીટાયર્ડ માણસોની પ્રવૃત્તિ કહેવાય.” એવું દલીલબાજ મન, આધુનિક સુખ સગવડની ભૌતિક વસ્તુઓને ખરીદવા માટે સસ્તુ કયાં મળી શકે તે જાણવાનો પ્રયત્ન ઊંડાણપૂર્વક ખૂબ અધીરાઈથી કરશે. પરંતુ એવો પ્રયત્ન કરાવનાર મનનું જે વાહન મળ્યું છે, તેની વિશિષ્ટતાને જાણવાનો અથવા મનની નિરાકારિત સ્વરૂપની ક્રિયાને જાણવાનો પ્રયત્ન નહિ કરે. કારણ તર્ક કરીને મનના સાત્ત્વિક સ્વભાવની પ્રતિભાને નકારતાં માનવીઓ ભૌતિક જગતના મોજશોખને જ મહત્વનું ગણે છે. મોજશોખના સાધનોનાં ગુલામ બની તેઓ માત્ર ખાવું, પીવું, ફરવું અને નિતનવાં વસ્ત્રો પરિધાન કરી, એકબીજા સાથે સરખામણી કરતાં રહે અને ઉચ્ચ-નિમ્ન કક્ષાના ભેદભાવથી જીવે. ભૌતિક વસ્તુઓનાં કે વસ્ત્રોનાં વિચારોમાં વ્યસ્ત રહીને, સરખામણીના સ્વભાવથી મનને અસમતોલ કરનારા માનવીઓ એટલું સમજી નથી શકતાં કે, પોતાના શરીરને ઢાંકવા માટે એકીસાથે કેટલાં વસ્ત્રોની જરૂરિયાત હોય?

         એવું મન જે નવાં નવાં વસ્ત્રોને કે વસ્તુઓને ખરીદવાના વિચારોમાં જ ફરતું રહે છે, તે જો પ્રભુએ અર્પણ કરેલાં શરીર રૂપી વસ્ત્રની મહત્તાને સમજે, શરીરમાં સતત થતી ક્રિયાઓની ડીઝાઈનને (રચનાને) સમજવાનો પ્રયત્ન કરે, તો જીવંત જીવનનો મહિમા જાણવાની ઈચ્છા ક્યારેક જાગી શકે. માનવ શરીર એ કંઈ યાંત્રિક રોબોટ જેવું નથી. શરીરની અકલ્પનીય અદ્ભુત રચના એટલે જ અટ્કયાં વગર થતી વિવિધ અંગોની ચેતનવંત ક્રિયાઓ. દરકે અંગોની ક્રિયા જુદી જુદી હોવાં છતાં તે એકબીજા સાથે જોડાયેલી છે અને સુમેળ ભાવ રૂપે સ્નેહના તારથી બંધાઈને અંગો પોતાની ક્રિયા કરતાં રહે છે. એ સ્નેહાળ તાર છે પ્રભુની પ્રાણ શક્તિની ચેતનાનો. તે ચેતનાનું ધન દરેક માનવીના તન-મનમાં શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે પ્રસરતું રહે છે. માનવ દેહ તથા પશુ, પક્ષી, જળચર, જંતુ તથા વનસ્પતિ જગતની વિવિધ કૃતિઓમાં પ્રભુની ચેતનાનું ધન વહેતું રહે છે. એટલે સર્વત્ર ચેતનાની ઊર્જા શક્તિના તરંગો છે, જેનાં આધારે જીવંત સ્વરૂપની ક્રિયાઓ થતી રહે છે. ચેતનાનું ધન શ્ર્વાસ રૂપે આપણને સતત મળતું રહે છે, એવી ઉત્કૃષ્ટ રચના કરીને પ્રભુએ એમની સાથેની ઐક્યતાનો અણસારો ધર્યો છે. તે ઐક્યતાનો આનંદ માણવા માટે જ આપણને મનનું શ્રેષ્ઠ વાહન મળ્યું છે. જેથી પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાને, એની સાત્ત્વિક ગુણોની પ્રતિભાને મન અનુભવી શકે તથા અનુભવ રૂપે એકરૂપ થઈ શકે.

         સ્વયંને જાણવાની અથવા પ્રભુ સાથેની ઐક્યતાને જાણવાની લગની લાગે, તો જાણવાના પુરુષાર્થ રૂપે અહંકારી સ્વભાવનો અવરોધ ઓછો થતો જાય. અહંકારી સ્વભાવના અવરોધક પડદાં મન પરથી હઠતાં જાય, તો મનમાં સમાયેલી પ્રેમ ભાવની નિ:સ્વાર્થતા જાગૃત થાય. પ્રેમ ભાવની કે સાત્ત્વિક ગુણોની જાગૃતિને કહેવાય મનનું હૃદય સ્વરૂપ જાગૃત થવું. મનનો હૃદય ભાવ જાગે ત્યારે સાત્ત્વિક ગુણોની પ્રતિભા વર્તનમાં જણાય. હૃદય ભાવની જાગૃતિમાં સંસારી વિચારોનું ઘર્ષણ આપમેળે ઓગળતું જાય અને નિ:સ્વાર્થ ભાવનું સંવેદન પ્રગટતું જાય. નિ:સ્વાર્થ પ્રેમ ભાવનો અનુભવ દરેક માતા-પિતા જ્યારે પોતાના નવજાત શિશુનું લાલનપાલન કરે છે ત્યારે અનુભવે છે. ઘણીવાર આપણે અનુભવ્યું છે કે જ્યારે ત્રણ-ચાર મહિનાના બાળકને હાથમાં લઈએ, ત્યારે તે બાળકનાં નિર્દોષ ભાવમાં આપણાં મનના સંસારી રાગ-દ્વેષના વિચારો થોડીવાર અટકી જાય છે અને માત્ર પ્રેમ ભાવની નિર્મળતાનો આનંદ અનુભવાય છે. એવાં આનંદને ભક્ત ત્યારે અનુભવે છે જ્યારે તે સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં હૃદય ભાવની જાગૃતિથી તલ્લીન થાય. તે ક્ષણે પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ થાય. આવાં દર્શનની પ્રતીતિમાં વિચારો ન હોય, તે ક્ષણે માત્ર નિષ્કામ ભાવનું સંવેદન હોય. એવાં સંવેદનની અંતર ધ્યાનસ્થ સ્થિતિમાં અંતર સ્ફુરણ થાય અને ભક્તમાં અનંત અંતર યાત્રાનું માર્ગદર્શન ધારણ થતું જાય.

         અંતર યાત્રાની ધ્યાનસ્થ અવસ્થામાં માર્ગદર્શન રૂપે શબ્દો ન હોય પણ સૂક્ષ્મ અંતર સ્તરોનું પ્રકાશિત દર્શન હોય. એવાં દર્શનથી અમુક અવરોધક મનોવૃત્તિઓનો જે સૂક્ષ્મ અહમ્ હોય તેનો અહેસાસ થાય અને એમાંથી મુક્ત થવાંની વિનંતિનો શરણ ભાવ આપમેળે પ્રગટતો જાય. એવી વિનંતિના ભાવમાં શબ્દોના અર્થ સાથેની સમજણ મેળવવાની બાકી ન હોય, પણ પ્રભુ સાથેની ઐક્યતાના સંગાથને માણવાનો શ્રદ્ધા ભાવ વધુ દૃઢ થતો જાય. શ્રદ્ધા ભાવ આપમેળે જાગે છે. કોઈના કહેવાંથી કે વારંવાર મનને સમજાવવાથી શ્રદ્ધા જાગૃત થતી નથી. સામાન્ય રૂપે માનવી જ્યારે એવું માને અથવા બીજાને જણાવે કે મને શ્રદ્ધા છે, ત્યારે તેવી શ્રદ્ધા અનુકૂળ સંજોગોને આધીન રહે છે. જો પ્રતિકૂળ દુ:ખદ ઘટના ઘટે, તો એવાં માનવીની શ્રદ્ધા ડગમગવા લાગે છે. એટલે શ્રદ્ધાનું આસન મન ત્યારે જ બની શકે જ્યારે પ્રભુ સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા થાય. અંતર યાત્રા એટલે સ્વ જ્ઞાન રૂપે સ્વયંથી પરિચિત થયેલાં મનનો સમર્પણ ભાવ જાગૃત થવો. સમર્પણ ભાવની જાગૃતિમાં ભક્તનું મન સૂક્ષ્મ નિરાકારિત સ્વરૂપની પ્રતીતિ કરતું જાય. પ્રતીતિના અનુભવમાં શંકા કે સંદેહ વગરની સ્થિતિ મનની હોય, તે છે શ્રદ્ધા ભાવની જાગૃતિ. ભક્તનો શ્રદ્ધા ભાવ સત્ સ્વરૂપની ચેતનામાં ઓતપ્રોત કરાવતી અંતર યાત્રામાં લીન રહે, ત્યારે મનોભાવ અને હૃદય ભાવનો સંવાદ ક્યારેક ઉદ્ભવે. અંતર યાત્રાના એવાં સંવાદને આપણે શબ્દોથી જાણીએ, જેથી ભક્તિ ભાવમાં લીન થઈ શકાય.

        

હૃદયને મેં પૂછ્યું કે તારે ક્યાં જવું છે, તો હૃદય કહે કે મારે પ્રભુ સાથે રહેવું છે;

પ્રભુને મેં પૂછ્યું કે, ક્યારે લાવું હૃદય મારું, તો પ્રભુ કહે કે હૃદય તો છે મારો જ અંશ;

હવે હૃદયને પૂછ્યું કે ક્યારે જવું છે પ્રભુ પાસ, તો હૃદય કહે કે વચ્ચે આવે છે તારો સૂક્ષ્મ અહમ્;

પ્રભુને ફરીથી સંદેશો મેં મોકલ્યો કે,

આપના ભગવત્ ભાવની ભક્તિમાં ડુબાડો જેથી અહમ્ વૃત્તિ ઓગળતી જાય. (ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
કરશે કોણ એ ચિંતા છોડી, પ્રભુનું ચિંતન કરો

મારું-તારું ભૂલી જાવ, પ્રેમ-આનંદથી જીવન જીવો તો થશે મન ચિંતાઓથી મુક્ત;

મન મળ્યું છે પ્રભુ સ્મરણની અનુકૂળતા માટે, જે છોડે આડંબર તે કરે સ્મરણ;

સ્મરણમાં ન હોય ગદ્ય કે પદ્યની ભાષા, સ્મરણ તો આપમેળે થયાં કરે ભાવભીના હૃદયથી;

એક દી હૃદયગમ્ય સ્મરણ અંતર દ્વાર ખોલશે, પછી પ્રભુ પ્રતીતિમાં મન ખોવાઈ જશે.

 

         ચિંતા કે અનિશ્ર્ચિતતામાં સામાન્ય રૂપે માનવીનું મન આળોટતું રહે છે. કારણ મનને સાત્ત્વિક વિચારોનું બળ મળતું નથી. મનનું માનસ વિશાળ થાય એવાં ઉમદા વિચારોની સંગમાં જેમ જેમ પ્રગતિ તરફ ઢાળતું બળ મનમાં વધતું જાય, તેમ તેમ ભવિષ્યની ચિંતા ઓછી અનુભવાય. ચિંતાના ઓથારને (સતત ભય) ઓગાળવા માટે સાત્ત્વિક વિચારોની સંગાથે મન જો સ્વયંની ભાળ કરાવતાં ચિંતનનો પુરુષાર્થ કરતું રહે, તો પ્રભુ સ્મરણનું સ્ફુરણ આપમેળે થતું જાય. જિજ્ઞાસુ ભક્ત પ્રથમ પ્રભુએ અર્પણ કરેલી સ્મરણ શક્તિની મહત્તાને સમજવાનો પ્રયત્ન કરે. જેથી સ્મરણ શક્તિના સહયોગથી સ્વમય ચિંતનની સહજતા ધારણ થતી જાય. મંત્રો બોલવા, સ્તુતિ-ભજન ગાવાં, કે પૂજા-જપ કરવા, એવી સાત્ત્વિક પ્રવૃત્તિઓ રૂપે સર્વવ્યાપક પ્રભુનું સ્મરણ કરવાની શરૂઆત કરી કહેવાય. એવી પ્રવૃત્તિઓ સાત્ત્વિક ભાવથી થતી જાય, પછી ધીમે ધીમે સ્મરણનું અંતર સ્ફુરણ આપમેળે થાય એવી જાગૃતિ તરફ પ્રયાણ કરવું જોઈએ. અંતર સ્ફુરણની જાગૃતિ એટલી સરળ નથી. કારણ સ્મરણની સાત્ત્વિક પ્રવૃત્તિઓમાં મોટેભાગે મન એકાગ્ર થતું નથી. મનમાં સંસારી વિચારોની આવનજાવનનાં લીધે પ્રભુ સ્મરણનાં વિચારો ટકી શકતાં નથી. એટલે સત્સંગ રૂપે શ્રવણ કરેલું ભૂલી જવાય, ત્યારે સ્મરણ રૂપે ભજન-સ્તુતિના શબ્દોનું માત્ર રટણ થાય અથવા એનાં અર્થોને સમજવાનો પ્રયત્ન થાય. એવાં પ્રયત્નમાં અહંકાર વચ્ચે આવે કે,‘હું સમજીને સત્સંગ કરું છું, સમજવાનો પ્રયત્ન કરું છું,’ વગેરે અહમ્ પ્રેરિત વિચારોનું આવરણ મનમાં ગૂંથાતું રહે એટલે અંતર સ્ફુરણ પ્રગટતું નથી.

         માનવીને સ્મરણ શક્તિની કૃપા પ્રભુએ અર્પી છે. તે વિશેષ કૃપાનું તાત્પર્ય જાણવું જોઈએ. મનનાં વાહનની અમુક વિશેષ પ્રકારની કાબેલિયત કે પ્રાવીણ્ય છે. તેનાંથી માનવી જ્યાં સુધી જાણકાર ન થાય, ત્યાં સુધી તે કાબેલિયતના આધારે થતાં કોઈ પણ કાર્યનું ઉચ્ચ સ્તરનું પરિણામ પ્રાપ્ત થતું નથી. મનની સ્મરણ શક્તિ એટલે સવારે ઊઠતાંની સાથમાં પથારીમાંથી પગ કેવી રીતે નીચે મુકવો, કે ઘડિયાળમાં કેટલાં વાગ્યાં તેની સમજ લેવાની બાકી ન હોય, પણ સ્મરણ રૂપે મનમાં સમજ અંકિત હોવાંથી એક પછી એક રોજિંદા કાર્યો આપમેળે થતાં જાય. બાળપણથી આપણે રોજિંદા કાર્યો કરવાની રીતને શીખી લીધી છે અને શીખ્યાં પછી તેની સમજ મનમાં સ્મરણ રૂપે અંકિત રહે છે. તે અંકિત થયેલી સમજનો આંક પણ ધીમે ધીમે વધતો રહે છે, એટલે કે નાના હતાં ત્યારે જે રીતે રોજિંદા કાર્યો કરતાં હતાં અને હવે મોટા થયાં પછી જે રીતે કરીએ છીએ, એની સમજણ વધુ સારી રીતે મનમાં ખીલતી રહે છે. આમ કોઈ પણ ક્રિયાની કે પ્રવૃત્તિની રીતને એકવાર જાણ્યાં પછી એની સમજ મનમાં સ્મરણ રૂપે સ્થાપિત રહે છે. વારંવાર પછી તે પ્રવૃત્તિ થયાં કરે, ત્યારે તે પ્રવૃત્તિ કરવાની રીતનું સ્મરણ કરવું ન પડે પણ આપમેળે થયાં કરે. એ જ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની ઓળખ, એનાં નામનું સ્મરણ મનમાં પરોવાઈને રહે છે. મનની આવી સ્મરણ શક્તિની વિશેષતાને જાણીએ તો સૂક્ષ્મ સમજની બુદ્ધિ ખીલતી જાય તથા સમજ રૂપે સ્વયંને જાણવાની નિષ્ઠા અને એકાગ્રતા વધતી જાય.

         ભક્ત હંમેશા સ્વમય ચિંતનનો પુરુષાર્થ સ્મરણ શક્તિના સહયોગથી કરતો રહે. જેથી પ્રભુ સ્મરણની ધારામાં મનનું સ્નાન થતું રહે અને સ્નાન રૂપે અહંકારી વૃત્તિઓનું શુદ્ધિકરણ થતું રહે. ચિંતનનો પુરુષાર્થ પ્રેમભાવથી  થાય તો મનનાં શુદ્ધ સ્વરૂપની જાગૃતિથી એટલે કે હૃદય ભાવની જાગૃતિથી અંતર પ્રયાણ થતું જાય. સ્વમય ચિંતનની અંતર યાત્રા કરનારા ભક્તનું મન સંસારની ચિંતાના ઓથારથી કદી દિશાહીન ન થાય અથવા ઈર્ષ્યા કે રાગ-દ્વેષની વાતોમાં અટવાઈ ન જાય. કારણ સંસારની અસારતાને તે જાણે છે તથા રાગ-દ્વેષના વર્તનથી શરીરના અંગોની ક્રિયાઓ પર જે હાનિકારક માઠી અસર થાય છે, તેનાંથી જાણકાર હોવાંથી તે મનની સ્વસ્થતાને જાળવવા પ્રભુ સ્મરણ રૂપે સ્વમય ચિંતનના સહારે જીવન જીવે છે. આમ સ્મરણ શક્તિનાં સથવારે સત્સંગ રૂપે જે પણ ગ્રહણ થાય તેને યાદ કરી શકાય છે. યાદ કરવાના પ્રયત્નમાં સ્વયંની ઓળખ કરાવતી સૂક્ષ્મ સમજ મનમાં અંકિત થતી જાય. પછી લૌકિક જીવનના વ્યવહારિક કાર્યો જ્યારે મન કરતું હોય ત્યારે તે અંકિત થયેલી સમજ, સ્મરણ રૂપે ડોકિયાં કરે કે ‘હું કર્તા નથી, હું આત્મીય ચેતના છું. પ્રભુની આત્મીય ચેતનાનો સંગાથ હોવાંથી આ શરીરની જીવંત સ્થિતિ છે અને મનની વિચારવાની, સમજવાની, કે સ્મરણ કરવાની કાબેલિયત છે.’ આવાં સ્મરણના ડોકિયાં વારંવાર થાય તો અહંકારી વર્તનનો આડંબર ઓગળતો જાય અને રાગ-દ્વેષની વાતોને બદલે પ્રેમ ભાવથી વ્યવહાર થતો જાય.

         ચિંતા ચિતા સમાન છે, એ જાણવા છતાં માનવી પોતાના મનને ચિતા જેવું બનાવી દે છે. ચિતા એટલે જેનાં પર મૃત્યુ પામેલા શરીરને મૂકીને બાળવાનું હોય. ચિંતા કરી કરીને મનને જો ચિતા જેવું બનાવી દઈએ, તો એવાં મનથી જે પણ સાત્ત્વિક વિચાર થાય તે ચિતા રૂપી મનમાં બળી જશે. એટલે કે એની સૂક્ષ્મ સમજનો ભાવાર્થ મનમાં સ્મરણ રૂપે અંકિત નહિ થાય. તેથી સત્સંગમાં જે સાત્ત્વિક વિચારો ગ્રહણ કરીએ, તે થોડાં સમયમાં જ ભૂલી જવાય છે. ચિંતા કે રાગ-દ્વેષનું અહંકારી વર્તન મનની સ્મરણ શક્તિને ઘટાડી દે છે. તેથી જ પ્રૌઢ ઉંમરે કે વૃદ્ધ વયમાં મનની સ્મરણ શક્તિ જર્જરિત થાય છે અને યાદ રાખવાનું યાદ નથી રહેતું. જેનું (પ્રભુનું) સ્મરણ કરવાનું હતું તેને ભૂલીને જીવન જીવ્યાં અને જેને (સંસારી રાગ-દ્વેષને) ભૂલી જવાનું હતું તેનું જ સ્મરણ વારંવાર કરતાં રહ્યાં. એટલે પ્રભુ સ્મરણનું સ્ફુરણ આપમેળે થતું નથી અને પ્રભુ પ્રતીતિમાં મન અંતરધ્યાનસ્થ થતું નથી.

 

         કરાવે છે કોઈ, કહે હું કરું છું, એ હું ને કાઢી કર્મો કર્યા કર;

         કર્તવ્યભાવના રાખીશ નહિ તું, એ હું ને કાઢી કર્મો કર્યા કર;

         કરશે કોણ એની ચિંતા છોડી દે, ચિંતન એનું કરતો જા;

         ચિત્ત તારું એક જ ધ્યેય તારું એક જ, કેશવ કરાવે સૌ કામ.    (ક્રમશ:)

        

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
તરસ સદા વધતી રહે એવી કૃપા વરસાવજો

નથી જાણવું પ્રભુ કે, કેવી રીતે તું મારી અંતર યાત્રાની તરસ છીપાવી દઈશ;

           પ્રભુ માંગુ એટલું શરણ ભાવથી કે, તરસ સદા વધતી રહે એવી કૃપા વરસાવજો;

           મારે અંતરમાં પ્રયાણ કરતાં રહીને, સંસારના કોઈ જાતના સુખ કે વૈભવ પામવા નથી;

           મને તો તારી દિવ્ય પ્રીતમાં ઓતપ્રોત કરી, ભાવમાં ભીંજવીને દર્શનનું સુખ આપતો રહેજે.

 

           ભૂખ અને તરસ લાગવી, એ છે શરીરની જીવંત હોવાની નિશાની. અન્ન ખાવાની ભૂખ લાગે કે પાણી પીવાની તરસ લાગે, એ ક્રિયા માત્ર આપણાં સૌના જીવનમાં જ નથી વણાયેલી, પણ આ પૃથ્વી પર વસવાટ કરનારા દરેક દેહધારી જીવોનું જીવન આ ક્રિયામાં વીંટળાયેલું છે. ભૂખને મીટાવે છે અન્ન અને તરસને છીપાવે છે પાણી. (જો કે આજના યુવાનોને તરસ છીપાવવા માટે કોલ્ડડ્રીન્ક કે બીજા પીણાંઓ પીવાનું વધુ ગમે છે.) એટલે અન્ન અને પાણી રૂપી ધનથી તન-મનનું દેહધારી જીવન જીવવાની વ્યવસ્થા વ્યવસ્થાપક પ્રભુએ કરી છે. એકબીજાને આધારિત રહેતું તન-મન-ધનનું આવું માનવ જીવન જીવવા માટેની વ્યવસ્થા પ્રભુએ કરી, તે પહેલાં આકાશ-વાયુ-અગ્નિ-જળની સૂક્ષ્મ સૃષ્ટિની રચના થઈ. એનાં પછી સ્થૂળ રૂપે પૃથ્વી ગ્રહની રચના થઈ અને એક કોશી જીવોની (અમીબા કે જંતુઓ) ઉત્પત્તિનો આરંભ થયો. અનેક કોશી મનુષ્ય દેહની રચના એટલે જ મહાભૂતોની પ્રકૃતિનું સ્થૂળ રૂપે પ્રદર્શિત થવું. મહાભૂતોની સર્જનાત્મક ક્રિયાઓનું સર્વોત્તમ સ્વરૂપ સ્થૂળ આકાર રૂપે પ્રદર્શિત કરીને, પ્રભુએ આપણને આકારમાં સમાયેલાં નિરાકારિત સત્ત્વની પ્રતીતિ ધરી છે. મનુષ્યનો સર્વશ્રેષ્ઠ આકાર છે, કારણ મનુષ્યના આકારમાં મન રૂપી વાહનની શ્રેષ્ઠતા સાથે જીવાત્મા વસવાટ કરે છે. જેથી જીવાત્મા પોતાની અતૃપ્ત ઈચ્છાઓનાં ભારને હળવો કરી શકે અને સાત્ત્વિક આચરણના સદ્ભાવથી ઊર્ધ્વગતિની જાગૃતિને  ધારણ કરી શકે.

           જાગૃતિની ભૂખ કે ઊર્ધ્વગતિની તરસ દરેક મનની ભીતરમાં સુષુપ્ત રીતે સમાયેલી હોય છે. સામાન્ય રૂપે મનુષ્ય આ ભૂખ કે તરસથી જાણકાર થતો નથી. કારણ મનુષ્ય પોતાને  જન્મવાવાળો અને મૃત્યુ પામવાવાળો શરીરનો આકાર માને છે. તેથી સ્વયંને શરીર માનવાની અજ્ઞાનતામાં જીવતો માનવી, માત્ર શરીરની અન્નની ભૂખ મીટાવવાના અને પાણીની તરસ છીપાવવાનાં પ્રયત્નમાં જીવંત જીવનનો અણમોલ સમય પસાર કરી દે છે. પોતાને શરીર માનવાની ભૂલના લીધે શરીરના આકારની સીમામાં મન બંધાયેલું રહે છે તથા બીજા આકારિત પદાર્થોને ભોગવવાની ઈચ્છામાં બંધાયેલું રહે છે. એવાં મનને સત્સંગ, શ્રવણ, કે કીર્તનનાં સહારે મનની ખરી ભૂખ અને તરસની જાણ થઈ શકે. જાણકાર મનની જિજ્ઞાસા પછી ગુરુના સાંનિધ્યની મહત્તા સમજે, ત્યારે શાસ્ત્રોનું અધ્યયન તથા અભ્યાસ થાય. પછી મનની ભૂખ અને તરસને તૃપ્ત કરાવતું અંતર જીવન જીવવાનો પુરુષાર્થ થાય. અંતર જીવનના રાહ પર પ્રયાણ કરવાની ઈચ્છા જ્યારે જાગે, ત્યારે માતા-પિતાના સુસંસ્કારી ઉછેર રૂપે તથા પુણ્ય કર્મોના ફળ રૂપે તે રાહ પર પ્રયાણ કરાવતો સાત્ત્વિક ભાવ જાગૃત થાય. સાત્ત્વિક ભાવનું વર્તન એટલે મનનું ભક્ત સ્વરૂપનું સમતોલ વર્તન. જે લૌકિક જીવનનાં કાર્યો સાત્ત્વિક ભાવનાં સંદર્ભથી કરે અને આકારિત પદાર્થોના અતિશય મોહમાં ન રહે.

           આપણે સૌ જાણીએ છીએ કે અસહ્ય મોંઘવારીની અને બેરોજગારીની મુશ્કેલીઓમાં અટવાતાં ગરીબ માણસોને ઘણીવાર બે ટંક પેટ ભરીને ખાવા મળતું નથી. એવાં માણસોને જીવનની ફિલસૂફી સમજાવતાં વિચારો, કે સ્વયંથી પરિચિત કરાવતાં સાત્ત્વિક વિચારોનો બોધ જેમ વ્યર્થ લાગે, તેમ જેઓની પાસે અઢળક રૂપિયાની અમીરી છે, ભોગ વિલાસના આધુનિક સાધનોની કોઈ ખોટ નથી, તેઓને પણ સ્વયંની ઓળખાણ કરાવતાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન નિરર્થક લાગે. આ જગતમાં બે (દ્વૈત) પ્રકારની વિરોધી સ્થિતિની આવનજાવન થયાં કરે છે, એટલે કે દિવસ-રાત, ઠંડી-ગરમી, આશા-નિરાશા, તૃપ્તિ-અતૃપ્તિ, સુખ-દુ:ખની ઘટના વગેરે. આવી બે વિરોધી પ્રકારની કોઈ પણ એક સ્થિતિ જો અતિશય લાંબો સમય સુધી રહે તો મન અકળાઈ જાય છે. એટલે જ્યાં અતિનો અતિરેક હોય, ત્યાં મનની સમતોલતા જળવાતી નથી. કોઈ પણ પ્રકારની એક જ સ્થિતિનો ઘણીવાર કંટાળો આવે છે. લાંબો સમય સુધી એકની એક પરિસ્થિતિ જીવનમાં રહે અથવા એકનું એક કાર્ય કરતાં રહેવાનું હોય તો મન અકળાઈ જાય. મનને એક જ પ્રકારના અનુભવમાં બંધાઈને રહેવું ન ગમે, કારણ વિકાસની ગતિમાં કે પ્રગતિમાં ગતિમાન રહેવાનો મનનો મૂળભૂત સ્વભાવ છે.

           ઘણીવાર એકની એક પ્રવૃત્તિથી પણ મન અકળાઈ જાય. જેમકે એકની એક વાનગીને દરરોજ ખાવાનો કંટાળો આવે અથવા દરરોજ ઉપવાસ કરવાનો પણ કંટાળો આવી શકે. એજ રીતે એકસરખું પથારીમાં ઊંઘવાનું હોય કે જાગતાં રહીને કામ કરવાનું હોય, સતત વાંચવાનું હોય કે લખવાનું હોય, સતત બોલવાનું હોય કે બીજાનું સાંભળવાનું હોય તો મન કંટાળીને થાકી જાય. ઘણીવાર વાતાવરણ રૂપે કોઈ પણ ઋતુની એકસરખી અતિ સ્થિતિમાં મન કંટાળી જાય અથવા ઉદ્વેગભરી વ્યાકુળતા અનુભવે છે. એ જ પ્રમાણે ઘર વપરાશની વસ્તુઓનો વધુ પડતો વધારો કે ઘટાડો થાય ત્યારે મન ચિંતાથી અકળાઈ જાય. એવું મન ક્યારેક ક્રોધની પ્રતિક્રિયાથી અથવા બીજા સમક્ષ ફરિયાદથી પોતાનો અસંતોષ દર્શાવી, પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે. એકની એક પરિસ્થિતિથી કંટાળેલું મન જ્યારે સ્વયંના સ્વરૂપથી જાણકાર થાય, ત્યારે એને પોતાની ભૂલ રૂપે સમજાય કે હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું. એવા સમજપૂર્વકના એકરારમાં વિચારોની દિશા બદલાતી જાય. પોતે આત્મીય ચેતનાનો અંશ છે, એ જાણવાની જિજ્ઞાસામાં મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થતું જાય. ભક્ત સ્વરૂપની જાગૃતિને અંતરના આત્મીય સત્ત્વને માણવાની તરસ હોય. તેથી સંસારી કાર્યોને કે પ્રવૃત્તિઓને તે પ્રભુની આત્મીય ચેતાનાની પ્રતીતિ માટે કરતો રહે. એટલે જીવનમાં ક્યારેક જો એકની એક પરિસ્થિતિની પ્રતિકૂળતા હોય, તો પણ ભક્ત અકળાઈ ન જાય. કારણ એનું મન પરિસ્થિતિ સાથે બંધાતું નથી, પણ પરિસ્થિતિનો અનુભવ કરાવતી આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતા સાત્ત્વિક ભાવની જાગૃતિમાં સ્થિત રહે છે. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ કે આપણું મન સાત્ત્વિક ભાવનું સમતોલ આસન બની શકે એવી જ્ઞાન-ભક્તિમાં ધ્યાનસ્થ રહે. (ક્રમશ:)

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More