Article Details

પારદર્શકતાને જાગૃત કરવાનો પુરુષાર્થ

અમીર હોય કે ગરીબ હોય, દેશમાં કે વિદેશમાં વસવાટ હોય, વિદ્વાન હોય કે ગમાર હોય, સભ્ય હોય કે અસભ્ય હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, ગમે તેટલી વિરોધી સ્વરૂપની વિવિધતા હોય, પણ સર્વે માનવીનાં જીવનમાં સામાન્ય રૂપે અન્ન, વસ્ત્ર, રહેઠાણની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હોય છે. એવાં પ્રયત્ન માટે રૂપિયાની કમાણી મહત્ત્વની હોય છે તથા તેને પ્રામ કરવાની વધતી ઓછી માંગણી દરેકના મનમાં હોય છે, પરંતુ . સંન્યાસીએ ત્યાગનું આાસન ધારણ કર્યું હોવાથી, તેઓનું મન અન્ન કે રહેઠાણના વિચારોમાં બંધાયેલું ન રહે. એટલે માગણીઓ ઓછી હોય, પણ અન્ન કે નિવાસ સ્થાનની જરૂરિયાત તો હોય જ. સામાન્ય માનવીનું મન વ્યથા અનુભવે, જો રોજિંદા જીવનની ક્રિયાઓમાં ખોટ આવે કે ઓછપ જણાય. તે ખોટને દૂર કરવાના પ્રયત્નમાં તથા વધુને વધુ પ્રામ કરવાની લાલસામાં જીવનનો મોટા ભાગનો સમય પસાર થઈ જાય છે. ઢળતી ઉંમરે ક્યારેક વિચારે કે, જે મેળવવાનુ હતું, જેનો અનુભવ કરવાનો હતો, જેને માણવાનું હતું, તે તો વિસરાઈ ગયું. વીતી ગયેલી મનની યુવાનીનો સમય પાછો આવતો નથી અને તનની વૃદ્ધ અવસ્થા સાથે જો મનની સકારાત્મક વિચારસરણી પણ વૃદ્ધ થતી જશે, તો જીવંત જીવનનો આશય પૂરો નહિ થાય!”

 

સંસારી વિષયોની આસક્તિથી ભરાયેલાં મનમાં, ન સમાય ભગવત્ ભાવ; વિષયોની મોહમાયા છૂટે નહિ, એટલે રૂપિયાની કમાણીમાં રહે વ્યસ્ત; ભક્તિભાવમાં ન થાય મન સ્થિત અને કરવા ન ગમે પ્રભુનું સ્મરણ;

 

ઢળતી ઉંમરે થાય મન વ્યધિત, કે જીવનનો મહિમા કેવી રીતે સમજાય!

 

જીવનમાં જ્યારે તનની વૃદ્ધિની ક્રિયા ઘટતી જાય, કે મનની વિકાસની પ્રગતિ સીમિત થતી જાય, ત્યારે માનવી મુંઝવણ સાથે નિરાશા અનુભવે છે. એવી નિરાશામાં પણ આશાનું કિરણ પ્રસરતું રહે છે. કારણ જિવાડનાર પ્રભુની શક્તિ ક્ષણે ક્ષણે સૌને અર્પણ થતી રહે છે અને જીવંત જીવનની પ્રાપ્તિ સ્વરૂપે મહિમા જણાવતાં અણસારા મનને પ્રભુ આપે છે. પરંતુ મોટેભાગે સંસારી રાગ-દ્વેષાત્મક વિચારોમાં આળોટતું મન તે અણસારા ઝીલી શકતું નથી. આમ છતાં દરેક માનવીના ઉછેરમાં માતા-પિતા કે કોઈ પણ વડીલોના સુસંસ્કારોનું પ્રેમાળ ધન સમાયેલું હોય છે, તેઓનાં પુણ્ય કર્મના પ્રતાપે જે સુવિધાભર્યું જીવન જિવાય છે તેમાં વળાંક આવે, ત્યારે સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગૃત પાય છે. ઘણીવાર પ્રતિકૂળ કે અનુકૂળ પ્રસંગની ઘટનાના કારણે સ્વયંને જાણવાની યાત્રાનો પ્રારંભ થાય, ત્યારે શ્રવણ, અધ્યયન, વાંચન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવાનું ગમે. આમ છતાં મનમાં સંસારી વિચારોના તાર ગૂંથાયેલા હોવાથી મહિમા જણાવતો ભાવાર્થ ઘણીવાર સહજતાથી ગ્રહણ ન થાય. એવું મન જો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહે, તો મનની અજ્ઞાનતાથી પરિચિત થાય. પછી દુન્યવી વિચારોનું સંકુચિત માનસ અંતરની વાસ્તવિકતાનો સ્વીકાર કરતું જાય.

 

સ્વયંના આત્મ સ્વરૂપની સૂક્ષ્મતા, સર્વવ્યાપકતા, શાશ્વતતા પછી પરખાતી જાય, અર્થાત્ જિજ્ઞાસુ ભાવની જાગૃતિને જીવંત જીવનનો મહિમા જણાતો જાય અને સમજાય કે હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું. મન પર આવરણની જેમ પથરાયેલાં કર્મસંસ્કારોના સામાનને હળવો કરવા માટે, એટલે કે અનુપ્ત ઈચ્છાવૃત્તિઓને તૃપ્તિનો સંતોષ ધરવા માટે મનુષ્ય જન્મનો પુરસ્કાર મળ્યો છે. માનવી જો ભક્તિભાવથી જીવન જીવે, તો તે પુરસ્કારનો તિરસ્કાર ન થાય, પણ મન પોતે પુરસ્કર્તા(મહત્ત્વ આપી પ્રગતિ ધરે) બની, સાત્ત્વિક આચરણની અમૂલ્યતાને ધારણ કરી શકે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત બાહ્ય જગતની પ્રક્રિયાઓમાં, કે અંતરની સૂક્ષ્મ સૃષ્ટિની વિશાળતામાં, કે શરીરનાં અંગોની સતત થતી પ્રક્રિયાઓમાં પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના અણસારા ગ્રહણ કરતો જાય. એ પ્રારબ્ધગત જીવનના કોઈપણ સંજોગોમાં સુખી-દુઃખી થાય, છતાં એકના એક વિચારોમાં ન કરે. એ તો મનનો સાત્ત્વિકભાવ પ્રગટે એવાં ભક્તિભાવથી, અલિપ્તભાવથી તે સંજોગોની ઘટનામાંથી પસાર થવાનો પુરુષાર્થ કરે. કારણ જીવનની દરેક ઘટના સાથે મન જોડાતું હોય છે. તેથી ભક્તિભાવથી જીવન જિવાય તો સામાન હળવો થતાં સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.  જિજ્ઞાસુભાવની આગ એટલી તીવ્ર હોવી જોઈએ, કે સંસારી જીવનમાં જવાબદારીના કાર્યો કરતી વખતે પ્રભુ સ્મરણની જ્યોત પ્રકાશિત રહે. અર્થાત્ મન વિચારી શકે છે પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જાના લીધે, એ સત્યનો સ્વીકાર થતાં પ્રભુ સ્મરણ રૂપે મનમાં જાગૃતિનો ઉજાસ પથરાય જાય કે, “ચેતનવંત ઊર્જાના વહેણ જેમ મારામાં વહે છે, તેમ પ્રકૃતિની સર્વે આકૃતિઓમાં તથા આજુબાજુ સર્વત્ર તે ઊર્જાનો સ્રોત વહે છે. પ્રભુનું ઊર્જા સ્વરૂપ સૌમાં સમાયેલું છે, તેથી તો જીવંત જીવનની ક્રિયાઓ છે. જિજ્ઞાસુ ભક્ત આવાં વિચારોથી પ્રભુ સ્મરણનું માત્ર રટણ નથી કરતો, પણ અણુ જ્ઞાનથી પરિચિત થવા માટે મનની સૂક્ષ્મતાને, પારદર્શકતાને જાગૃત કરવાનો પુરુષાર્થ કરે છે. એવો પુરુષાર્થ તે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને કરે છે અને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. ભક્ત તરતો નથી પણ સાત્ત્વિકમાવની મુત્ત ગતિ તરે છે, અર્થાત્ સાત્ત્વિકભાવની ગતિ ધારણ કરતી જાય ભગવત્ ભાવની પ્રીતને, તે છે ભક્તિ યોગનો આવિર્ભાવ. પછી ભક્ત, ભક્તિ, ભાવ કે ભગવાનની આત્મીય ચેતના, બધું જ એકરૂપતાની ગતિમાં એકાકાર થાય. પ્રભુને વિનંતિ કરીએ કે આપની મુક્ત ગતિનો રંગ લગાડી ભક્તિભાવમાં સ્થિત કરાવજો.

 સાત્ત્વિકભાવની જાગૃતિમાં થાય મન મોકળું અને કર્મસંસ્કારોની ગાંઠો છૂટતી જાય;

મનની મોકળાશમાં મુક્ત ગતિનો શરણભાવ, થાય અંતરની સૂફમતામાં ધ્યાનસ્થ;

ભાવભીની અંતર ભક્તિ રૂપે ભક્તનાં છિદ્રોમાં વહે, ભક્તિનાં મુક્ત ગતિના નીર;

 અણુ સ્વરૂપના અસ્તિત્વનો થાય સાક્ષાત્કાર અને દેહની માયાથી મુક્ત થવાય.

સંકલનકર્તા -મનસ્વિની કોટવાલા