Article Details

૧૨-૦૨-૨૦૨૩

ચાલોને આજે એવું કરીએ, પરિણય પ્રભુ સાથે કરવા, પ્રીતના પાંદડે બંધાઈ અવકાશમાં વિહાર કરીએ; આમજનો સર્વેને ગણી, સર્વેમાં સમર્પણની સુવાસ રેલાવીએ અને અવકાશનો પ્રકાશ પ્રસરાવીએ; પરિણયનું પરિણામ છે. પ્રભુ પ્રીતની ગતિ, તે ગતિને અધિકારી ભક્તોનાં પ્રાંગણમાં રેલાવીએ; આજ ને કાલમાં આળોટતો માનવી, ભરખી જાય તેને કાળ આવી, તે પહેલાં ભક્તિનો રંગ લગાડીએ; ભક્તિભાવથી પ્રભુના પ્રિયજન બનીએ, ચાલોને આજે અવકાશમાં પરિણયથી વિહારતાં રહીએ.

ભક્તની ભક્તિભાવની સમાધિસ્થ સ્થિતિ એટલે અવકાશનો વિહાર. એવો અવકાશિત અંતર વિહાર પ્રભુની પ્રીત શક્તિની કૃપાથી થાય. અર્થાત્ ભક્તના સમર્પણભાવને પ્રભુ શક્તિએ આધાર આપ્યો અને સમર્પણ સ્વીકાર્યું, ત્યારે ભક્તને પ્રભુપ્રીતની ભક્તિનું દાન અર્પણ થયું. ભક્તને જ્યારે ભક્તિભાવનો આધાર મળે, ત્યારે આધાર સ્વરૂપે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાનો યોગ અનુભવાય. ભક્ત દિવ્ય પ્રીતની ચેતનાનો યોગ ભક્તિભાવથી અનુભવે, ત્યારે પ્રકાશિત ઊર્જાના સ્પંદનોનો ઉન્માદ છિદ્રેછિદ્રમાં, રૂંવેરૂંવામાં પ્રગટે. ભક્તનું અસ્તિત્વ તે પ્રકાશિત પ્રીતના ઉન્માદમાં(ઘેલપણમાં) સંપૂર્ણ રૂપે વીંટળાઈ જાય અને તે સચ્ચિદાનંદ સ્વરૂપની આત્મીય અનુભૂતિમાં ખોવાઈ જાય. તે આત્મીય અનુભૂતિનો આનંદ નથી અપાતો ઉધાર કે નથી લેવાતો ઉધાર, એ તો ધારે ધણી(પ્રભુ) ત્યારે અર્પે આનંદ અપાર. પ્રભુની દિવ્ય પ્રીત અપારથી પણ અપાર છે. પ્રભુ સંગ એવી અનંત ગુણોની અપારતામાં પરિણય થાય, તે છે અનંત ગુણોના પ્રભુત્વનું આત્મીય અનુભૂતિ સ્વરૂપે પ્રસ્તુત થવું. એવી પ્રસ્તુતિ જ્ઞાની ભક્તની દૃષ્ટિમાંથી, વાણીમાંથી, શરીરના કણકણમાંથી, એનાં વહાલભર્યા પ્રેમાળ વર્તનથી પ્રગટ થાય. કારણ ભક્તનું અસ્તિત્વ પરમાણુ સ્વરૂપ બની જતાં ચોતરફ દિવ્ય ચેતના પ્રસરતી જાય. તે ક્ષણે ભક્તનું પરમાણુ સ્વરૂપ પ્રીતભાવમાં સ્વયંભૂ પ્રસરતું જાય અને ભાવની એવી રમઝટ ચાલે કે પ્રભુ સંગ પરિણયની ગતિમાં તે ગતિમાન રહે.

 

વિશુદ્ધભાવની રમઝટ એટલે શ્રીકૃષ્ણ ચૈતન્યના ચરણોમાં અનન્ય પ્રેમનું ગોપીભાવનું સમર્પણ. ગોપીની જેમ જિજ્ઞાસુ ભક્તનાં હૃદયે પણ નિત્ય ભાવનું સંવેદન વહેતું રહે છે કે, “હમણાં મારો પ્રિયતમ આવશે અને એકમની ગતિનો અનેરો રાસ રમાડશે.’’ એકમની ગતિમાં હું અને તું નો ભેદ મટી જાય, હું ભક્તિમાં લીન રહું છું એવી અહમ્ વૃત્તિઓ પણ ઓગળી જાય અને પ્રેમભાવનું પ્રસરણ પ્રસરતું જાય, વિહાતું જાય, ત્યારે એકમની આત્મીય અનુભૂતિમાં ભક્ત ખોવાઈ જાય. આમ પ્રભુ મિલનની કે આત્મીય અનુભૂતિની આતુરતા, એ જ છે ભક્તનું જીવન. એવી આતુરતા ક્ષણે ક્ષણે જન્મે અને એવી અવનવી આતુરતામાંભક્ત જીવે.

એકમભાવની રમઝટની ક્ષણ એટલે જઆત્મીય અનુભૂતિની ક્ષણ. આ આત્મીય અનુભૂતિની ક્ષણ એટલે કે સ્વયંભૂ પ્રગટતાં પ્રેમનાં પ્રસરણની ક્ષણ પસાર થઈ જાય, પછી પુનઃ એવી ક્ષણમાં એકરૂપ થવાની તાલાવેલી ભકતમાં જીવંત રહે. આવી તાલાવેલીનો અનન્ય ભાવ ત્યારે જ જાગૃત થાય, જ્યારે પ્રભુ સાથેના એક્યતાનાં સંબંધની પ્રતીતિ થઈ હોય. જો એકવાર પ્રતીતિનો પ્રભાવ જાગે અને પ્રીતિના રહે પર સહજ પ્રયાણ થતું રહે, તો એકમની ગતિનો સહારો મળી જાય. પછી જ્ઞાની ભક્તની જેમ એકરૂપતાની આત્મીય અનુભૂતિનો આનંદ અનુભવાય. પરંતુ તે માટે જેનો સતત સંગાથ છે, જેના આધારે જીવંત જીવન જીવી શકાય છે, તે દિવ્ય પ્રીતની પ્રભુની ચેતનાના આવિષ્કારથી જ્ઞાત થવું જરૂરી છે. ભક્તનું મન અજ્ઞાત નથી, પણ અજ્ઞાની મનના અંધકારથી શાત રહે છે. જ્ઞાની ભક્તની જેમ ક્ષણે ક્ષણે પ્રગટતી પ્રભુત્વની ઊર્જા ધારામાં એકરૂપ થવાની તાલાવેલી જનમતી રહે, તો એકમની ગતિનો સહારો મળી જાય. એવી તાલાવેલીમાં અસહ્ય વેદના થતી હોય એવું ભક્ત અનુભવે અને બેબાકળો થઈ પ્રભુને ભક્તિભાવથી તે આવાહન કરતો રહે.

પરમોપરમ શક્તિના પ્રભુત્વને(પ્રભુને) સંપૂર્ણ રૂપે કોઈ જાણી શકે એમ નથી. છતાં ભક્ત પરમ શક્તિના સંપૂર્ણ આવિર્ભાવ માટે ઉતાવળીયો થાય. જેમ એક માતા પોતાના બાળકની નિશાળેથી ઘરે આવવાની રાહ જોતી હોય, તેમ ભક્ત પણ આત્મીય અનુભૂતિમાં એકરૂપ થવાંની રાહ જુએ. રાહ સ્વરૂપે ભજન-સ્તુતિના ગુંજનથી આવાહ્ન કરતો રહે. આવાહ્નના અણમોલ ભાવથી એની તાલાવેલીને રાહ મળતો જાય અને એકમની ગતિમાં અનાયાસે પ્રયાણ થતું જાય. ભવોભવથી ભક્ત તો ભક્તિના તપથી જેની રાહ જોતો હોય, એકમની ક્ષણ ક્યારે જન્મી તેનો એને ખ્યાલ ન આવે. પરંતુ આતુરતાનું કે તાલાવેલીનું, કે દેહ સાથેનાં બંધનનું મૃત્યુ અનુભવાય, ત્યારે એકમની ક્ષણ જીવંત થાય અને પ્રભુત્વ પ્રસરણનો આનંદ છલકાતો રહે. 

આત્મીય અનુભૂતિની આતુરતા એ જ છે ભક્તની ઓળખાણ. ભક્તિભાવનું ધન ભક્તમાં રોજ રોજ વધતું જાય અને મનનું મૌન થાય. મૌન એટલે વિચારોનાં બંધનથી મુક્ત થવું. સંસારી વિચારોની આવનજાવનનો કોલાહલ શમી જાય, ત્યારે ભાવની સાત્ત્વિકતા સ્વયંભૂ પ્રગટતી જાય. પછી સાત્ત્વિક વિચારોનું સ્ફુરણ આપમેળે થાય, જે બીજા જિજ્ઞાસુઓને આત્મીય અનુભૂતિના રાહનું માર્ગદર્શન ધરે. એવાં જ્ઞાની ભક્ત દ્વારા પ્રભુત્વ પ્રગટાવવાની તાલાવેલી સ્વયં પરમ શક્તિને હોય છે. જેવી રીતે બાળક નિર્દોષતાથી રમકડાં રમવાની રાહ જુએ, તેવી રીતે પરમ શક્તિ પોતે રચેલાં પંચમહાભૂતોના રમકડાંની રાહ જુએ છે. તેથી એનાં પ્રિય રમકડાં રૂપી જ્ઞાની ભક્તોને પ્રીતભાવથી ભીંજવી દઈ, એકમની ગતિથી અવકાશમાં વિહાર કરાવે. વિહાર સ્વરૂપે પ્રભુની ચેતનાનું અતવરણ થાય, એટલે કે ભક્તના પ્રેમમાં પ્રભુ બંધાઈ જાય. એવી એકમની ક્ષણનો જન્મ થાય, ત્યારે એની ઉજવણી રૂપે માતા સરસ્વતીનો સહારો મળી જાય અને અક્ષર શબ્દોનું આલેખન પ્રસ્તુત થાય કે, “હે નાથ વરસોની તપશ્ચર્યા ફળ એવા ભક્તિભાવમાં તરબોળ રાખો તથા વરસની(સમયની) કોઈ ગાંઠ ન બંધાય પણ સ્વયં તમે બંધાઈ જઈને પ્રગટ થાવ એવો વાસ કરતાં જાવ.'

 

આવોને આજ મારે ઘેર, વહાલમજી વાસ કરતાં જાવ; અમે પ્રીતથી કરશું સહવાસ, વહાલમજી વાસ કરતાં જાવ;

 અમૃત પાશું અમે આંખની અમીએ, હેતથી ધરશું ભાવ તમને..

 ભૂલી જશો તમે રાધાજીની પ્રીતને, અંતરના હિંડોળે હીંચકાવશું નિશદિન..

દાનમાં ઝીલશું તારી પ્રીતને, કર્મોને કાપવા કહેશું નહિ..

 શ્રી કૃષ્ણ –

વરસોની તપસ્યા આજ ફળી માનવ તારી રે...

ગોપી

બાંધી દીધો આજ તુજને, કહીને.., વાસ કરતાં જાવ..

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા