Article Details

ભક્તના હૃદય

જળ તત્ત્વનું અખંડ ગતિનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે પાણીના સતત વહેતાં વહેણ, અખંડ ગતિથી વહેતા નદીના વહેણને અટકાવી ન શકાય, પણ ચોક્કસ દિશામાં વાળી શકાય. ધસમસતા વહેણને ચોક્કસ દિશામાં વાળવા માટે જો બંધ(ડેમ) બાંધવામાં આવે, તો નદીના પાણીનો ઉપયોગ અનેક રીતે થઈ શકે. નદીનું શીતળ પાણી બધાને તૃપ્તિ અર્પણ કરે પણ નદીને કદી તૃપ્તિ અર્પણ કરવાની તરસ ન હોય. એને તો એક જ તરસ હોય કે, પ્રભુનું સત્ત્વ મુજમાં સમાયેલું છે, તેને અર્પણ કરવા સતત વહેતી રહું. આવું નદી જેવું નિઃસ્વાર્થભાવનું આચરણ ભક્તનું હોય. જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં તરતાં જે સાત્ત્વિક ગુણોનું ધન ધારણ થતું જાય, તે બીજા જિજ્ઞાસુઓને એ અર્પણ કરતો જાય. ભક્ત એટલે જ નિઃસ્વાર્થ પ્રેમનું ધામ. જે પ્રભુને મજબૂર કરે પ્રત્યેક અધિકારી જીવના ઉદ્ધાર માટે. છતાં ભક્ત માંગણહારો ન હોય પણ પ્રભુની શાશ્વત લયમાં ગતિમાન રહેવા માટે શરણભાવમાં સ્થિત રહે. એવાં જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન ભક્તિની સરિતામાં તરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિનું દાન થાય. તેથી જ્ઞાની ભક્ત પોતાના માટે માંગે નહિ પણ બીજા જિજ્ઞાસુ ભક્તો માટે પ્રભુને વિનંતિ કરે અને જિજ્ઞાસુ મન ભક્તિભાવનું હૃદય બની જાય એવી પ્રાર્થના કરે.

 

ભાવમાં લઈ જાવ પ્રભુ, ભૂખ અમારી ભાવભીની ભક્તિની; ભક્ત હૃદયમાં ઊતરો પ્રભુ આજ, ભક્તિ કરાવો ભાવથી; ભવેભવની આશ પૂરી કરાવો. આ ભવ તરાવો ભાવમાં; ન જાણીએ ભાવ અમે તો, એક જ વિનંતિ પ્રભુ આપને; ઉતારો આપનો ભાવ ભક્તિમાં, ભક્તોનાં હૃદયમાં વસી જજો.

 

જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં વિશુદ્ધભાવની સાત્ત્વિક ધારામાં જેમ જેમ સ્નાન થતું જાય, તેમ તેમ મનનાં વિચારોનું સમાધાન થતું જાય. મનમાં અનેક પ્રકારના પ્રશ્નો હોય, તે પ્રશ્નોને આપમેળે ભક્તિભાવની સાત્ત્વિક ધારામાં સ્નાન કરતાં કરતાં ઉત્તરનો ઉપચાર મળતો જાય. પછી હૃદયભાવની શુદ્ધતાને ધારણ કરાવતી ભક્તિમાં મન ખોવાઈ જઈ લીન થતું જાય. જ્ઞાની ભક્તને કદી પોતાની પ્રશંસા કોઈ કરે તે ન ગમે, અથવા પોતે ભક્ત છે એવું બીજા લોકો જાણે એવી કીર્તિની ઝંખના પણ ન હોય. એ તો ભક્તિની સમાધિમાં તલ્લીન રહે અને પ્રભુ પ્રીતની દિવ્યતાને માણતો રહે. એવી ભક્તિની સહજ સમાધિમાં આત્મજ્યોતની તેજસ્વીતા એના કણકણમાંથી પ્રસરતી રહે અને સાત્ત્વિકગુણોની પ્રસ્તુતિ નિઃસ્વાર્થ પ્રેમના વર્તનથી અર્પણ થતી રહે. માનવી મનમાં વિચારોની આવનજાવન હોય, તે જ્ઞાન ભક્તિની સરિતામાં તરાવતાં ભાવથી જેમ જેમ શાંત થાય, તેમ તેમ મન બની જાય હૃદયભાવ. પછી અજ્ઞાની અહંકારી મનનું શુદ્ધિકરણ થાય અને ભાવની શુદ્ધતાને સ્વયંના આત્મસ્વરૂપની ભાળ મળે.

 

આત્મજ્યોતિના પ્રકાશિત દર્શનની મહેચ્છા દરેક ભક્તની હોય છે. તે જ્યોતિર્મય પ્રકાશનો પડછાયો ક્ષણ માટે પણ મન પર પડે, તો સ્વભાવનું પરિવર્તન થાય. રાગ-દ્વેષના વિચારોનો અંધકાર વિલીન થવાનું શરૂ થાય અને આકારિત જગતના પદાર્થોને ભોગવવાનું વળગણ ઘટતું જાય. મનને પછી એકાંત ગમે અને બીજા જિજ્ઞાસુ ભક્તોની સંગમાં ભજનો-સ્તુતિનું ગુંજન કરવાનું ગમે. જે વિચારોના વહેણ દુન્યવી વસ્તુ-વ્યક્તિ માટે આમ તેમ વહેતાં રહેતાં હતાં, તેની દિશા પછી બદલાતી જાય. કારણ સ્વમય ચિંતન રૂપી બંધ પ્રભુ કૃપા સ્વરૂપે બંધાઈ જતાં, મનનાં વિચારો સાત્ત્વિકભાવની જાગૃતિ કરાવતી દિશામાં પ્રયાણ કરતાં જાય. ચિંતન સ્વરૂપે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ માત્ર ગ્રહણ ન થાય પણ આચરણનો ઉજાસ પથરાતો જાય. પછી પોતે ભક્ત છે કે ભક્તિભાવથી જીવે છે એવું જણાવી ન શકાય. કારણ જણાવનાર મનનું સમર્પણ થયું હોવાંથી અકર્તાભાવની જાગૃતિને તે ધારણ કરે છે. સમર્પણભાવ કે અકર્તાભાવની જાગૃતિમાં અહમ્ કેન્દ્રિત વૃત્તિ-વિચારોનું વર્તન ન હોય, પણ આત્મીય ચેતનાના સ્પંદનો સાત્ત્વિકભાવની વ્યાપક્તામાં ઓતપ્રોત કરાવે, ત્યારે અંતરની વિશાળતામાં વિહાર થતો જાય.  ભક્તનો અંતરગમનનો ધ્યાનસ્થ ભાવનો વિહાર, એટલે સાત્ત્વિકગુણોનાં સ્પંદનોનું પ્રસરણ પ્રગટ થવું. એવાં પ્રાગટ્ય સ્વરૂપે ભાવની ઉન્નતિ બનાવે ભક્તના અસ્તિત્વને નિઃસ્વાર્થભાવનો ઘડો. જે વારંવાર છલકાતો રહે અને બીજા અધિકારી પાત્રો માટે પ્રભુને પ્રાર્થના કરતો રહે કે, “હે નાથ! ભક્તિભાવનું એવું આસન અમે વાળીએ, જેથી ભાવની ધારા રૂપે આપ સાક્ષાત્ પ્રગટો ત્યારે આપનાં દિવ્ય સ્પંદનોને અમે માણી શકીએ. અમને સંસારી પદાર્થોની ખેવના નથી પણ એક યાચના છે, કે પ્રત્યેક જીવ પોતાની ઉચિત સમજ અનુસાર ભક્તિભાવમાં સ્થિત થઈ શકે. અમે માનવીઓને આપની કૃપાથી વાણીનું દાન પ્રાપ્ત થયું છે. તેથી મા સરસ્વતીની કૃપાથી ભજન-સ્તુતિનો આનંદ માણીએ છીએ. હવે એક જ પ્રાર્થના કે આ ભવસાગર ઝટ તરાવો. અમને આ ખારા પાણીના સંસારી સમુદ્રમાં તરવું નથી. અમે અણસમજુ હતાં ત્યારે સંસારનો ખારો સ્વાદ બહુ માણ્યો. પરંતુ ભક્તિભાવથી ક્રમશઃ તે ઘટતો જાય છે. હવે આપના દિવ્ય ગુણોની મીઠાશનો સ્વાદ ચખાડો. કણકણમાંથી વહેતો એ મીઠાશનો સ્પર્શ અમે ઝીલી શકીએ એવી કૃપાના અધિકારી બનાવો, તે માટે માતા સરસ્વતીની અનન્ય કૃપા ધરી, આપનાં ગુણગાન અવિરત લખાવતાં રહો. આ દેહના અંગોમાં ભક્તિભાવનું રસાયણ પ્રસરતું રહે એવી ભકિતની સમાધિમાં સ્થિત કરાવો. આપની દિવ્ય પ્રીતની ઘારા એટલી છલકાવો કે ભક્તિભાવ રૂપે તેને પ્રસરાવતાં કદી ન થાકું, જેથી આપનો ભાવ પ્રગટતો રહે અને દેહ છોડવાની ક્ષણે આપનો જ ભાવ આપનામાં સમાઈ જાય એવી ઐક્યતામાં એકરૂપ થવું છે.''

 

  સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા