Article Details

ભક્ત તો તરતો રહે જ્ઞાન સરિતામાં

માનવ શરીર રૂપે થતી અગગીન ક્રિયાઓનું ઊંડાણ પૂર્ણતાથી જાણી શકાય એમ નથી. કારણ અંગેઅંગની ક્રિયાઓ વૃદ્ધિ-વિકાસના સંદર્ભથી સતત થતી રહે છે અને દરેક અંગોની એકબીજા સાથેના પરસ્પર સંબંધથી થતી, તથા મનનાં પ્રતિભાવની અસરથી થતી સતત ક્રિયાઓ, ત્રણ પરિમાણની(ડિમેન્શન) સીમામાં બંધાઈને થતી નથી. ખરેખર પ્રભુએ માનવ શરીરની રચના કરીને પોતાની સર્જનાત્મક ક્રિયાની ચેતનાનું, એટલે કે દિવ્ય ગુણોની ઊર્જાનું સુદર્શન ધર્યું છે. એ સુદર્શિત થતી રહેતી ચેતનવંત ઊર્જાની મહત્તાને, અહંકારી સ્વાર્થી માનસથી જાણી શકાય એમ નથી. જિજ્ઞાસુ ભક્ત જ્યારે દેહની મહત્તાને જાણવાનો પુરુષાર્થ કરે છે, ત્યારે એને સત્યનું દર્શન થાય છે. એ સત્ દર્શન રૂપે અનુભવાય, કે માનવ શરીરના આકારિત સુદર્શનની જેટલી શ્રેષ્ઠતા છે, તેટલી જ નિરાકારિત મન-બુદ્ધિની વિચારવાની, અનુભવવાની, સમજવાની, કે લાગણી વગેરે પ્રતિભાવ દર્શાવવાની અદ્ભુત શ્રેષ્ઠતા છે. ભક્તની જેમ આપણને પણ સત્ દર્શન થાય તો સ્વીકાર થાય, કે તન-મનનું દેહધારી જીવન અર્પણ કરીને પ્રભુએ પોતાની સાથેનાં અતૂટ આત્મીય સંબંધની મહોર મારી છે. પ્રભુની મહોર એટલે જ આત્મીય ચેતનાની દિવ્ય પ્રીતની મહેર. એ મહેરની મહેરબાનીથી પ્રભુના દિવ્ય ગુણોના પ્રભુત્વને માનવી સાત્ત્વિકભાવથી માણી શકે છે.

 

પ્રભુની આત્મીય ચેતનાનો અભિન્ન અંશ મન છે. પરંતુ મન પર કર્મસંસ્કારોનું આવરણ હોવાથી, તે પોતાનાં સ્વ સ્વરૂપથી, એટલે કે પ્રભુની ચેતનાના આત્મીય સંબંધથી અજાણ રહે છે અને પોતે આકારિત શરીર છે એવી ખોટી માન્યતાથી જીવે છે. આપણે સૌ આકારિત શરીર અને નિરાકારિત મનની ક્રિયાના પરસ્પર સંબંધનું જીવન જીવીએ છીએ. જેથી મગજ તથા ઈન્દ્રિયોના સહારે અતૃપ્ત ઈચ્છાઓનાં કર્મસંસ્કારોનો ભાર હળવો થઈ શકે. છતાં ઈચ્છા તૃપ્તિના જીવનમાં નવી નવી ઈચ્છાઓની અતૃપ્તિ વધતી જાય છે. એનું મુખ્ય કારણ છે અજ્ઞાની મનની અણસમજ, જે સમજી નથી શકતું કે શરીરનો આકાર છે એવો મનનો આકાર નથી. મનથી જે સ્વાદ, સ્પર્શ, લાગણી વગેરેનો અનુભવ થાય છે, તે અનુભવનો આકાર નથી. કોઈ પણ ફળનો આકાર હોય અને આકારિત વસ્તુને જોઈ શકાય, સ્પર્શી શકાય. પરંતુ તે ફળને જોવાની દૃષ્ટિનો, કે એનાં સ્વાદના અનુભવનો અથવા સ્પર્શના અનુભવનો આકાર નથી. તે અનુભવ કરનાર મન સ્વયં નિરાકાર સ્વરૂપનું છે, એટલે અનુભવની સ્થિતિ પણ નિરાકારિત છે. પ્રભુએ મનુષ્ય આકારના બે પ્રકાર બનાવ્યાં છે. નર(પુરુષ) અને નારી(સ્ત્રી). આ બે પ્રકારના આકારોની બાહ્ય રૂપરંગની વિવિધતા હોય છે.

 

મનુષ્યના પાંચ કે છ ફૂટના શરીરનો આકાર આંખોથી જોઈ શકાય છે, પણ જોવાની દૃષ્ટિને તથા જોવાનો અનુભવ કરનાર મનને આંખોથી જોઈ શકાય એમ નથી. એટલે બાહ્ય દેખાવની ઓળખાણને માનવી વધુ મહત્તા આપે છે. શરીરના આકારને જોતી વખતે તેનો દેખાવ સુંદર છે કે નથી એવું જાણવાનો પ્રયત્ન થાય, પણ મનનાં દેખાવને એટલે કે સ્વભાવને જાણવાનો પ્રયત્ન ઓછો થાય. તેથી જ માનવી પોતાના સ્વભાવને, આદતોને, કે ક્રિયા- પ્રતિક્રિયાના વલણને ઉપરછલ્લું જ જાણે છે. આવી સીમિત જાણકારી કે સમજણના લીધે શરીરના રોગોની જેટલી પીડા માનવી ભોગવે છે, તેનાં કરતાં માનસિક રોગોની અનેકગણી પીડા ભોગવે છે. શરીરના રોગથી કે દર્દથી મુક્ત થવાંના ઘણાં ઉપાય છે, પણ મનના રોગથી ઝડપથી મુક્ત થવું મુશ્કેલ છે. ડૉકટર ઈલાજ કરી શકે એવાં મનનાં રોગની વાત આપણે નથી કરતાં. પરંતુ જે મન જાણે છે કે પોતે આત્મીય ચેતનાનો અભિન્ન અંશ છે અને તે જાણ્યાં પછી પણ રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનમાં આળોટતું રહે, તે મનનાં રોગનો ઈલાજ ઔષધથી-દવાથી ન થઈ શકે અને તેને મનનો લકવો(પક્ષઘાત–પેરેલિસિસ્) કહેવાય.

શરીરને જો લકવો થાય તો જેમ શરીરથી થતી પ્રક્રિયાઓ, કે રોજિંદા કાર્યો પોતાની જાતે કરી ન શકાય; તેમ મનને લકવો થાય તો સર્જનાત્મક વિચારો કરવાની, કે સૂક્ષ્મને સમજવાની, કે એની પ્રતીતિ રૂપે અનુભવવાની ક્રિયાઓ શિથિલ થઈ જાય છે. એવી શિથિલતાની અસર મગજની ક્રિયાઓ પર થતાં શરીરની ક્રિયાઓ ધીમી થતી જાય છે. અર્થાત્ મનની શિથિલતા શરીરની વૃદ્ધ અવસ્થાને આમંત્રણ આપે છે. જે મન રચનાત્મક વિચારોથી સજાગ રહે, સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાનો પુરુષાર્થ કરે, તથા સ્વયંની ઓળખથી ‘હું શરીર નથી પણ શરીરમાં વસવાટ કરું છું’ એવી જાગૃતિથી જીવે, તે છે મનની યુવાન સ્થિતિ. મનની વૃદ્ધ સ્થિતિ એટલે સીમિત નાશવંત સ્થિતિના વિચારોની જડતામાં બંધાયેલું મન. એવાં બંધાયેલા મનની લકવા જેવી સ્થિતિ હોય, તેને માત્ર નાશવંત વસ્તુઓ, કે પરિસ્થિતિને જાણવાની તાલાવેલી હોય અથવા એને ભોગવવાનો મોહ હોય.

 

જેમ લકવાગ્રસ્ત શરીરને ઊઠવા, બેસવા વગેરે કાર્યો કરવા માટે બીજાની સહાય લેવી પડે છે; તેમ લકવાગ્રસ્ત મનને સૂક્ષ્મ અંતર યાત્રા માટે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહેવાની સહાય લેવી અતિ આવશ્યક છે. સાંનિધ્યમાં રહીને સત્સંગ થાય, તો સૂક્ષ્મ સમજના દ્વાર ખૂલતાં જાય. તેથી આરંભમાં શ્રવણ, અભ્યાસ, મંત્ર જપ કરવાં, ભજન-કીર્તન ગાવાં, વગેરે સત્સંગની પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. પરંતુ એવી પ્રવૃત્તિઓથી મન માત્ર લકવાના કારણથી જાણકાર થાય છે, અથવા અજ્ઞાની મનને પોતાની અણસમજનું જ્ઞાન મળે છે. મનની લકવાગ્રસ્ત સ્થિતિ, એટલે કે અજ્ઞાની અહંકારી સ્વભાવથી મુક્ત થવાં માટે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું પડે. તરતાં તરતાં સદાચરણના વહેણમાં સાત્ત્વિકભાવની શીતળતા અનુભવાય, ત્યારે મનનું મૌન થતાં આત્મ સ્થિત સ્વાનુભૂતિના પ્રકાશમાં અસ્તિત્વ ઓતપ્રોત થાય.

 

મારું-તારું-પરાયુંના ભેદભાવમાં બંધાયેલા મનને ન સમજાય આત્માની સર્વવ્યાપકતા; સર્વેમાં સર્વત્ર તે છે, તેની પ્રતીતિ કરવા ભક્ત તો તરતો રહે જ્ઞાન ભક્તની સરિતામાં; એવો તરવૈયો કરે આકારિત કૃતિમાં નિરાકારનાં દર્શન અને મનની નિરાકારિત સૂક્ષ્મતા કરે ચેતનાનાં દર્શન; આત્મીય ચેતનાનાં પ્રકાશિત દર્શનમાં ભક્તનું અસ્તિત્વ થાય તન્મય, ત્યારે થાય મનનું મોન.

 

સંકલનકર્તા-મનસ્વિની કોટવાલા